આગામી સપ્ટેમ્બર મહિનામાં ગણેશોત્સવની સાથે રમઝાન ઈદ છે. ગણપતિબાપાનું આગમન ૧૧ સપ્ટેમ્બરે થશે. એ જ દિવસે કોમનવેલ્થ ગેમ્સની ક્વીન બેટન રિલે મુંબઈ પહોંચશે. તેથી ગણેશમૂર્થિઓના આગમનમાં અડચણ નહીં આવે એ માટે બેટન રિલે અને ગણપતિબાપાના આગમનના માર્ગો જુદા રાખવાની સૂચના મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે શનિવારે ટ્રાફિક પોલીસને આપી હતી.
ગણેશોત્સવ, રમઝાન ઈદ અને કોમનવેલ્થ ગેમ્સની બેટન રિલે, એમ ત્રણ તહેવારો-પ્રસંગો સપ્ટેમ્બરમાં આવે છે. તેથી મુંબઈની સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવવા મુખ્ય પ્રધાને ગૃહખાતાના અધિકારીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બેઠક યોજી હતી. ગણેશોત્સવ ૧૧ સપ્ટેમ્બરથી શરૂ થાય છે અને એ જ દિવસે બેટન રિલેમાં મુંબઈના માર્ગો પર ખેલાડીઓ દોડતા હશે.
તે ઉપરાંત ૧૦ સપ્ટેમ્બરે રમઝાન ઈદ ઊજવાશે. બે દિવસોમાં ત્રણ મહોત્સવી ઘટનાઓ આવતી હોવાની કોઈપણ કાર્યક્રમમાં કે જાહેર વ્યવસ્થામાં ખલેલ ન પડે એ માટે સ્વતંત્ર વ્યવસ્થા કરવાની સૂચના મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે આ બેઠકમાં આપી હતી.
ગણેશોત્સવ અને રમઝાન ઈદ સાથે હોવાથી કાર્યબોજ ઉપરાંત કોમવાદી છમકલાંની સંભાવના બાબતે પણ પોલીસ દળ પર ઘણો માનસિક તાણ છે. તેને કારણે ક્વીન બેટન રિલે માટે પોલીસ દળ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. તેથી બેટન રિલેના કાર્યક્રમમાં ફેરફારની વિનંતી મુંબઈ પોલીસે કેન્દ્રના ગૃહ પ્રધાનને કરી છે.