સાખરતર-મહામુરવાડી ખાડીમાં એક નાની નૌકા ઊંધી વળતા ત્રણ નાનાં બાળક સહિત એક જ કુટુંબના ચાર જણનાં મોત થયા હતા, પરિણામે આ વિસ્તારમાં શોકનું વાતાવરણ પ્રસર્યું હતું. જો કે નૌકામાંના બે બાળકો તરીને કિનારે પહોંચી જતા તેમનો જીવ ઉગરી ગયો હતો. રવિવારેસવારે આ દુર્ઘટના બની હતી.
અફિક જિયાઝ સાખરકર (ઉ.વ.૧૦), અનસ ઇશાદ સાખરકર (ઉ.વ. ૭), ઉવેશ ખાલીદ સાખરકર (ઉ.વ. ૬) સહિત તેમના કાકા મોજમ ગફૂર સાખરકર (ઉ.વ. ૩૪)નું મૃત્યુ થયું હતું. જો કે મુસ્તાફીમ માજિદ સાખરકર (ઉ.વ. ૧૦) અને સકલેન માજિદ સાખરકર (ઉ.વ. ૧) નામના બાળકો તરીને કિનારે પહોંચી ગયા હતા. તેમને હોસ્પિટલમાં સારવાર આપી ઘરે જવા દેવાયા હતા.
તાજેતરમાં દુબઈથી આવેલા મોજમ તેના ભાઈના બાળકોને ખાડીમાં નૌકાની સેર કરાવવા લઈ ગયો હતો. નૌકાએ સંતુલન ગુમાવતા ઊંધી વળી હતી.મોજમ જાતે એક અચ્છો તરવૈયો હતો, પણ નાના બાળકોનો જીવ બચાવવાના પ્રયાસમાં બાળકો તેને વળગી પડતા ચારે ય જણ ડુબી મર્યા હતા. સ્થાનિક માછીમારોએ તાકિદે પગલાં લઈને તેમને બેશુદ્ધ હાલતમાં બહાર કાઢયા હતા, તે તમામને જિલ્લા હોસ્પિટલમાં મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. પાણી ખાસ્સું ઊંડું હોવાથી નૌકા ઊંધી વળી ગઈ પણ સુવિધાના અભાવને કારણે તાત્કાલિક મદદ મળી શકી નહોતી.
બોટ ઊંધી વળી ચારના મૃત્યુ થયાનું જાણવા મળતા સમગ્ર વિસ્તારના માછીમારો હોસ્પિટલ પર એકત્ર થયા હતા અને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ ન થવા દેવાની માગમી કરી હતી, તેને પરિણામે મૃતદેહો ખાસ્સો સમય હોસ્પિટલમાં પડી રહ્યા હતા અને આ વિસ્તારમાં કેટલાક સમય માટે તંગદિલી ફેલાઈ હતી.