મકાનોના બાંધકામ અને સમારકામની ગુણવત્તા જાળવવા તથા અનિચ્છનીય ઘટના બને તો એ બાબતે જવાબદારી નિશ્વિત કરી શકાય એ માટે ડેવલપર્સ માટે લાઈસન્સ કે પરમિટ પદ્ધતિ શરૂ કરવાની જોગવાઈ સંબંધી સુધારો મુંબઈ મહાપાલિકા અધિનિયમમાં વહેલી તકે કરવા મુખ્ય પ્રધાનને અનુરોધ કરાયો છે. આ બાબતે અનુરોધ કરતો પત્ર પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ રાહુલ શેવાળેએ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણને તાજેતરમાં લખ્યો હતો.
પત્રમાં શેવાળેએ જણાવ્યું હતું કે બોરીવલી (પશ્ચિમ)ના બાભઈ નાકા વિસ્તારમાં થોડાં વર્ષો પૂર્વે લક્ષ્મી છાયા બિલ્ડિંગનો અમુક ભાગ તૂટી પડતાં કેટલાક રહેવાસી મૃત્યુ પામ્યા હતા. આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ટાળવા માટે એ દુર્ઘટનાની જવાબદારી નિર્ધારિત કરવા અને ડેવલપર સામે પગલાં લઈ શકાય એ માટે મહાપાલિકા અધિનિયમમાં ફેરફાર જરૂરી છે.
આ પ્રકારના સુધારાનો મુસદ્દો વર્ષ ૨૦૦૪માં રાજ્ય સરકારના નગર વિકાસ ખાતાને મોકલાયો હતો. પરંતુ ત્યાર પછી એ બાબતે કોઈ ગતિવિધિ આગળ વધારાઇ નહોતી. મકાન દુર્ઘટનાઓનો સિલસિલો ફરી શરૂ થાય છે. તેથી દુર્ઘટનાની જવાબદારી નક્કી કરવા, દોષિત સામે પગલાં લેવા અને જરૂર પડે તો તેમને બ્લેકલિસ્ટમાં મૂકવા માટે આવો સુધારો જરૂરી છે, એમ શેવાળેએ પત્રમાં જણાવ્યું હતું.