મુંબઈની મોનો રેલવેની પ્રથમ ટ્રેનનું આ મહિનાની આખરમાં શહેરમાં આગમન થશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટનું કામ શરૂઆતથી જ નિર્ધારિત સમય પ્રમાણે ચાલતું હોઈને મોનો રેલવે પ્રોજેક્ટનો પ્રથમ તબક્કા માટે આવશ્યક એવી ૬ ગાડીઓ પૈકી પહેલી ગાડી સપ્ટેમ્બર મહિનામાં મુંબઈમાં પ્રવેશ કરશે.
રૂપિયા ૩,૦૦૦ કરોડનું રોકાણ ધરાવતા આ પ્રોજેક્ટને કારણે ઓછામાં ઓછા ૧૫થી ૧૮ લાખ પ્રવાસીઓને રોજબરોજનો પ્રવાસ કરવામાં સગવડભરી સાર્વજનિક પરિવહન સેવા ઉપલબ્ધ થશે.
આ પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે સમયપત્રક તૈયાર કરવામાં આવ્યું હતું અને તે પ્રમાણે આ પ્રોજેક્ટનો ચેમ્બુરથી વડાલાનો ૮.૯ કિલોમીટરનો રેલવે માર્ગ થોડા સમયમાં જ તૈયારી થવાની આશા છે. મોનો રેલવે પ્રોજેક્ટને સાકાર કરવાના મુખ્ય હક્કો ધરાવનારા એમએમઆરડીએ દ્વારા આ બાબતે અપાયેલી માહિતી અનુસાર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ૬૦ ટકાથી વધારે કામ પૂર્ણ થયું હોઈને વડાલાથી સંત ગાડગે મહારાજ ચૌકનું બીજા તબક્કાનો મોનો રેલવે માર્ગ પણ ૨૦૧૧ના મધ્યગાળા સુધીમાં તૈયાર થઈ જશે.
ઓથોરિટીનાં જોઈન્ટ મેટ્રોપોલિટન કમિશનર અશ્વિની ભિડેએ કહ્યું હતું કે, ‘પહેલા તબકકાનું બાંધકામ જેવું કાર્ય તેમ જ કોમ્યુનિકેશન અને સિગ્નલિંગની વ્યવસ્થા ડિસેમ્બર સુધીમાં સુસજ્જ થશે. મોનો રેલવે પ્રોજેક્ટ સંબંધિત દરેકે વ્યક્તિએ કરેલો પરિશ્રમ તેમ જ સ્થાનિક નાગરિકો તરફથી મળેલા સહકાર અને ટેકાને કારણે જ પ્રોજેક્ટનું કામ નિર્ધારિત સમયમાં પૂર્ણ થયું છે.’ તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘મોનો રેલવેની સંપૂર્ણપણે તૈયાર હોય તેવી પહેલી ગાડી આ મહિનાના આખર સુધીમાં શહેરમાં આવી જશે. વધુ ત્રણ ગાડીઓનું કામ પણ છેલ્લા તબક્કામાં આવ્યું છે.’