- લાઈસન્સ જપ્ત કર્યા પછી ટ્રાફિક પોલીસ ચોકીમાં જઇને દંડ ભરવાની રીત વાહનચાલકો અને પોલીસો બન્ને માટે પરેશાની કરનારી છે
ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલને દંડ વસૂલ કરવાના અધિકાર આપવાનો આદેશ આપતાં મુંબઇ વડી અદાલતે આવતા ચાર સપ્તાહોમાં એ આદેશના અમલની સૂચના પણ આપી છે.
ઘણાં વર્ષોથી વાહન વ્યવહારના નિયમો તોડનારાઓના લાયસન્સ જપ્ત કરાયા બાદ એ વાહન ચાલક ટ્રાફિક પોલીસ ચોકીમાં જઇને દંડ ભરીને લાઈસન્સ પાછું મેળવતા હોય છે. આ પદ્ધતિ વાહનચાલકો ઉપરાંત ટ્રાફિક પોલીસના કર્મચારીઓ માટે પણ ત્રાસદાયક હતી. એ બાબતે ઘણી વખત ફરીયાદો પણ કરાઇ હતી.
આ ત્રાસને કારણે વાહનચાલકો પોલીસ જવાનોને લાંચ આપીને છુટકારો મેળવતા હતા. તેથી ભ્રષ્ટાચાર પણ વ્યાપક બનતો રહ્યો. આ બાબત સહિત મુંબઇમાં વાહનવ્યવહાર અને ટ્રાફિક વ્યવસ્થાની વણસતી જતી સ્થિતિ અંગે બોમ્બે ખાર એસોસિયેશન અને એડવોકેટ આર્મીન વાંદ્રેવાલાએ જાહેર હિતની અરજી (પીઆઇએલ) વડી અદાલતમાં કરી હતી.
વિશેષ બાબત એવી છે કે પોલીસ કોન્સ્ટેબલોને આ અધિકાર આપવાની દરખાસ્ત વર્ષ ૨૦૧૦થી મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયમાં પડી છે. છેવટે આપીઆઇએલની સુનાવણી દરમિયાન સરકારી વકીલે અદાલતને એવી બાંયધરી આપી હતી કે હવે ચાર અઠવાડિયામાં આવશ્યક આદેશ બહાર પાડશે.
દંડની રકમ ફકત ૧૦૦ રૂપિયા હોવાથી એ વધારવાનો વિચાર પણ સરકાર કરતી હોવાનું સરકારી વકીલે જણાવ્યું હતું. અરજીની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ મોહિત શાહ અને રણજિત મોરેની ખંડપીઠ સમક્ષ કરાઇ હતી.