પુણે જિલ્લામાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વર્ચસ્વને પડકારવા માટે કોંગ્રેસે સહકાર ખાતાના પ્રધાન હર્ષવર્ધન પાટીલને મેદાનમાં ઉતાર્યા છે. પુણે જિલ્લામાં કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવાની જવાબદારી હર્ષવર્ધન પાટીલને સોંપવાની જાહેરાત મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે તાજેતરમાં ઈન્દાપુર ખાતે પક્ષના કાર્યકરોના મેળાવડામાં કરી હતી. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘‘હર્ષવર્ધન પાટીલ પુણે જિલ્લાના કોંગ્રેસના નેતા છે. જિલ્લામાં પક્ષને મજબૂત બનાવવા તેઓ આગેવાની લેશે અને તેમની પાછળ પીઠબળ અમે ઉભું કરીશું.’’
થોડા સમય અગાઉ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસના ઉપક્રમે ઈન્દાપુરમાં ખેડૂત મેળાવડો યોજયો હતો. કોંગ્રેસે આ પૂર્વયોજિત કાર્યક્રમને પડકારવા ઉતાવળે રાષ્ટ્રવાદી કોંગ્રેસની પહેલાં જ પોતાનો કાર્યકર મેળાવડો યોજયો હતો. તેનું મહત્વ વધારવા માટે મુખ્ય પ્રધાન સહિત અનેક મોટા નેતાઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
પુણેના સ્થાનિક રાજકારણમાં પહેલેથી જ અજિત પવાર અને હર્ષવર્ધન પાટીલ સામસામે તીવ્ર હરીફાઈમાં છે. વર્ષ ૧૯૯૯માં કોંગ્રેસ-એનસીપી મોરચાની સરકાર સ્થપાતી હતી ત્યારે અજિત પવારે હર્ષવર્ધન પાટીલના પ્રધાનમંડળમાં સમાવેશ સામે વિરોધ કર્યો હતો.
મહાપાલિકા અને જિલ્લા પરિષદોની આગામી ચૂંટણીઓની જવાબદારી હર્ષવર્ધનને સોંપવામાં આવી છે. પરંતુ તેઓ વિલાસરાવ દેશમુખના ખાસ ટેકેદાર મનાય છે.