મહાપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજકારણનાં બેનર લગાવવા માટે વધુ નાણાં ગણી આપવાં પડશે. બેનર લગાવવાના દર મુંબઇ પાલિકા વધારશે કે કેમ એ બાબતનો પ્રસ્તાવ વિધિ સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યો છે. આ દર વધારાથી પાલિકાને વર્ષભરના ૪૦૦ કરોડ રૂપિયાની આવક થાય છે.
રાજકારણીઓને હાલમાં બેનર લગાવવાના ૧૯૮ રૂપિયા ચૂકવવા પડે છે, જ્યારે વ્યાવસાયિક બેનર માટે એક હજાર રૂપિયા ચૂકવવાના રહે છે. આ મુદ્દા પર મુંબઇ વડી અદાલતે પણ પાલિકાની ટીકા કરી હતી. ત્યાર બાદ પાલિકાએ આ દર વધારવાનો નિર્ણય લીધો હોવાથી નવા દર મુજબ એક ચોરસમીટરનું બેનર લગાડવા માટે રૂપિયા ૬૦૫ ચૂકવવાના રહેશે. હાલમાં બેનર લગાડવા અંગે આકારવામાં આવતી ફી રકમ પેટે પાલિકાને ૧૦૦ કરોડ રૂપિયાની આવક થાય છે. પરંતુ જો દર વધારવામાં આવશે તો ૪૦૦ કરોડ રૂપિયાની આવક થાય તેમ છે એવો દાવો પ્રશાસને કર્યો છે.
મહાપાલિકાની ચૂંટણીઓ ઢૂંકડી જ છે. આ સમય દરમિયાન જોરદાર બેનરબાજી થાય છે. પાલિકાના આ નિર્ણયને કારણે ચૂંટણીના સમયમાં ઉમેદવારના ખિસ્સાને માર પડવાનો છે. આ દરખાસ્ત મંજુર થતાં ચૂંટણી દરમિયાન પાલિકાની આવક અપેક્ષા કરતાં અનેક ગણી વધી જવાની છે. આ ઉપરથી રાજકીય બેનર લગાડવા માટે પાલિકા અલાયદી જગ્યા આપવાનું વિચારી રહ્યાંનુ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.