પોલીસે ત્રણ જુદી જુદી ઘટનામાં કુલ R ૭ લાખની બનાવટી ચલણી નોટો સાથે આઠ જણની ધરપકડ કરી છે
વી. પી. રોડ પોલીસે મુઝિમ્મલ શેખ (૩૨) અને થરૂલ શેખ (૩૦)ની ધરપકડ કરી તેમની પાસેથી R ૧.૧૯ લાખની R ૧૦૦૦ની બનાવટી ચલણી નોટો પકડી હતી. પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપી ઝારખંડના છે. પોલીસને બાતમી મળી હતી કે ગુલાલવાડીમાં ભોઇવાડા નાકા પાસે બે જણ બનાવટી ચલણી નોટો બદલવા આવવાના છે. પોલીસે આરોપીઓની શંકાસ્પદ હિલચાલ જોઇ તેમની તલાશી લેતાં તેમની પાસેથી બનાવટી ચલણી નોટો મળી આવી હતી, એમ ડેપ્યુટી પોલીસ કમિશનર અનિલ કુંભારેએ જણાવ્યું હતું.
બીજા કિસ્સામાં ક્રાઇમ બ્રાન્ચે એક મહિલા સહિત છ જણની ધરપકડ કરી છે. જોઇન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ) હિમાંશુ રોયના જણાવ્યા મુજબ બાંદરા(પૂર્વ)ના બેસ્ટ ડેપો પાસે નંદી ગલીમાં R ૫૦૦ અને R ૧૦૦૦ની બનાવટી ચલણી નોટો બદલવા આવવાની છે એવી માહિતીના આધારે મહમ્મદ મિટ્ટુ શેખ(૨૪), ઝિયાઉલ હક જાકીર શેખ(૩૨) અને મહમ્મદ બુથુપુર શેખ (૨૮) નામના શખ્સોની ધરપકડ કરી R ૩ લાખની બનાવટી ચલણી નોટો જપ્ત કરી હતી.
જ્યારે ત્રીજા બનાવમાં પોલીસે એન્ટોપ હિલ ખાતે દરોડો પાડી R ૩ લાખની બનાવટી ચલણી નોટો સાથે ૩ જણની ધરપકડ કરી હતી.