એક સદીથી વધુ સમયથી મુંબઈ શહેરના માલેતુજારોથી મધ્યમ વર્ગીયો સુધીના લાખો લોકોની ‘આઉટડોર લોન્ડ્રી’ તરીકે સેવા આપતો મહાલ-મીનો ધોબીઘાટ પહેલેથી જ પર્યટકો માટે આકર્ષણ રહ્યો છે. આ લોકપ્રિયતાના સદુપયોગ માટે મુંબઈ મહાનગરપાલિકાએ -ક્ષેત્રની ‘નવ સજાવટ- મેકઓવર’ દ્વારા તેને વ્યવસ્થિત રીતે પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માંડી છે.
રંગરોગાન ઉપરાંત પર્યટકોને ધોબીઓની પ્રવૃત્તિ અને આખા ક્ષેત્રનાં દ્રશ્યો નિહાળવા માટે સુંદર ઝરૂખો- ગેલેરી બનાવાશે. R ૨.૮૩ કરોડને ખર્ચે કરવામાં આવનારા સુશોભન-સજાવટમાં બીજી અનેક બાબતો ઉમેરાશે.
આ દર્શક ઝરૂખા-વ્યુઈંગ ગેલેરીમાં લોકો તેમની કાર પાર્ક કરીને ધોબીઘાટના દ્રશ્યો નિહાળી શકાશે. મહાલ-મી રેલવે સ્ટેશન પાસે જેકબ સર્કલ-સાત રસ્તા તરફ ૨૩ એકરમાં ધોબીઘાટ ફેલાયેલો છે. કપડાં ધોવા માટે ધોબીઓને તેમના સ્થાન-પથ્થરના નંબર અપાયા છે. જુનાં-જર્જરિત મકાનો અને ઝૂંપડાંથી ઘેરાયેલી આ આઉટડોર લોન્ડ્રીની જમીન પર અમુક ભાગમાં દબાણો-અતિક્રમણો એટલે અનધિકૃત બાંધકામો પણ જોવા મળે છે.
હાલ ધોબીઘાટની કઢંગી હાલત હોવાથી પર્યટકો અથવા ઉત્સુક લોકો દૂરથી નિહાળીને ચાલતા થાય છે. મોટા ભાગના દર્શકો રેલવે લાઈનની ઉપરના બ્રિજ પરથી નિહાળીને સંતોષ માને છે. પગથિયાં ઊતરીને નીચે જતાં જ ગંદકી જોવા મળે એટલે લોકો પાછા દાદર ચડી જાય છે. એમ સ્થાનિક ધોબીઓ કહે છે.
ધોબીઘાટને સુંદર બનાવવાનું સુશોભનનો પ્રસ્તાવ સૌ પ્રથમ વર્ષ ૨૦૦૬માં એ વખતના પાલિકાની આરોગ્ય સમિતિના અધ્યક્ષ મંગલ મંગે (ભાનુશાલી)એ રજુ કર્યો હતો. તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવીને પાલિકાની આવક વધારવાનો આ પ્રસ્તાવનો ઉદ્દેશ હતો.