ડીસી- એસી રૂપાંતરના પગલે લોકલ ટ્રેનોની ઝડપ વધશે એ બીજી વાત છે પણ આ રૂપાંતરીકરણને પગલે પશ્ચિમ રેલવેમાં સોમવારથી લોકલ ટ્રેનોનેં છાપરાં પર બેસી પ્રવાસ કરનારા માટે એ પ્રવાસ સૌથી વધુ જોખમી બનશે એ નક્કી અને એ જ પહેલી વાત છે, કારણ કે ૨૫ હજાર વોલ્ટનો પુરવઠો મેળવનારા ઓવરહેડ ઇક્વિપમેન્ટ (ઓએચઈ)નો આંચકો લાગનારના ઊગરી જવાની સંભાવના શૂન્ય છે.
પશ્ચિમ રેલવેની લાઈનો પર ડીસીથી એસી રૂપાંતરને કારણે રેલવે સેવા ચલાવવા માટે આપવામાં આવતો ૧૫૦૦૦ વોલ્ટનો વીજળી પ્રવાહ ૨૫,૦૦૦ વોલ્ટમાં ફેરવવામાં આવે છે. આથી ઓએચઈનો આંંચકો વધારે તીવ્ર અને જીવલેણ બનશે.
પશ્ચિમ રેલવેના વહીવટી તંત્ર દ્વારા લોકલ ટ્રેનનાં છાપરાં પર ચઢી પ્રવાસ કરતા લોકોને રોકવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે તેમ છતાં હજી સુધી છાપરાં પરનો પ્રવાસ અટકયો નથી. વિરારથી ભાયંદર વચ્ચે સૌથી વધુ પ્રમાણમાં લોકો છાપરાં પર ચઢી પ્રવાસ કરતા હોવાનું જોવા મળ્યું છે. ઓએચઈનો આંચકો લાગીને ઇજા પામ્યાનાં ઉદાહરણો સામે છે.
આમ છતાં કેટલાય જીદ્દી પ્રવાસીઓ એ તરફ આંખ આડા કાન કરે છે. જોકે હવે લોકલ ટ્રેનનાં છાપરાં પર બેસી પ્રવાસ કરવો વધારે જોખમી બનવાનો છે.
રેલવે પ્રશાસનની કાર્યવાહી -
લોકલ ટ્રેનોના છાપરાં પર બેસીને પ્રવાસ કરનારા પ્રવાસીઓના વિરોધમાં પશ્ચિમ રેલવે દ્વારા ૪૭૭ જણ પર કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં ૧,૭૩, ૩૪૫ રૂપિયાની દંડ વસૂલી કરવામાં આવી હતી. રેલવે એક્ટ અનુસાર છ પ્રવાસીને જેલમાં પાઠવવામાં આવ્યા હતા. હવે સોમવારથી લોકલ ટ્રેનનાં છાપરાં પર બેસી સ્ટંટબાજી કરનારા હીરો લોકોએ મોતને ગળે વળગાડવું પડશે.