નાસિક શહેરના પીંપળગાંવના બહુલા ગામમાં કોળીવાડા વિસ્તારમાં રહેતા અજય વિષ્ણુ માંગટે નામના તડીપાર કરાયેલા ગુંડાની ગઈકાલે મોડી રાતે અજ્ઞાત શખસોએ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હુમલાખોરોમાંના એકને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. બે જુથ વચ્ચે થયેલી લડાઈમાં અજયની હત્યા થઈ હોવાની માહિતી પોલીસે આપી હતી.
સાતપુર પોલીસે વર્ષ પૂર્વે વિષ્ણુ માંગટેને તડીપાર કર્યો હતો. બે દિવસ પૂર્વે તે ધુળેમાં ફરી દેખાયો હતો. અમુક મિત્રો તેને ઘરે લઈ ગયા હતા. એ જ સમય દરમિયાન અશોકનગર ભાજી માર્કેટની નજીક અમુક લોકો એક વ્યક્તિની મારપીટ કરી રહ્યા હતા. માંગટે આ ઝઘડામાં વચ્ચે પડીને પેલા યુવકને છોડાવવા માટે ગયો હતો.
હુમલાખોરોએ માંગટેની આંખમાં મરચાની ભૂકી નાખીને તેની ઉપર ચાકુ અને તલવાર વડે વાર કરીને ત્યાંથી નાસી ગયા હતા. લોહીના ખાબોચિયામાં પડેલા માંગટેને તેના મિત્રોએ નજીકમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ડોક્ટરે તેને તપાસીને મૃત ઘોષિત કર્યો હતો. હુમલાખોરોની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહને તાબામાં નહીં લઈએ એમ માંગટેના પરિવારજનોએ અને તેના મિત્રોએ પોલીસને કહ્યું હતું. સાતપુર પોલીસની સમક્ષ જ આ ઘટના બની હોવાનું કહીને પોલીસ સામે નારાજી વ્યક્ત કરવા માટે અમુકે હોસ્પિટલના કાચની તોડફોડ કરી હતી. વિષ્ણુ માંગટેની ઉપર મારપીટ, સાર્વજનિક માલમતાને નુકસાન પહોંચડવા તેમ જ દહેશત ફેલાવવાના ગુનાના મામલે તેને તડીપાર કરવામાં આવ્યો હતો.