પુણે : લિફ્ટ આપવાને બહાને પરિણીતા પર બળાત્કાર ગુજારવાના કેસમાં કોર્ટે ત્રણ જણને દોષી ઠરાવ્યા છે. આ ત્રણેયને શુક્રવારે સજા સંભળાવવામાં આવશે.
પુણેના હિંજવડીમાં આ ઘટના બની હતી, જેમાં એડિશનલ સેશન્સ કોર્ટ ડબ્લ્યુ. કે. સાંગળેએ ત્રણ જણને કસૂરવાર ઠરાવ્યા છે. આ ત્રણેયની સજાની મુદત શુક્રવારે નિશ્વિત કરાશે.
કસૂરવારમાં સુભાષ ભોસલે, રણજિત ગાડે અને ગણેશ કાંબળેનો સમાવેશ થાય છે, જેમની સામે કાવતરું ઘડવું, અપહરણ કરવું, સામૂહિક બળાત્કાર ગુજારવાના આરોપ મુકાયા છે. ૧ એપ્રિલ, ૨૦૧૦ના રોજ આ ગુનાની નોંધ થઈ હતી. આ પ્રકરણની પીડિત મહિલા નાગપુરની છે.
નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા તે હિંજવડીની એક કંપનીમાં આવી હતી. તે ભંડારકર રોડ પર એક વાહન પાસે લિફ્ટ માગી હતી.
તે સમયે ભોસલે અને કાંબળે કાર લઈને ત્યાંથી પસાર થતા હતા. તેમણે લિફ્ટ તો આપી પરંતુ ગલીઓમાં ફેરવ્યા કરી હતી. મહિલાને પુણે વિસ્તારની ઝાઝી માહિતી ન હોવાથી ખબર પડી નહોતી. આ પછી હિંજવડીમાં એક સૂમસામ જગ્યાએ લઈ જઈ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં કસ્પટે વિસ્તારમાં છોડીને તેઓ ચાલ્યા ગયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.