ટોલ વસૂલ કરનારાને શિરે તેના બદલામાં રસ્તાઓની દેખભાળ, તેનું સમારકામ કરવું વગેરે બંધનકારક હોવાનું સર્વોચ્ચ અદાલતે બે મહત્વના આદેશમાં સ્પષ્ટ કર્યું છે. ચોમાસાને કારણે માર્ગો પર પડતા ખાડાઓ વડે ખરાબ થયેલા રસ્તાઓનું સમારકામ ન કરનારા કોન્ટ્રાક્ટરોને ટોલ લેવાનો કાયદેસર અધિકાર ન હોવાનું સ્પષ્ટ થાય છે. આવા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કારવાઈ કરવા માટે વાહન ચાલકો આ આદેશનો ઉપયોગ કરી શકશે.
મુંબઈમાં જે. જે. ફ્લાયઓવર, દાદર ટીટી સહિતના કેટલાક પુલો પર પડેલા ખાડાઓ અને થાણે જિલ્લામાં મુંબ્રા બાયપાસ, મુંબઈ નાશિક હાઈવે પરના ખાડાઓને કારણે હાલાકી ભોગવતાં વાહનો ચલાવનારાઓ પાસેથી ટોલ વસૂલી શરૂ છે. જોકે ખાડાઓનું સમારકામ કરવામાં આવતું નથી તે જોવામાં આવે છે. મુંબ્રા બાયપાસના ખાડાઓને કારણે તાજેતરમાં વિરોધનો વંટોળ જાગ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે ‘‘કમલજિત સિંહ વિરુદ્ધ મ્યુનિસપિલ બોર્ડ’’ એ અલાહાબાદ ખાતેના ખટલામાં આવેલા આદેશમાં ટોલ લેવા સાથે તે વસૂલ કરનારાએ વાહનચાલકોને સુવિધા આપવી આવશ્યક હોવાનું જણાવ્યું છે.
આ ઉપરાંત ‘‘ઉત્તર પ્રદેશ સરકાર વિરુદ્ધ દેવીદયાળ સિંહ’’ ખટલામાં પણ સવોgચ્ચ અદાલતે ટોલ લાગુ કરનારાએ તેના બદલામાં ટોલ દેનારાને સુવિધા પૂરી પાડવી જોઈએ એમ સ્પષ્ટ આદેશ આપેલો છે.
મુંબઈ વડી અદાલતના માજી મુખ્ય ન્યાયમૂર્તિ વાય. કે. સબરવાલની ખંડપીઠ સમક્ષ ૧૯૯૯માં બાંધવામાં આવનારા પંચાવન પુલોના વિરોધની યાચિકા સુનાવણી માટે આપી હતી.
‘‘આ ફ્લાયઓવર બાંધવાથી વાહનવ્યવહાર સરળ બનશે,’’ એ ઉદ્દેશ્ય હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ ફ્લાયઓવર પરના ખાડાઓને કારણે વાહનોનો પ્રચંડ ભરાવો થતો હોવાનું ધ્યાનમાં લેતાં સંબંધિતોને ટોલ લેવાનો અધિકાર ન હોવાનું એડ. ઉદય વારુંજીકરે જણાવ્યું હતું.
કલવામાં ખાડાઓને કારણે પાંચ વર્ષ અગાઉ બે શાળા વિદ્યાર્થીઓના અકસ્માતમાં મોત નીપજ્યાં હતાં. તે બાબતે હૃદયરોગ નિષ્ણાત ડૉ. સંદીપ રાણેએ હાયકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને પત્ર લખી ધ્યાન દોર્યું હતું.
આ બાબતે અદાલતે થાણે અને મુંબઈ પાલિકા પ્રશાસનોને ખાડાઓ પૂરવા અને મેનહોલ’ બંધ કરવાના આદેશ આપ્યા હતા, જ્યારે ટોલ લેનારા ખાનગી કોન્ટ્રાક્ટરો રસ્તાની દેખભાળ તેમ જ ખાડાઓ પૂરવાની કામગીરી સારી રીતે પાર પાડતા નથી ત્યારે તેમને ટોલ લેવાનો અધિકાર રહેતો નથી અને એમ.એસ.આર.ડી.સી. તેમ જ સંબંધિત વ્યવસ્થાની કાર્યવાહી કરવાની માગણી કરી છે.