પક્ષના જિલ્લા એકમના પ્રમુખપદની ચૂંટણી બાબતે ‘મોટા માથાં’ વચ્ચે છુટા હાથની મારામારી કોંગ્રેસ ભવનમાં થઈ હતી
કોંગ્રેસના પુણે જિલ્લા એકમના પ્રમુખપદની ચૂંટણી અંગે મંગળવારે શહેરના કોંગ્રેસ ભવનમાં થયેલી ધાંધલ-મારામારી માટે જવાબદાર એવા પુરંદર નગરપાલિકાના માજી પ્રમુખ સંજય જગતાપ અને માર ખાનારા માજી ધારાસભ્ય સંભાજી કુંજીર બંનેને પક્ષમાંથી છ વર્ષ માટે નિલંબિત (સસ્પેન્ડ) કરાયા છે.
કોંગ્રેસના પુણે જિલ્લા એકમના પ્રમુખપદની બાબતે મંગળવારે કોંગ્રેસ ભવનમાં મુક્કાબાજી અને લાતાલાત સહિત છુટા હાથની અને છુટી ખુરશીઓની મારામારી થઈ હતી. પક્ષાનો આંતરિક ઝઘડો ઉઘાડો થયો હતો. આ ઘટના બાદ પક્ષના હાલના જિલ્લા પ્રમુખ દેવીદાસ ભણસાલીને ફરી એ હોદ્દા પર ચૂંટવામાં આવ્યા હતા.
જિલ્લા એકમના પ્રમુખપદની ચૂંટણીની કાર્યવાહી માજી ધારાસભ્ય અને પક્ષની શિસ્તભંગ પગલાં સમિતિના અધ્યક્ષ અનંતરાવ થોપટેની અધ્યક્ષતામાં મંગળવારે સવારે પુણેના કોંગ્રેસ ભવનમાં શરૂ કરાઈ હતી. એ વખતે પુરંદર શહેરના કોંગ્રેસી નેતા સંજય જગતાપના ટેકેદારો બેઠકમાં ઘૂસી આવ્યા હતા.
એ વખતે ઉપસ્થિત પુરંદરના માજી ધારાસભ્ય સંભાજી કુંજીર સાથે તેમનો વાદવિવાદ શરૂ થયો હતો. ઝઘડો વધતો ગયો અને શબ્દોની મારામારીનું સ્થાન મુક્કાબાજીએ લીધું. જગતાપના ટેકેદારોએ ખુરશીઓ ઉપાડીને સંભાજી કુંજીર પર ફેંકી અને મારઝૂડ કરી. વળી, તેમાં કુંજીર નીચે પડી જતાં તેમને લાતો પણ ફટકાર હતી.