મર્સિડીઝ ગાડીની ઉપર લાલબત્તી લગાવીને ઠાઠ જમાવનારા અને પોતે વડા પ્રધાનનો આર્થિક સલાહકાર હોવાનું કહીને ઠગનારાની પોલીસે ધરપકડ કરી હતી. વ્યવસાયે શેરદલાલ અંકુશ શ્રીવાસ્તવ (૨૫) અને તેના ડ્રાઈવર પાંડુરંગ દાતિર (૨૫)ની પુણે પોલીસે ગુરુવારે ધરપકડ કરી હતી.
અંકુશની સાથે તેનો ડ્રાઈવર પાંડુરંગ પણ ગુનામાં સહભાગી હોવાને કારણે તેની પણ પોલીસે ધરપકડ કરી હતી. શ્રીવાસ્તવના ઘરની પોલીસે બાદમાં તપાસ હાથ ધરીને બે લેપટોપ, રાજમુદ્રાવાળા કોરા દસ્તાવેજો અને વિઝિટિંગ કાર્ડ જપ્ત કર્યાં હતાં.
વડા પ્રધાનની ઓફિસમાં પોતે આર્થિક સલાહકાર હોવાનું શ્રીવાસ્તવ જણાવતો હોઈ અમે વડા પ્રધાનની ઓફિસમાં આ અંગે તપાસ હાથ ધરી હતી. તે સમયે અમને હકીકત જાણવા મળી હતી, એમ પોલીસ કમિશનર સંજય જાધવે સ્પષ્ટ કર્યું હતું.
એડશિનલ કમિશનર અનંત શિંદેને ખાતરીદાયક માહિતી મળી હતી. આ મુજબ ક્રાઈમ બ્રાન્ચની વિશેષ ટુકડીના સુનીલ તાંબેએ કાર્યવાહી કરી હતી. કોંઢવાની ઓફિસમાંથી શ્રીવાસ્તવની પોલીસે ધરપકડ કરી હતી. તેની કાર પ્રવાસી નોંધની હોવાનું બહાર આવ્યું છે. તેણે ડ્રાઈવરને રાજમુદ્રાવાળો નિમણુંક પત્ર આપ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.