પુણેને અડીને આવેલા વિસ્તારમાં બિલ્ડિંગના બાંધકામ માટે જમીન ખરીદવાની લાલચ આપીને મુંબઈના એક બિલ્ડરને પુણેના ચાર ઠગોએ R ૧૬ કરોડનો ચૂનો લગાવ્યો હોવાનો બનાવ લોણી કાળભોર પોલીસ સ્ટેશનની હદમાં બન્યો છે.
આ છેતરપિંડી છેલ્લાં ચાર વર્ષ દરમિયાન ઉરીળી, દેવાચી, ઊંડ્રી અને પિસોળી વિસ્તારમાં જમીન ખરીદી કરવાને નામે થઈ હતી. નેપ્ચ્યુન ડેવલપર્સ લિમિટેડ નામની કંપનીની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. કંપનીના વ્યવસ્થાપક વિજય અનંત કામઠેએ નોંધાવેલી ફરિયાદ અનુસાર લોણી કાળભોર પોલીસે મીનુ કપૂર, રવીન્દ્ર હરિભાઉ, વિજય બાલકૃષ્ણ ચૌધરી અને ફરહાદ ઊનવાલા નામના ચાર જમીન ખરીદી-વેચાણનો વેપાર કરનારા દલાલની વિરુદ્ધમાં છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. આ સંદર્ભે પોલીસે હજી સુધી કોઈની પણ ધરપકડ થઈ ન હોવાનું જણાવ્યું હતું.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર નેપ્ચ્યુન ડેવલપર્સ લિમિટેડ કંપની જમીનની ખરીદી કરીને રહેણાક વિસ્તારો બનાવવાનું કામ કરે છે. ચાર વર્ષ પૂર્વે કંપનીએ પુણે નજીક જમીન ખરીદી હતી. એ વિસ્તારમાં બિલ્ડિંગો બાંધવાનું કંપનીએ નક્કી કર્યું હતું. બિલ્ડિંગો બાંધવાનું કામ સરળ રીતે પાર પડે તે માટે કંપનીએ ઉરુળી દેવાચી, ઊંડ્રી અને પિસોળી નામનાં ત્રણ ગામની સળંગ વિસ્તારની ૪૦૦ એકરની જમીનની ખરીદી કરવા સારુ કંપનીએ વિજય કામઠેની નિમણુંક કરી હતી.
કામઠે પુણે- સાસવડ રોડ ઉપર જમીનની ખરીદી કરી રહ્યા હોવાની જાણ ફરહાદને થતાં તેણે તેનો સંપર્ક સાધ્યો હતો. ત્યાર બાદ બે વર્ષના સમયગાળાની અંદર કામઠેએ રસ્તાને અડીને આવેલી જમીનમાંથી ખેડૂતો પાસેથી ૮૪ એકર જમીનની ખરીદી કરી હતી. આ માટે તેણે R ૧૬.૫ કરોડ ચૂકવ્યા હતા. આ સંદર્ભે જમીનના મૂળ દસ્તાવેજો આપવા માટે ગલ્લાંતલ્લાં કરતાં તેની સાથે ઠગાઈ હોવાનું તેને ધ્યાનમાં આવતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.