આ વર્ષની વિક્રમી ઠંડીની પ્રતિકુળ અસર માછીમાર ઉદ્યોગ પર થઇ છે. હંમેશા ચોમાસામાં ગામમાં વિરામ લેનારા માછીમાર વ્યવસાયે આ વર્ષની શરૂઆતમાં જ ફરીથી હોડીઓ કિનારે રાખવાની વેળા આવી છે.
માછીમાર વ્યવસાય ઉપર સૌથી વધુ મોટો ફટકો કોંકણ વિસ્તારમાં પડયો છે. થાણા, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં હજારો નૌકાઓ લંગર લગારી નાખીને કાંઠે પડી છે. માછલી બજારમાં પણ આની અસર થઇ છે. કુદરતી આફતને લીધે માછીમારોની રોજી રોટીની સમસ્યા ઊભી થઇ છે.
હાલમાં કોલ્ડ સ્ટોરેજની માછલી વેચાતી હોવાથી તે આરોગ્ય માટે હાનિકારક હોવાની આશંકા છતાં લોકો ખરીદે છે. માછીમારીનો વ્યવસાય ઠંડો હોવાથી માછલીઓના બજારમાં પુરવઠો પણ ઓછો થવાથી માછલીઓના ભાવ સર્વસામાન્ય જનતાને પરવડે તેવા રહ્યા નથી. બીજી તરફ વેધશાળા તરફથી આગામી દિવસોની આગાહી ન મળવાથી માછીમારો નારાજ છે.
વસઇ તાલુકામાં પણ છેલ્લા બે દિવસથી માછીમારો બેકાર બેઠા છે. કારણકે બંદર વિભાગે એવી સૂચના મળી હતી કે હવામાન પૂવર્વત થયા પહેલા દરિયામાં જવું નહી. એમ અનૉલા માછીમાર સંસ્થાના મેનેજર કે. ડી. સાનપે આપી હતી. અનૉલામાં લગભગ ૪૦ ટકા માછીમારો ઘરે જ બેઠા છે.
સિંધુદુર્ગ જિલ્લામાં પણ છેલ્લાં ચાર દિવસથી તાપમાનમાં ઘટાડો થવાથી તેમજ સમુદ્રમાં ઉત્તર દિશા તરફથી પવન ફુંકાતો હોવાથી માછીમારોનો ઉદ્યોગ ઠંડો છે. વેગુર્લે, દેવગઢ, માલવણ અને આચરે કિનારા ઉપર પણ માછીમારીનો ઉદ્યોગ લગભગ બંધ છે. ડિસેમ્બરની આખરમાં આવેલા વાવાઝોડાના ‘જાલ’થી પણ માછીમારોને નુકસાન થયું હતું.