- ઘંટાનાદ સંસ્થાના કાર્યકર્તાઓએ કાળા વાવટા ફરકાવતા કેજરીવાલના સમર્થકોએ ઝપાઝપી કરી, સરકાર પરેશાન કરી રહી હોવાનો આક્ષેપૉ
ટીમ અણ્ણાનું આંદોલન ફરી વેગ પકડી રહ્યું છે ત્યારે ભ્રષ્ટાચાર સામેના તેમના અવાજને દબાવી દેવા સરકાર ધમપછાડા કરી રહી હોવાનું પુરવાર કરતી એક ઘટનામાં રવિવારે સવારે એક સભામાં સામાજિક કાર્યકર્તા અરવિંદ કેજરીવાલને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
ઉપરાંત કેજરીવાલના સમર્થકો અને વિરોધ કરનારાઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જોકે, કેજરીવાલે હિંસામાં પડવું એ ખોટી વાત છે, તેમ કહીને આ ઘટનાને વખોડી કાઢી હતી. નાગપુરમાં એક ‘ઘંટાનાદ’નામની સંસ્થાના ૨૦ જેટલા કાર્યકર્તાઓએ અરવિંદ કેજરીવાલ સામે કાળા વાવટા બતાવી અને સૂત્રોચ્ચારો કરીને વિરોધ કર્યો હતો. કેજરીવાલની સભા પૂરી થયા બાદ તેમના સમર્થકોએ વિરોધ કરનારાઓ સાથે ઝપાઝપી કરી હતી. પરિસ્થિતિ વણસે નહિ તે માટે કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે.
નાગપુરમાં અરવિંદ કેજરીવાલ ‘લોકપાલ આંદોલન’ વિશે ભાષણ આપતા હતા. એ ભાષણ પછી ત્યાં ઉપસ્થિત ‘ઘંટાનાદ’નામના સામાજિક સંગઠનના સભ્યોએ કાળા વાવટા બતાવીને કેજરીવાલના ભાષણ સામે વિરોધ કર્યો, પરંતુ કેજરીવાલના ટેકેદારો એ સહન કરી ન શક્યા. તેથી ‘ઘંટાનાદ’ના સભ્યો અને કેજરીવાલના ટેકેદારો વચ્ચે ઝપાઝપી થઇ હતી. છેવટે પોલીસે આવીને બંને જુથોના કાર્યકરોને છુટા પાડ્યા હતા.
ઘંટાનાદ સંગઠન પણ ભ્રષ્ટાચારનો વિરોધ કરવા માટે બન્યું છે અને તેના અનેક નેતાઓ કોંગ્રેસના જ છે. પ્રારંભમાં આ સંગઠને અણ્ણાના આંદોલનને ટેકો જાહેર કર્યો હતો.
ટીમ અણ્ણાના ફોન ટેપ કરાય છે -
અરવિંદ કેજરીવાલે નાગપુરમાં કરેલા ભાષણમાં ‘ટીમ અણ્ણા’ના સભ્યોની ફોન પર વાતચીત આઠ-દસ દિવસોથી ટેપ કરતા હોવાનો દાવો કરતાં જણાવ્યું હતું કે ‘અમે ફોન ટેિંપગથી ગભરાતા નથી. અમારા વ્યૂહ અગાઉથી જાણી લેવાના પ્રયત્ન રૂપે સરકાર, આવું કરે છે પણ અમે ગભરાતા નથી. અમારા આંદોલનને તોડી પાડવાના પ્રયત્નો નિષ્ફળ જશે. ભ્રષ્ટાચાર ખતમ કરવાની સરકારની જ ઇચ્છા નથી. સરકાર, ભ્રષ્ટાચારીઓના ફોન ટેપ કરવાને બદલે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંઘર્ષ કરનારાઓના ફોન ટેપ કરે છે, એ બાબત જ સિદ્ધ કરે છે કે ભ્રષ્ટાચારનો અંત આણવાની સરકારની ઇચ્છા નથી. અમારો અવાજ દબાવવાના પ્રયત્નો નિષ્ફળ જશે. દિગ્વિજય ગમે તેટલા ધમપછાડા કરે, કંઇ વળે નહીં.’
ફોન ટેપિંગનો આરોપ તથ્યહીન : કોંગ્રેસ
કોંગ્રેસ પ્રવકતા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે આવા કોઇપણ આરોપનો જવાબ આપવો જરૂરી નથી. જે માત્ર કલ્પના આધારિત હોય. ફોન ટેપિંગના આરોપમાં કોઇ તથ્ય નથી.અન્ય એક કોંગ્રેસ પ્રવકતા રશીદ અલવીએ પણ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
કેજરીવાલને મળવાનો ઇનકાર કર્યો -
વિરોધ બાદ ભાષણ પતાવીને કેજરીવાલ જ્યારે બહાર નીકળ્યા ત્યારે ઘંટાનાદ સંસ્થાના કાર્યકર્તાઓએ તેમને ઘેરી લીધા હતા. આથી કેજરીવાલના સમર્થકોએ સૌરભ શેલેષ અને નિશાંત સંગમવાર સાથે ઝપાઝપી કરીને તેમનાં વસ્ત્રો ફાડી નાંખ્યાં હતાં. પોલીસને બંનેની અટક કરી હતી. જોકે, કેજરીવાલ પોલીસ સ્ટેશને બંને યુવાનને મળવા ગયા ત્યારે બંનેએ કેજરીવાલને મળવા ઇનકાર કરી દીધો હતો.