- કૃપાશંકર સિંહે પાઠવેલી નોટિસમાં બેબુનિયાદ આક્ષેપ કરવા બદલ ત્રણ દિવસની અંદર માફી માગવા માટે કહ્યું છે
- શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ પક્ષના મુખપત્ર ‘સામના’માં ‘પ્રચાર પૃથ્વીરાજપ્ત શીર્ષક હેઠળ લખેલા અગ્રલેખમાં જણાવ્યું
‘‘છેલ્લાં ૪૫ વર્ષોમાં શિવસેનાને ખતમ કરવાનાં કાવતરાં કોંગ્રેસ પક્ષના અનેક ગોબરા અને નામદોઁએ ઘડયા. એ કાવતરાબાજ કોંગ્રેસી નેતાઓનો ઈતિહાસ દૂધ પીતા પૃથ્વી ‘બાબા’એ સમજી લેવો જોઇએ અને ત્યાર પછી જ શિવસેનાને ઈતિહાસની ગર્તામાં ધકેલવાની ‘બાબાગીરી’ કરવી જોઇએ.
અરે પૃથ્વીરાજજી, તમારી સો પેઢીઓ હેઠી ઊતરે તોયે એ શક્ય નથી,’’ એમ શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ પક્ષના મુખપત્ર ‘સામના’માં ‘પ્રચાર પૃથ્વીરાજપ્ત શીર્ષક હેઠળ લખેલા અગ્રલેખમાં જણાવ્યું હતું.
લેખમાં વધુમાં ઠાકરેએ ટિપ્પણી કરી કે ‘મુખ્ય પ્રધાન એટલે ખુરશીને ચોંટેલો માંકડ ગણાય. એ માંકડની કિંમત શી અને પ્રભાવ શો? શિવસેનાને સત્તા પરથી ઊથલાવવી, એ ઘરના રસોડામાં તવા પરથી ભાખરી ઊથલાવવા જેટલી સહેલી બાબત નથી. મુંબઇમાં શિવસેના-ભાજપની સત્તા અમે ઊથલાવી નાખીશું. મુંબઇમાં સત્તા ગુમાવતાં જ શિવસેનાનું રાજકીય અસ્તિત્વ ખતમ થશે અને ૧૭ તારીખે પાલિકાની ચૂંટણીનાં પરિણામો જાહેર કરાયાં પછી બાળ ઠાકરેનો કોઇ પ્રભાવ નહીં રહે. એવાં વિધાનો મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે તાજેતરમાં કર્યા હતાં. તેનાથી ઉશ્કેરાયેલા ઠાકરેએ ‘સામના’ અગ્રલેખ દ્વારા જવાબમાં ઉગ્ર પ્રહારો કર્યા હતાં.
‘મુખ્ય પ્રધાનને બાળપણમાં તેમનાં માતા-પિતાએ એક મર્દ-વીરપુરુષનું નામ આપ્યું હતું. પરંતુ તેમનું આ ફરજંદ આખું કાયર નીવડશે, તેનો માતા-પિતાને ખ્યાલ નહીં હોય. પોતાના વતન કરાડની હોમ પિચ પર પછડાટ ખાધા પછી સોનિયા કૃપાથી રાજ્યસભામાં ગયા અને પછી રાજ્ય કક્ષાના પ્રધાન રૂપે કારકુન બન્યા. ત્યાર પછી કોઇ વિશેષ કાર્યો કે સિદ્ધિઓ નહીં મેળવી હોવા છતાં શિવાજી મહારાજના આ ઈતિહાસ પ્રસિદ્ધ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા. પરંતુ મહારાષ્ટ્ર પર આવો કાયર માણસ લાદીને ગાંધી પરિવારે મહારાષ્ટ્ર અને ૧૦૫ હુતાત્માઓનું અપમાન કર્યું છે. યોગ્ય સ્થાન પર યોગ્ય માણસ જોઇએ. મહારાષ્ટ્રના વિકાસની બાબતમાં આ મહાશય અક્કલ વગરના અને ‘પાનીકમ’ છે, એમ પણ બાળ ઠાકરેએ તેમના અગ્રલેખમાં જણાવ્યું હતું.
બાળાસાહેબને કૃપાશંકર સિંહે નોટિસ મોકલી -
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પાસે આવતાં જ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે અને કૃપાશંકર સિંહ વચ્ચે તડાફડી વધી જતાં આ તડાફડી કોર્ટમાં પહોંચવાનાં એંધાણ છે. બાળાસાહેબ ઠાકરેએ છેલ્લા એક અઠવાડિયાથી કૃપાશંકર સિંહ પર કરેલા આક્ષેપોથી વ્યથિત કૃપાશંકર સિંહે વકીલ મારફત નોટિસ મોકલી છે અને આ પછી કોર્ટના દરવાજા ખટખટાવવાનો નિર્ણય લીધો છે.
મુંબઈ કોંગ્રેસના પ્રવકતા કિશોર જોશીના જણાવ્યા મુજબ મહાનગરપાલિકાની સત્ત હાથમાંથી સરકી જતી જોઈ રહેલી શિવસેનાએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ રાજકીય સ્તરથી ઊતરી ખોટા આક્ષેપો કરવાનું શરૂ કરી દીધું છે, જેમાં ૭મી ફેબ્રુઆરીથી શિવસેના દ્વારા કૃપાશંકર સિંહ વિરુદ્ધ સતત થઈ રહેલા આક્ષેપોથી વ્યિથત સિંહે પાર્ટી તરફથી બાળાસાહેબ ઠાકરે, સંજય રાઉત અને સુભાષ દેસાઈને કાનૂની નોટિસ પાઠવી છે.
કૃપાશંકર સિંહે પાઠવેલી નોટિસમાં બેબુનિયાદ આક્ષેપ કરવા બદલ ત્રણ દિવસની અંદર માફી માગવા માટે કહ્યું છે. જો સેના પ્રમુખ પાસેથી કોઈ જવાબ નહીં આવે તો સિંહ રૂ.૧૦ કરોડનો માનહોનની દાવો કરશે, એમ તેમણે જણાવ્યું હતું.