ગાંધીવાદી કાર્યકર્તા અણ્ણા હજારેએ સોમવારે પોતાના ગામ રાલેગણ સિદ્ધિના પદ્માવતી મંદિર પરિસરમાં જુદા-જુદા વિસ્તારોમાંથી આવેલા લોકોને સંબોધિત કરતાં જણાવ્યું કે સરકારનું જો નાક દબાવવામાં આવે તો જ તે મોં ખોલે છે. આ માટે જ્યાં સુધી ભ્રષ્ટાચારને સંપૂર્ણ રીતે સમાપ્ત નહીં થઇ જાય ત્યાં સુધી તે અનશન કરતાં રહેશે.
-જ્યાં સુધી ભ્રષ્ટાચારને સંપૂર્ણ રીતે સમાપ્ત નહીં થઇ જાય ત્યાં સુધી તે અનશન કરતાં રહેશે
-આગળ પણ તેમનું આંદોલન સંપૂર્ણ રીતે સ્વયંસેવકો પર જ નિર્ભર રહેશે
-કોઇ પણ પાર્ટીને સમર્થન નહીં કરે અને કોઇ પણ પક્ષના નેતાને પોતાના મંચ પર બેસવા દેશે નહીં
અણ્ણા હજારેએ એ બાબત પણ સ્પષ્ટ કરી દીધી છે કે હમણાં તેમનો કોઇ પ્રકારનું સંગઠન બનાવવાનો કોઇ ઇરાદો નથી. આગળ પણ તેમનું આંદોલન સંપૂર્ણ રીતે સ્વયંસેવકો પર જ નિર્ભર રહેશે. અણ્ણાએ એ બાબતની પણ સ્પષ્ટતા કરી હતી કે તે કોઇ પણ પાર્ટીને સમર્થન નહીં કરે અને કોઇ પણ પક્ષના નેતાને પોતાના મંચ પર બેસવા દેશે નહીં.
આજે સવારે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના મંત્રી બબ્બન રાવ પાંચપૂતે પણ અણ્ણા સાથે મળવા આવ્યાં હતા. તેમણે અણ્ણાના સુરક્ષાનો સ્વિકાર કરવા માટે આગ્રહ કર્યો હતો, જોકે અણ્ણાએ મહારાષ્ટ્ર સરકારના તે આગ્રહને ફગાવી દીધો હતો. જોકે બબ્બન રાવે જણાવ્યું કે અણ્ણા હજારે મહારાષ્ટ્રના મહત્વપૂર્ણ વ્યક્તિ છે, તેમની સુરક્ષા સરકારની જવાબદારી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે અણ્ણાની સુરક્ષા માટે પદ્માવતી મંદિરમાં જવાનોને તૈનાત કર્યા છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી બીસી ખંડૂરીના જનલોકપાલના સમર્થન અને લોકાયુક્ત નિયુક્ત કરવાના નિર્ણયનું સ્વાગત કરતાં અણ્ણાએ જણાવ્યું કે ખંડૂરી સેનાના અધિકારી છે અને તેથી તેમના મનમાં પણ જનસેવાની ભાવના છે. બાકી રાજ્યના મુખ્યમંત્રીએ પણ આવું કરવું જોઇએ. જોકે અણ્ણાએ વધુમાં જણાવ્યું હતું કે બાકી નેતા સત્તા અને તાકાતના મદમાં ચૂર છે અને પૈસા કમાવવાની ભૂખે તેમના આંધળા બનાવી દીધા છે આ માટે તેમને જનહિત દેખાઇ રહ્યું નથી.
અણ્ણા હજારેએ દેશભરમાં સ્વયંસેવકોને આહ્વાન કર્યુ હતુ કે તે મોટી સંખ્યામાં રાષ્ટ્રસેવા માટે આંદોલન સાથે જોડાય. અણ્ણાએ એ પણ જણાવ્યું કે કેટલાક લોકો તેમને મળવા આવી રહ્યા છે અને તેમની સાથે માત્ર ફોટો પડાવી રહ્યા છે. આમાંથી કેટલાક લોકો ખોટા પણ હોઇ શકે છે જે મારી સાથે ફોટો પડાવીને તેને અધિકારીઓને બતાવીને બ્લેકમેલ કરી શકે છે. અણ્ણાએ જણાવ્યું કે તેમના આંદોલનને આવા લોકોથી જ મોટો ખતરો છે.
અણ્ણા હજારેએ ફરીથી કહ્યું હતું કે લોકપાલ બિલથી પણ માત્ર 60 ટકા ભ્રષ્ટાચાર જ ઓછો થઇ શકશે. બાકીના ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા માટે વ્યાપક પરિવર્તન અને રાષ્ટ્રવ્યાપી આંદોલનની જરૂર છે. અણ્ણાએ ચૂંટણી સુધાર, રાઇટ ટુ રિજેક્ટ અને રાઇટ ટુ રિકોલને પણ સમયની જરૂરિયાત ગણાવી હતી. ખેડૂતોની સાથે થઇ રહેલા અન્યાયની વાત કરતા અણ્ણાએ જણાવ્યું કે ખેડૂતો મહેનત કરી રહ્યા છે અને નેતાઓ તેનો માલ ખાઇ રહ્યા છે.