બોલિવૂડના અભિનેતા આમિરખાને મંગળવારે મહાનગરની એક ફાઈવસ્ટાર હોટેલમાં ‘ભાસ્કર ચેમ્પ્સ સ્ક્રેપબુક એક્ટિવિટી’ના વિજેતાઓની મુલાકાત લીધી હતી અને તેમને સર્ટિફિકેટ તેમજ ભેટ આપી હતી. આ દરમિયાન આમિરે ‘ભાસ્કર’ની પહેલને બિરદાવી પણ હતી.
આમિરે કહ્યું હતું કે જ્યારે આપણે બાળકો હતાં ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં હોંશભેર ભાગ લેતાં હતાં. અત્યારે સમય બદલાઈ ગયો છે તેમાં કોઈ શંકા નથી પરંતુ આ પહેલ માટે હું ‘ભાસ્કર’ની પ્રસંશા કરું છું. મને મારું બાળપણ યાદ આવી ગયું.
ઉલ્લેખનીય છે કે ભાસ્કર જુથે આઠ રાજ્યો- મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત, ચંદીગઢ, પંજાબ, હરિયાણા અને હિમાચલપ્રદેશનાં બાળકો માટે એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ હેઠળ પ્રથમ કેટેગરીમાં એકથી ચાર ધોરણ સુધીના, બીજી કેટેગરીમાં પાંચથી આઠ ધોરણ સુધીના અને ત્રીજી કેટેગરીમાં નવથી બારમા ધોરણ સુધી બાળકોને સામેલ કરવામાં આવ્યાં હતાં.
ઉનાળાની રજાઓ(૩ મેથી ૨૫ જુન સુધી) દરમિયાન આયોજિત આ સ્પર્ધાનો મૂળ ઉદ્દેશ્ય બાળકોની રચનાત્મકતાને આંકવાનો તેમજ તેમને પ્રોત્સાહિત કરવાનો હતો. આ માટે તમામ કેટેગરીનાં બાળકોને આઠ-આઠ વિષયો આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધાનું પરિણામ ઘણું ઉત્સાહજનક હતું તેમજ આ માટે ૧૫ હજારથી વધારે એન્ટ્રી મળી હતી.
વિદ્યાર્થીઓની એન્ટ્રી મળ્યા બાદ તમામ રાજ્યોના એક એક શહેર(ઈન્દોર, જયપુર, રાયપુર, અમદાવાદ અને ચંદીગઢ)માં પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી અને તેમાંથી પસંદગી પામેલી ૪૩૦ એન્ટ્રીઓને ભોપાલમાં લાવવામાં આવી હતી. ત્યારબાદ તેને ભોપાલ સ્થિત રજિનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. અહીં ત્રણ નિર્ણાયકોએ દરેક કેટેગરીમાં ત્રણ-ત્રણ વિજેતાઓને પસંદ કરી વિજેતા જાહેર કર્યા હતા.
આ સ્પર્ધાના વિજેતાઓ અને ઉપવિજેતાઓ મંગળવારે ભાસ્કર જુથના સૌજન્યથી તેમનાં માતા-પિતા સાથે આમિરખાનને મળવા માટે આવ્યાં હતાં. આમિર સાથે તેમણે ૪૫ મિનિટથી વધારે સમય ગાળ્યો હતો. આમિરે તેમની સ્ક્રેપબુક જોઈ, બાળકોએ બનાવેલાં ચિત્રો જોયાં અને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. આમિરે આ દરમિયાન બાળકોના પ્રશ્નોના જવાબ આપવા ઉપરાંત તેમનાં માતા-પિતા સાથે પણ વાતો કરી હતી. ઉપરાંત બધા સાથે ફોટોગ્રાફ પણ ખેંચાવ્યા હતા.
એક વિજેતાએ બનાવેલું ચિત્ર આમિરને ખૂબ જ પસંદ પડી જતાં તે પોતાની સાથે લઈ ગયો હતો. આ દરમિયાન એક બાળકે આમિરને પૂછ્યું હતું કે ‘શું તમને અંગ્રેજી સારું આવડે છે?’ આમિરે ‘હા’ જવાબ આપતાં તેણે પૂછ્યું કે પાણીપૂરીનું અંગ્રેજી શું થાય? આમિરે હસતા હસતા ‘રોલી-પોલી’ જવાબ આપી પોતાના અંદાજમાં બાળકને ખુશ કરી દીધો હતો.