ગાંધી પુસ્તકોની પ્રદર્શનીને હુતાત્મા ચોક ખાતે વિક્રમી પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસોમાં R ૧,૫૨,૦૦૦ની કિમતનાં કુલ ૬,૩૦૦ ગાંધી પુસ્તકોનું વેચાણ થયું છે. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ની ૯૨૫ નકલો, ‘સિલેકટેડ વર્કસ (અંગ્રેજી) પાંચ પુસ્તકોના સેટ’ની ૯૨ પ્રતોનું વેચાણ થયું છે. ગ્રાહકોમાં મોટા ભાગના યુવાનો હતા તે આનંદની વાત છે.
ગાંધીજીની ૬૪મી પુણ્યતિથિ નિમિત્તે બાબુલનાથ મંદિર ચેરિટીઝની આર્થિક સહાયતા અને સહકારને કારણે મુંબઈ સર્વોદય મંડળ અને ગાંધી બુક સેન્ટર તરફથી ૩૦ જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી સુધી ગાંધી, વિનોબા અને સર્વોદયનાં ૩૦૦ પુસ્તકોનું પ્રદર્શન તથા વેચાણનું આયોજન ૫૦ ટકાની વિશેષ છુટથી હુતાત્મા ચોક, પોલીસ ચોકી પાસે અને ગાંધી બુક સેન્ટર, નાના ચોકમાં કરવામાં આવ્યું છે. પ્રદર્શનીમાં ૪૫૦ પાનાંની ગાંધીજીની આત્મકથા માત્ર R ૨૦માં અને ૨૩૬ પાનાંનું વિનોબાજીનું ગીતા પ્રવચન માત્ર R ૨૦માં મળશે.
વિશ્વમાં વધી રહેલી હિંસા, આતંકવાદ અને અપરાધના સમયમાં મહાત્મા ગાંધીજીનાં પુસ્તકો દુનિયાભરના લોકોને આકર્ષિત કરી રહ્યાં છે. દુનિયા છોડીને ૬૪ વરસ થયાં છતાં પણ રાષ્ટ્રપિતા વિશે જાણવાની લોકોની અભિલાષા આજે પણ ઓછી થઈ નથી. ગાંધીજીએ તેમના સમયના રણપ્રદેશમાં છોડેલા અનેક વિચારો અને કાર્યોનાં નિશાન આજે પણ કાયમ છે.
આ વરસે નવજીવન ટ્રસ્ટે ગાંધીજીની આત્મકથાની કુલ ૩.૫ લાખ નકલોનું વેચાણ કર્યું છે અને દરરોજ એની સંખ્યા વધતી જ જાય છે. વર્તમાન સમયમાં સમાજમાં બેકારી અને આર્થિક અસમાનતાને કારણે વધી રહેલો અન્યાય, હિંસા, સ્જામાજિક વેરભાવ અને આતંકવાદ જેવી સમસ્યાઓના સમાધાન માટે ગાંધીજીએ બતાવેલો અહિંસા, પ્રેમ, શાંતિ અને સદ્ભાવનાના માર્ગનું અનુસરણ કરવું અનિવાર્ય થઈ ગયું છે.