પવના જળાશયમાંથી પાઈપલાઈન નાખવાને મામલે પુણે પાસેના તળેગાવ વિસ્તારમાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરતાં મંગળવારે સવારે બઉર ખાતે હિંસક બનેલા ટોળાને વિખેરી નાખવાના આશયથી પોલીસે કરેલા ગોળીબારમાં ચાર આંદોલનકારીઓ ઠાર થયા હતા તથા અનેક લોકોને ઈજા થઈ હતી. ગોળીબાર અને પથ્થરમારામાં સોથી વધારે આંદોલનકારીઓ અને પોલીસોને ઇજા થઈ હતી.
દરમિયાન આંદોલનકારીઓએ મંગળવારે ‘તળેગાવ બંધ’નું એલાન કર્યું હતું. અહીંના મારુતિ ચોકમાં થયેલા આંદોલન હિંસક બન્યું હતું. આંદોલનકારીઓએ પુણે મહાનગર પરિવહન મહામંડળ લિમિટેડ (પીએમપીએમએલ)ની બસો પર પથ્થરમારો કર્યો હતો. એ પછી ટોળાને વિખેરી નાખવા માટે પોલીસે બંધના ટેકેદારો પર લાઠીમાર કર્યો હતો. બઉરમાં થયેલા ગોળીબાર બાદ પુણે-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરનો ટ્રાફિક પૂર્વવત શરૂ થયો હતો. બઉર વિસ્તારની પરિસ્થિતિ તણાવપૂર્ણ પણ અંકુશમાં હોવાનું જયેષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
પવના જળાશયમાં પાઈપલાઈન નાખવા સંબંધે ખેડૂતોનો પહેલેથી જ વિરોધ હતો. એવી માગણી પણ સરકાર સમક્ષ કરવામાં આવી હતી. આ મામલે સરકારાનુ ધ્યાન ખેંચવા ખેડૂતોએ મંગળવારે તળેગાવ બંધનું એલાન કર્યું હતું. મંગળવારે સવારે મારુતિ ચોકમાં આંદોલનનો આરંભ થયો હતો ત્યારે પોલીસ અને આંદલનકારીઓ વચ્ચે વિવાદ થયો હતો. એ પઢી ટોળું હિંસક બન્યું હતું. ટોળાએ પોલીસો અને બસો પર જોરદાર પથ્થરમારો કર્યો હતો. તેમાં કેટલાક પોલીસો જખ્મી થયાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે ઠપ્પ
પવના જળાશયમાંથી પાઈપલાઈન નાખવાના વિરોધમાં ખેડૂતોએ મંગળવાર સવારે આંદોલન કરીને મુંબઈ-પુણે એક્સપ્રસ હાઈ વે તેમ જ જુનો મુંબઈ-પુણે હાઈ વે અવરોધ્યો હતો. આંદોલનકારીઓને રસ્તા ઉપરથી ખસેડવામાં આવતા હોવાનું જોઈને આંદોલનકારીઓએ પોલીસોની વાહનોને આગ ચાંપી હતી. ત્યાર બાદ પોલીસે આંદોલનકારીઓ પર ગોળીબાર કર્યો હતો. જેમાં ચારનાં મોત થયા હતા.