અહેવાલ આવે નહીં ત્યાં સુધી મધ્યાહન ભોજન નહીં આપવાની સૂચના
પુણેના બોપોડી સ્થિત ૨૦ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી. શુક્રવારે તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમાંથી આઠ બાળકોની હાલત ગંભીર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.પુણે મહાપાલિકાની ડૉ. ઝાકીર હુસૈન ઉર્દૂ શાળામાં ભણતા ૨૦ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી.
શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજન બાદ વિદ્યાર્થીઓને ઝાડા અને ઊલટી થવાનો ત્રાસ જોવા મળ્યો હતો. બાળકોને તાબડતોબ બોપોડીની સહ્યાદ્રિ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આમાંના આઠ બાળકોની સ્થિતિ ગંભીર હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.આ ઘટના બાદ મધ્યાહન ભોજનના નમૂના લઈને તે પ્રયોગશાળામાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ભોજન બનાવવાનો કોન્ટ્રાકટ ધરાવનારાની પોલીસે પૂછપરછ કરી હતી.
પ્રયોગશાળામાંથી અહેવાલ આવે ત્યાર બાદ જવાબદારી નિશ્વિત કરીને અમે ગુના દાખલ કરીશું અને આગળની કાર્યવાહી કરીશું, એમ પોલીસે જણાવ્યું હતું.અહેવાલ આવે નહીં ત્યાં સુધી મધ્યાહન ભોજન નહીં આપવા માટે પણ સૂચના અપાઈ છે.