૧૩/૭ના હુમલાના ધરપકડ કરાયેલા આરોપી હારૂન નાઈકને ‘ઇન્ડિયન મુજાહિદ્દીન (આઈએમ)નો બહુ બહુ મહત્વનો સભ્ય’ ગણાવતા મહારાષ્ટ્રના એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)એ જણાવ્યું હતું કે, હારૂને પાકિસ્તાનમાં સઘન અને જહેમતભરી તાલીમ લીધી હતી અને તે અફઘાનિસ્તાનમાં અલ કાયદા સાથે જેહાદના નામે શત્રુઓ સામે લડ્યો હતો.
એટીએસને મુંબઈના ત્રણ બોમ્બ ધડાકાના શકમંદ અને જેલમાં રહેલા ઈન્ડિયન મુજાહિદ્દીનના સક્રિય કાર્યકર હારૂન નાઈકની બુધવારે ૧૦ ફેબ્રુઆરી સુધીની કસ્ટડી મળી હતી.
હારૂને ગયા વર્ષે મુંબઈમાં ૨૭ જણનો ભોગ લેનારા બોમ્બ ધડાકાના કાવતરાંમાં હિસ્સો લીધાનો અને આ ત્રાસવાદી હુમલો કરવા સંબંધે નાણાકીય ટેકો આપ્યો હોવાનો શક છે.
૩૫ વર્ષનો નાઈક ઘર આંગણે ફેલાયેલા ત્રાસવાદી જુથના મોખરાની હરોળમાં છે. નકલી ચલણી નોટો રાખવા માટે ગયા વર્ષે ૨૨ ઓગસ્ટના મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડવામાં આવ્યો હતો અને ત્યારથી તે જેલમાં છે, એમ એટીએસના વડા રાકેશ મારિયાએ કહ્યું હતું.
મારિયાએ વધુમાં કહ્યું હતું કે દેશમાં સંખ્યાબંધ બોમ્બ ધડાકામાં પોલીસ માટે ‘વોન્ટેડ’ એવા યાસીન ભટકલ કરતા પણ આઈએમમાં નાઈકનું સ્થાન ખાસ્સું ઉપરનું છે.
તેણે ૨૦૦૧માં પાકિસ્તાન ભવાલપુર ખાતે લશ્કર-એ-તૈયબાની શિબિરોમાં ‘દૌરા-એ-આમ’ અને ‘દૌરા-એ-ખાસ’ તરીકે ઓળખાતી સઘન પ્રશિક્ષણ લીધું હતું.
તે ૨૦૦૦ના વર્ષના પાછલા સમયગાળામાં પાકિસ્તાનમાં ઘૂસ્યો હતો. વળી હારૂન નાઈકે અફઘાનિસ્તાનમાં જેહાદના નામે અલ કાયદાની સાથે મળીને લડવાની તૈયારી દેખાડતા તેને પાકિસ્તામાં વધુ મહેનતભરી, વધુ સઘન એવી ‘બઈત-એ-રિઝાન’ તરીકે ઓળખાતી ૧૫ દિવસની તાલીમ આપવામાં આવી હતી અને તે ૨૦૦૧માં કંદહારમાં નોર્ધન અલાયન્સ સહિતના કહેવાતા દુશ્મનો સામે લડ્યો હતો, એમ મારિયાએ જાણકારી આપતા જણાવ્યું હતું.
નોર્ધન અલાયના એક એવી લશ્કરી-રાજકીય સંસ્થા હતી જેણે અલકાયદાનો ટેકો ધરાવનારા અફઘાન તાલિબાન વિરુદ્ધ લડાઈ કરતા અફઘાનિસ્તાનના તમામ મૂળ અફઘાની વાંશિક જુથોને એક કર્યા હતા.