- વીજળી જોડાણ નહીં કાપવાનો મુખ્ય પ્રધાન પૃથ્વીરાજનો આદેશ
કમોસમી વરસાદનો મોટો ફટકો વેઠનારા ખેડૂતોને નુકસાન ભરપાઈ આપવા માટે રાજ્ય સરકારે શનિવારે નાગપુરમાં વિધાનસભાના શિયાળુ સત્રમાં ૧૦૦૦ કરોડ (દસ અબજ) રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું. ખુદ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે જ વિધાનસભામાં આ રાહત પેકેજની જાહેરાત કરીને ખેડૂતોને રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો.
નુકસાનગ્રસ્ત ખેડૂતોને વીજળીનું જોડાણ એપ્રિલ ૨૦૧૧ સુધી કાપવામાં નહીં આવે, એવી બાંયધરી પણ તેમણે આપી હતી, પણ આ પેકેજથી વિરોધ પક્ષને સંતોષ થયો નથી.
ગયા મહિને રાજ્યના અનેક વિસ્તારમાં મૂશળધાર વરસાદ પડ્યો હતો. તેમાં ખેતરોમાં ઊભા પાકનો નાશ થયો હતો. આ ખેડૂતોને વળતર મળવું જ જોઈએ એ માગણી સાથે વિપક્ષે વિધાન સભાના બન્ને ગૃહોને માથે લીધાં હતાં, ચર્ચા નહીં પહેલા મદદ આપો એવું વિરોધ પક્ષનું વલણ હતું અને એ મામલે બે દિવસ સભાગૃહ બંધ પાડવામાં આવ્યું હતું. જો કે મુખ્ય પ્રધાને શુક્રવારે ઊંચા અવાજે ખેડૂતોના પડખે રહેવાનું વચન આપ્યું હતું ત્યારે સત્રના કામકાજની ખરા અર્થમાં શરૂઆત થઈ હતી.
શુક્રવારે આપેલું વચન મુખ્ય પ્રધાન ચવ્હાણે શનિવારે પાળ્યું હતું અને નુકશાન વેઠનારા ખેડૂતોને ૧૦ અબજ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું.
રાજ્યમાં કુલ ૧૪૦ હેકટર જમીન ખેતી હેઠળ છે. તેમાંથી ૫ લાખ, ૪૪ હજાર હેકટર જમીનને કમોસમી વરસાદે પ્રચંડ નુકસાન પહોંચાડ્યું હોવાની જાણકારી મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે આપી હતી. આ નુકસાનનું સર્વેક્ષણ કરાયું છે અને તેનો અહેવાલ સરકારને ૧૨ ડિસેમ્બરે મળશે એ પછી રાહત પેકેજની વહેંચણી કરી શકાશે. એ ઉપરાંત નુકશાન પામેલા ખેડૂતોના વીજળી બિલની રકમ નહીં ભરાઈ હોય તો પણ આગામી ચાર મહિના સુધી તેમનું વીજળી જોડાણ નહીં કાપવાનો આદેશ પણ મુખ્ય પ્રધાને વીજ વિતરણ કંપનીને આપ્યો છે.
ખેડૂતોની એકરદીઠ દસ હજાર રૂપિયાની માગણી હતી, પણ આ પેકેજ પ્રમાણે દરેક એકરે ફક્ત ત્રણ હજાર રૂપિયા જ ખેડૂતને મળે છે એ બાબત તરફ વિધાન સભામાં વિરોધ પક્ષના નેતા એકનાથ ખડસે સરકારનું ધ્યાન ખેંચ્યું હતું અને આ પેકેજ અપૂરતું હોવાનું જણાવીને તે બાબતે નારાજગી વ્યક્ત કરી હતી અને તમામ વિરોધ પક્ષોએ સભાત્રાત્યાગ કર્યો હતો.
કાપેલા વીજ જોડાણો ફરી જોડી આપો : વિપક્ષ
વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા પાંડુરંગ ફૂંડકરે ખેડૂતોને નુકસાન-રાહત ચર્ચામાં સરકારની જોરદાર ટીકા કરી હતી. ચર્ચા થવા પહેલા ખેડૂતોને પ્રતિ હેકટર દીઠ ૨૫ હજાર રૂપિયા અને ફળોની વાડી કરતા ખેડૂતોને હેકટર દીઠ ૫૦ હજાર રૂપિયાની મદદ જાહેર કરો એવી વિપક્ષની માગણી હતી તે સાથે જે ખેડૂતોનો વીજળી પુરવઠો કાપી નાખવામાં આવ્યો હોય તેમના વીજળી જોડાણો ફરી જોડી આપો એવી માગણી પણ વિપક્ષે કરી હતી.
ફૂંડકરે કહ્યું હતું કે ‘‘કમોસમી વરસાદે કરેલા નુકશાનથી ખેડૂતો ગભરાઈ ગયા છે. તેમના વીજળી જોડાણો કાપશો નહીં અને બિલ બાકી હોય તેમને વધુ ચાર મહિનાની મુદત આપો.’’