દસ વર્ષીય બાળમુનિશ્રી પદ્મપ્રભચંદ્ર સાગરજી મ.સા. શ્રી દશવૈકાલિક આગમ કંઠસ્થ બોલ્યા હતા
શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ચોપાટી જૈન સંઘમાં ‘કંઠસ્થ આગમ શ્રવણ ઉત્સવ’ની ભવ્ય ઉજવણી થઈ હતી, જેમાં માત્ર દસ વર્ષીય બાળમુનિશ્રી પદ્મપ્રભચંદ્ર સાગરજી મ. પણ ૭૫૦ શ્લોકનું શ્રી દશવૈકાલિક આગમ કંઠસ્થ બોલ્યા હતા. આટલી નાની ઉંમરમાં જ કડકડાટ આગમ બોલનાર બાળમુનિની સ્મરણ શક્તિ ઉપર સૌ શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા.
૭૫૦ શ્લોક માત્ર ૩૫ મિનિટમાં જ તેઓએ સ્પષ્ટ ઉચ્ચાર સાથે પૂર્ણ કર્યા હતા, જ્યારે તેઓ અસ્ખલિત પ્રવાહે આગમ પઠન કરતા હતા ત્યારે શ્રોતાઓ પણ એકાગ્રતાપૂર્વક શ્રી આગમ સૂત્રનું શ્રવણ કરતા હતા અને આગમ પૂર્ણ થયા બાદ સૌએ તેમને સાભાર વધાવી લીધા હતા. આટલી નાની ઉંમરમાં આગમ શ્રાવણ કરાવી બાળમુનિશ્રીએ એક નવો આદર્શ બાળજગત સમક્ષ રજુ કર્યો હતો. વાચના પૂર્ણ થયા બાદ અનુયોગાચાર્ય શ્રી નયચંદ્ર સાગરજી મ.એ જણાવ્યું હતું કે આ અભ્યાસ માત્ર ૬ મહિનામાં જ કર્યો છે. તદુપરાંત ૩૫૦ ગાથાનું ‘પાક્ષિક સૂત્ર’ માત્ર અઢી કલાકમાં પૂર્ણ કર્યું હતું. (કંઠસ્થ કરી દીધું હતું). આ વાત સાંભળી સૌ શ્રોતાઓ ભાવવિભોર બની ગયા હતા.
અને ત્રણ દિવસની કંઠસ્થ આગમ વાચનાને અંતે ૪૫ આગમોની ભવ્યાતભિવ્ય આગમ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ૪૫ આગમોને ૪૫ પાલખીમાં પધરાવીને મહાનગરમાં ફેરવવામાં આવ્યા હતા.