Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Sunday Bhaskar
 

દરિયાના તળિયે રંગોનો ખજાનો!

 
Source: Yatra, Deepak Soliya   |   Last Updated 12:19 AM [IST](06/11/2011)
 
 
 
 
 
સ્નોર્કલિંગ વખતે તમારું શરીર આપોઆપ, બોટવાળાની દોરવણી પ્રમાણે દરિયામાં વહેતું રહે અને તમારી નજર સામે હોય રંગો... એક-બે રંગો નહીં, હજાર-બે હજાર રંગો પણ નહીં, જાણે લાખ્ખો રંગો... જી હા, લાખ્ખો રંગો...

આંદામાન-નિકાબારના હેવલોક ટાપુ પર ફોરેનરો વધારે આવે છે. એ વધારે સમય અહીં રોકાય છે. અહીં પાનના ગલ્લે તમને સાઇકલ-સ્કૂટર ભાડે મળી રહે. અહીં ઇન્ટરનેટ કનેકશન પણ છે, પણ ફક્ત ૪૫ કેબીપીએસ સ્પીડ ધરાવતાં ઇન્ટરનેટ કનેકશન માટે પણ જાણે રૂપિયામાં નહીં, ડોલર-યુરોમાં વસૂલાતું હોય એટલું ઊંચું ભાડું વસૂલવામાં આવે.

હવે અહીં એટીએમની પણ સુવિધા ઉપલબ્ધ થઈ છે, પણ જેમ અહીંની ફેરીમાં જગ્યા મળે પણ ખરી અને ન પણ મળે એમ, અહીંના એટીએમમાં પૈસા નીકળે પણ ખરા અને ન પણ નીકળે (ક્યારેક રૂપિયા ખૂટી જાય અથવા તો એવું પણ બને કે બધાના કાર્ડ ચાલે ને આપણા જ કરમ ફૂટેલા હોય એમ આપણાવાળું જ ન ચાલે). માટે, હેવલોક જતાં પહેલાં પોર્ટ બ્લેરથી જ કેશ ઉપાડી રાખેલી સારી.

આ હેવલોકના એક બીચનું નામ છે એલિફન્ટ બીચ. ગાઢ જંગલ ધરાવતા આ બીચ પર રાની પશુ નથી, પણ સામાનના વહન માટે લવાયેલા હાથીઓ હવે અહીંના રહેવાસીઓ થઈ ગયા છે. એ હાથીઓ પણ તરવાના શોખીન. ચારે બાજુ દરિયો હોય ત્યારે એ બીચારા આનંદપ્રમોદ માટે તરવાનો શોખ ન કેળવે તો બીજું કરે પણ શું? ટૂંકમાં, હેવલોકમાં હાથીઓ છે એટલે ત્યાંના એક બીચનું નામ એલિફન્ટ બીચ રખાયું હશે એવું માની શકાય.

આ એલિફન્ટ બીચ તમારી આંદામાન યાત્રાનું કલાઈમેકસ બની શકે તેવો છે (અને જો એલિફન્ટ બીચ ન જ જઈ શકાય તો રાધાનગર બીચ પર પણ સ્નોર્કલિંગ કરીને યાત્રાનો ચરમ આનંદ મેળવી શકાય).માટે, શક્ય હોય તો આ પ્રોગ્રામ સૌથી છેલ્લો રાખવો, ભોજન પછીના ડેઝર્ટની જેમ. ચોખ્ખો તડકો હોય ત્યારે એલિફન્ટ બીચ પર જવું. જવાના બે રસ્તા છે. એક રસ્તો છે: રાધાનગર બીચથી ઉત્તર દિશામાં આગળ ચાલતાં જાવ, ચાલતાં જાવ તો જંગલ અને કેડીઓવાળા રસ્તે અડધા કલાકે આ બીચ પર પહોંચો. આવો ‘સાહસિક’ માર્ગ ગોરા પર્યટકો વધુ પસંદ કરે છે. આ સિવાય, સીધો ને સટ ઇલાજ એ છે કે બીચ નં. ૧ પરથી બોટ ભાડે કરીને જવું. બોટવાળા સાથે રકઝક કરીને ભાવ શક્ય તેટલો ઘટાડાવવો. બોટ ઊપડે એની પંદરેક મિનિટમાં તમે પહોંચી જાવ એલિફન્ટ બીચ.

આ લાંબા બીચ પર જ્યાં જુઓ ત્યાં ચેરિયાં (મેનગ્રોવ્ઝ) અને અન્ય જાતિનાં વૃક્ષો ‘ડાબે પડખે’ સૂતેલાં દેખાય. એનાં તોતિંગ મૂળિયાં અડધાં જમીનમાં, અડધાં બહાર હોય. કાંઠાને અડીને જ અડાબીડ જંગલ... પણ બોટવાળો તમને જંગલ અને વૃક્ષો જોવાનો પૂરતો સમય આપવાને બદલે સ્નોર્કલિંગ કરવાનું યાદ અપાવશે (સ્નોર્કલિંગનો ભાવ પણ બોટ પકડતી વખતે જ નક્કી કરી લેવો સારો અને સ્વિમિંગના એટલે કે દરિયામાં નહાવાનાં કપડાં પણ સાથે લાવવાનું ભૂલવું નહીં). પછી બોટવાળો તમારા મોંમાં સ્નોર્કલ (ભૂંગળી વડે શ્વાસ લેવાનું સાદું સાધન) ગોઠવશે. એ તમને હાથ પકડીને ધીમે ધીમે પાણીમાં લઈ જશે.

માથું પાણીમાં ડુબાડીને આગળ વધતી વખતે શરૂઆતમાં તો સાદી રેતી દેખાય, પણ જરાક વારમાં, જાણે અચાનક વગડો પૂરો થયા પછી શહેર શરૂ થઈ જાય એમ, તમે દરિયાઈ સૃષ્ટિના એક ધમધમતા શહેરમાં પહોંચી જાવ. ના, એમાં ઘોંઘાટ જરાય નહીં. ઘોંઘાટ છોડો, એક પણ અવાજ તમને ન સંભળાય. ગાઢ નીરવતા... તમારું શરીર આપોઆપ, બોટવાળાની દોરવણી પ્રમાણે દરિયામાં વહેતું રહે અને તમારી નજર સામે હોય રંગો... એક-બે રંગો નહીં, હજાર-બે હજાર રંગો પણ નહીં, જાણે લાખ્ખો રંગો... જી હા, લાખ્ખો રંગો... એવું લાગે જાણે રંગો કિકિયારી કરી રહ્યા છે, ચિલ્લાઈ રહ્યા છે, સહેજ પણ અવાજ કર્યા વિના. અને એ રંગો પાછા સ્થિર ન હોય.

એ તો હરતાં-ફરતાં-તરતાં હિલોળા લેતાં રંગો... એમાં અમુક રંગો (જીવો) પાછા શરમાળ... તમે નજીક જાવ એટલે એ શરમાઈ જાય, સંકોચાઈ જાય. અમુક રંગ બહાદુર... તમે એની સામે જુઓ તો એ પણ જાણે તમને જુએ... અમુક દરિયાઈ જીવો તો જેટલા દેખાવે એટલા સ્વભાવે પણ રંગીન મિજાજના. તમે આંગળી આપો તો જાણે હાય-હેલ્લો કરતાં હોય એમ આંગળી પકડી લે... પહોળા જડબાંવાળી કોઈ જાંબલિ માછલી પાળેલા કૂતરાની જેમ પૂંછડી પટપટાવતી તમને ટગરટગર જોતી રહે... એ આખી સૃષ્ટિ સતત ઊઘડતી જાય, બદલાતી જાય... તમે એક ફૂટ આગળ વધો તો જાણે નવું જ જગત... ત્યાંથી એક ફૂટ આગળ વધો તો બીજું નવું જગત... ગણ્યાં ગણાય નહીં અને વીણ્યાં વિણાય નહીં એટલાં પરવાળાં, વનસ્પતિ, માછલી અને અન્ય જીવો... એમાંના તમામ પાછા એકદમ ખુશ લાગે. પોતાના રંગો દ્વારા એ જાણે પોતાના હોવાપણાની-અસ્તિત્વની ખુશી વ્યક્ત કરી રહ્યા હોય એવું લાગે. ‘હું છું એ જ કેટલો મોટો ઉત્સવ છે!’ એવું કહી રહ્યા હોય એવું લાગે.

થોડી જ વારમાં, આપણે જમીન પરના જીવ (મનુષ્ય) હોવા છતાં જાણે આપણે પણ એ દરિયાઈ ભીડમાંના જ એક જીવ હોઈએ અને વર્ષોથી એ બધા સાથે અલગ છતાં એકાકાર થઈને જીવી રહ્યા હોઈએ એવું લાગે. દરિયામાં લહેરાતું આપણું અસ્તિત્વ પણ પેલા લાખ્ખો રંગોમાં એક વધારાનો રંગ ઉમેરનાર શરીર સિવાય બીજું કશું જ નથી એવું લાગે...સોરી, શબ્દ સાવ ટૂંકા પડી રહ્યા છે, સાવ જ ટૂંકા. રંગ, ઉમંગ, તરંગ... આ બધાની ટોચે (વાસ્તવમાં દરિયાના તળિયે) તમે છેવટે એટલા શૂન્યમનસ્ક થઈ જાવ કે પેલો બોટવાળો તમને રંગોના એ શહેરમાંથી અચાનક ફરી વગડામાં, ફરી કાંઠે લઈ આવે ત્યારે એ તો તમારા પછી બીજા નંબરે કોઈને પાણીની અંદર સ્નોર્કલિંગ કરાવવાના કામમાં ડૂબી જાય, પણ તમે... તમે થોડી પળો કશું બોલી ન શકો. ‘ઝિંદગી ન મિલેગી દોબારા’ના હૃતિકની જેમ.

આવો અનુભવ લીધા બાદ કોઈ હૃતિકની જેમ રડી પડે તો એના પર હસવું નહીં, પ્લીઝ. મારા અનુભવની વાત કરું તો, મારી બોલતી બંધ થઈ ગઈ. મગજ એવું ઠપ્પ થઈ ગયું કે કેમેય ઝટ ચાલુ ન થાય (મારે ચાલુ કરવું પણ નહોતું). કાંઠા પર આડા પડેલા ઝાડના મૂળિયા પર બેઠા પછી પણ થોડી વાર સુધી તો હું કોઈ મનુષ્ય (લેખક-ફેકક, પત્રકાર-ફત્રકાર તો દૂરની વાત છે, માત્ર અને માત્ર મનુષ્ય) જેવો વિચારશીલ જીવ નહીં, બલકે દરિયામાં લહેરાતા પેલા જીવો જેવો, વિચારશૂન્ય, નૈસિર્ગક, શાંત, મૌન જીવ હોઉં એવી મારી અવસ્થા રહી.

આવા અનુભવ પછી તમે... તમે... જાણે રમેશ પારેખ બની જાવ. ના, એમના જેવા કવિ બની જાવ એવું હું નથી કહેતો. મોરારિબાપુ કે ભીખુદાન ગઢવી કે એવા કોઈ મહારથીએ રમેશ પારેખ વિશે કહેલું કે ‘આ માણસ કશુંક ‘ભાળી’ ગયો છે.’ મતલબ, એણે જાણે દિવ્યત્વનો સાક્ષાત્કાર કર્યો છે. તો, એવો જે માણસ છે, ‘ભાળી ગયેલો માણસ’, એવા તમે બની જાવ, એલિફન્ટ બીચની દરિયાઈ સૃષ્ટિ ‘ભાળી’ ગયેલો માણસ...એક વાર એ ભાળ્યા પછી વાત ત્યાં અને ત્યારે પૂરી નથી થતી.

પછી તો લાંબા સમય સુધી તમને રહી રહીને એવા ઝબકારા થાય કે ‘આ ઇશ્વર કે પ્રકૃતિ કે જે કહો તે, એણે સૃષ્ટિમાં જે અપાર સૌંદર્ય વેર્યું છે એ માત્ર મનુષ્યના લાભાર્થે નથી. માનવી દરિયાના પેટાળમાં તો હમણાં હમણાંથી, સાધનોની સગવડો વધ્યા બાદ જતો થયો. પણ પેલી અફાટ સૌંદર્યની સૃષ્ટિ તો હજારો, લાખો વર્ષોથી ‘પોતાની ધૂનમાં, પોતાની મસ્તીમાં’ લહેરાઈ રહી છે. એ સૌંદર્યને મનુષ્ય માણે કે ન માણે, તેનાથી એ સૌંદર્યને કશો ફરક નથી પડતો.’

હેવલોકથી પાછા ફર્યા બાદ, કામે લાગી ગયા બાદ, ક્યારેક જીવનમાં કોઈ લોચો પડે, મગજ ચૂંથાય ત્યારે અચાનક પેલી દરિયાઈ સૃષ્ટિનું ર્દશ્ય મગજમાં ચમકારો કરે કે ‘હે ભાઈ, હે ઊંચાનીચા થતા જીવ, જરાક તો બારીની બહાર જો... જેમ એલિફન્ટ બીચના દરિયામાં તેમ આકાશમાં પણ જે અપાર રંગો દેખાય એ તો જો... અને જમીન પર ચારે તરફ પક્ષીઓ ગાઈ રહ્યાં છે, વૃક્ષો ડોલી રહ્યાં છે, પ્રાણીઓ સાહજિક જીવન જીવી રહ્યાં છે.

એ તમામ જીવોએ પણ આફતો, અગવડો વેઠવી પડતી હશે. છતાં, મનુષ્ય સિવાયનો ભાગ્યે જ કોઈ જીવ મનુષ્યની જેમ, ક્ષુલ્લક વાતે, લાંબું લાંબું વિચારીને દુ:ખી થતો હશે. સૃષ્ટિમાં ચોતરફ હિંસા, બીમારી, ભક્ષણ, મરણ હોવા છતાં છેવટે તો સૌંદર્યનું, શાંતિનું, ઉલ્લાસનું પલ્લું જ ભારે છે.’આવા બધા ફિલોસોફિકલ વિચારો તમને આવે કે ન આવે, દરિયાઈ સૃષ્ટિ જોવામાં તમને ભારે માંહ્યલી મજા તો આવે જ આવે... એની ગેરંટી!

(સમાપ્ત)

યાત્રા, દીપક સોલિયા
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.