વર્ક કલ્ચર માટે ગુજરાતી ભાષામાં કોઇ પ્રચલિત શબ્દ નથી. તેનો અર્થ એ થયો કે આપણે ત્યાં વર્ક કલ્ચર પ્રચલિત નથી.શ્રાવણ મહિનો તો કામમાં રજા રાખી ફુરસદ માણવાનો મહિનો છે.
પ્રચલિત ગુજરાતી ભાષામાં સંસ્કૃતિનો અર્થ ઐતિહાસિક સ્મારકો તથા મેળાઓ અને ઉત્સવો એવો પ્રયોજાય છે. અંગ્રેજીમાં બે શબ્દો છે : કલ્ચર (સંસ્કૃતિ) અને સિવિલાઇઝેશન (સભ્યતા). મેકાઇવર નામના એક અમેરિકન વિદ્વાને કહેલું, ‘કલ્ચર ઇઝ વોટ વી આર એન્ડ સિવિલાઇઝેશન ઇઝ વોટ વી યુઝ.’ આ સંદર્ભમાં આપણાં ઐતિહાસિક સ્મારકો અને ઉત્સવો આપણી સભ્યતા છે. જ્યારે એક પ્રજા તરીકે આપણે જે કંઇ છીએ તે આપણી સંસ્કૃતિ છે. આપણાં મૂલ્યો, માપદંડો, સંબંધોની ભાતો, વલણો, પૂર્વગ્રહો વગેરે નિરપેક્ષ અને માનસિક અથવા બૌદ્ધિક બાબતો આપણી સંસ્કૃતિ છે.
વર્ક કલ્ચર માટે ગુજરાતી ભાષામાં કોઇ પ્રચલિત શબ્દ નથી. તેનો અર્થ એ થયો કે આપણે ત્યાં વર્ક કલ્ચર પ્રચલિત નથી. કામ ન કરવાની વિરુદ્ધ ‘લીઝર’ માટે આપણી ભાષામાં ‘ફુરસદ’ શબ્દ છે. શ્રાવણ મહિનો એ કામમાં રજા રાખી ફુરસદ માણવાનો મહિનો છે. માત્ર શ્રાવણ શા માટે? દરેક મહિનામાં કોઇક ને કોઇક ઉત્સવો આવતા જશે, મેળા આવતા જશે અને આપણે કામ કરવાનું બંધ કરીને ફુરસદમાં મહાલવાનું ચાલુ રાખશું.
નાનો હતો ત્યારે જામનગરની પ્રાથમિક શાળામાં શ્રાવણિયા સોમવારે રજા પડી જતી. જામ વિભાજી ઇંગ્લિશ સ્કૂલની બાજુના ઇરવીન સર્કલમાં ત્યારે દર શ્રાવણિયા સોમવારે મેળો ભરાતો. સન ૧૯૯૨માં એક ધાર્મિક સંસ્થાએ તેની જયંતીનો મહોત્સવ યોજયો. લોકો ચાલુ ઓફિસનું કામ છોડીને ‘ધરમ’ના કામમાં ફરજ બજાવવા ગયા. પગાર ઓફિસનો લેવો અને કામ ધરમનું કરવું એ વાત આજે પણ હજી સારી ગણાય છે. તે સમયે એક અધિકારીએ મહોત્સવની કોઇક જવાબદારી લેવાનું કહેતાં. મેં ના પાડતાં તેમણે ટોણો મારેલો, ‘તમને ધર્મમાં શ્રદ્ધા નથી લાગતી.’ પગાર લઇને તેનું કામ ન કરવું તે ધર્મ ગણાય? ૧૯૯૬માં સૌરાષ્ટ્રના એક શહેરમાં શ્રાવણ મહિનાના સોમવારે બપોરે આખી ઓફિસ ખાલી થઇ ગઇ.
તપાસ કરતાં ખબર પડી કે મહાદેવના દર્શન કરવાને બહાને બધા નીકળી ગયા છે. ઓફિસરે પરિપત્ર કાઢ્યો. ‘જેને જવું હોય તે અધીઁ સી.એલ. લઇને જાય. બીજા સોમવારે કોઇ ન ગયું. ૧૯૯૮માં એક સંપ્રદાયના માણસો આવીને કહે છે.’ ‘આબુમાં અમે ધર્મસંસદ યોજી છે તેમાં પધારો.’ ઓફિસર જવાબ આપે છે. ‘એ દિવસોમાં મારે ઓડિટ છે, રજા ન લઇ શકાય.’ સંપ્રદાયના લોકો કહે છે, ‘રજાની શી જરૂર છે. ધર્મકાર્ય એ તો આપની ફરજનો જ ભાગ છે ને?’
સન ૨૦૦૫માં એક વિદ્યાર્થી આવીને સંસ્થાના વડાને કહે છે, ‘મને વર્ગ સમય દરમિયાન નમાજ પઢવાની રજા જોઇએ છે.’ એક વિદ્યાર્થિની કહે છે, ‘મારાં માસીએ અઠ્ઠાઇ કરી છે, તેમની શાતા પૂછવા જવું પડે તેમ છે.’ આવા અસંખ્ય દાખલાઓ રોજબરોજ બનતા રહે છે.
એક વર્ષમાં કામ કરવાના દિવસો કેટલા? સરકારી કચેરી હોય તો ચોપન રવિવાર, બાર સી.એલ., ત્રીસ હક રજા, પંદર માંદગીની રજા, પિસ્તાલીસ જાહેર રજાઓ (મહદંશે સાંપ્રદાયિક રજાઓ), જેમાં ખ્રિસ્તી નૂતન વર્ષથી શરૂ કરી શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી સુધીની રજાઓ આવી જાય. આ ઉપરાંત કેટલીક મરજિયાત રજાઓ વગેરે થઇને ગણતરી કરી શકાય તેવી ૧૬૦ રજાઓ થાય. આ ઉપરાંત ગણતરીમાં ન આવતી (વાસી ઉતરાયણ, શ્રાવણિયા સોમવાર, અઠ્ઠાઇ તપ કે ઉર્સ જેવી) બીજી પંદરેક રજાઓ બાદ કરતાં ૩૬૫માંથી ૧૯૦ દિવસો કામના રહે છે.
તેમાંથી સમારંભો અને ઉત્સવોને બાદ કરતાં પ્રજાલક્ષી વહીવટી કામના દિવસો લગભગ ૧૭૫થી ૧૮૦ રહે છે. જો આ વાત શાળા-કોલેજને લાગુ કરીએ તો શિક્ષણકાર્યના દિવસો (૧પ ઓગસ્ટથી ૨૬ જાન્યુઆરી) એટલે કે ૧૬૦ દિવસો રહે. તેમાંથી દિવાળી વેકેશન, રવિવારો તથા તે ગાળામાં આવતી જાહેર રજાઓ બાદ કરતાં વર્ગ લેવાના દિવસો એક શતક સુધી માંડ પહોંચે છે.
ગામડાના લોકો બહુ કામગરા હોય છે તે ખ્યાલ ખોટો છે. ખેતરમાં પાક વાવ્યા પછી લણવાનો સમય આવે તે વચમાં પંદર દિવસે એકવાર પાણી પાવા અને રોજ હુર્રર્ર હુર્રર્ર કરી પંખી ઉડાડવા સિવાય કાંઇ કામ હોતું નથી. પાક તો તેની મેળે ઊગે છે.
ઉદ્યોગ આવ્યા પછી લોકોને સખત મહેનત તરફ વળવું પડ્યું. ઉદ્યોગમાં વર્ષમાં બારથી પંદર રજાઓ મળે. તે ઉપરાંત દિવાળી કે રાષ્ટ્રીય તહેવારની પાંચેક રજાઓ અને અઠવાડિક રજા (તે પણ સાતત્ય પ્રક્રિયા ઉદ્યોગમાં નહીં) મળીને વર્ષે સિત્તેરથી એંસી રજા મળે. તેમાં વળી કારીગરની પાળી બાર કલાકની.
ઉદ્યોગનું આ વર્ક કલ્ચર ખેતી, શિક્ષણ, સરકારી નોકરી વગેરેમાં હજી ઊતર્યું નથી.શું છે આ વર્ક કલ્ચર? મેકસ વેબર નામના પ્રસિદ્ધ જર્મન સમાજશાસ્ત્રીએ ‘ધ પ્રોટેસ્ટન્ટ એથિકસ એન્ડ સ્પિરિટ ઓફ કેપિટાલિઝમ’ નામનું જગપ્રસિદ્ધ પુસ્તક લખ્યું તેમાં સર્વપ્રથમવાર આ વર્ક કલ્ચરની વાત કરવામાં આવી. વેબરે આ પુસ્તકમાં કેથલિક સંપ્રદાયનાં મૂલ્યો અને પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયનાં મૂલ્યોની તુલના કરતાં કહ્યું કે કેથલિક સંપ્રદાયમાં કામ કરવું એ પાપ ગણાય છે. છ દિવસ કામ કરનાર પાપ કરે છે અને તેથી સાતમે દિવસે રજા રાખી અત્યાર સુધી કરેલાં પાપોની માફી માગવા ગિરજાઘરમાં જવું પડે છે.
આ મૂલ્યો (ઓથોઝ) સામે બળવો કરીને પ્રોટેસ્ટન્ટ ધર્મ સ્થાપનાર માર્ટિન લ્યુથરે કહ્યું કે કામ (વર્ક) એ જ ભક્તિ છે. તેથી કામ કરનાર પાપી નથી, ભક્ત છે. આથી પાપની માફી માગવા ચર્ચમાં જવાનો સવાલ રહેતો નથી. આમ પ્રોટેસ્ટન્ટમાં વર્ક કલ્ચર ઊભું થયું અને જે દેશો કેથલિક રહ્યા (સ્પેન, પોર્ટુગલ, ઇટાલી વગેરે) તે પછાત રહ્યા જ્યારે પ્રોટેસ્ટન્ટ બન્યા તે (ફ્રાંસ, જર્મની, ઇંગ્લેન્ડ, યુ.એસ., કેનેડા વગેરે) ઉદ્યોગ અને વ્યાપારમાં વિકાસ પામ્યા. જો તમે વર્ક વેલ્યૂ અને વર્ક કલ્ચર અપનાવો તો તમે વિકાસ કરી શકો.
મુસલમાનોમાં મુખ્યત્વે વ્યાપારી અને ઉદ્યોગપતિમાં દાઉદી વહોરા અને ઇસ્માઇલી ખોજાનો સમાવેશ થાય છે. વહોરા અને ખોજા નાનો એવો પણ વેપાર કરશે, પરંતુ ધર્માદા પર કે ભીખ પર નહીં જીવે. આ બંને સુગ્રથિત સમુદાયો છે. તેમના સાંપ્રદાયિક વડા અલગ છે. નફો લેવાનો, હૂંડી લખવાનો બાધ નથી. સામાન્ય ઇસ્લામમાં બધા સમાન હોવા છતાં વહોરાઓ અને ખોજાઓ સ્પષ્ટ સ્વરૂપે અલગ પડે છે.
હિન્દુ ધર્મમાં મુખ્યત્વે બે ફાંટા : શૈવ અને વૈષ્ણવ. બ્રાહ્નણો અને રજપૂતો મહદંશે શિવભક્તો. શિવ ભભૂતી ચોળેલા મસાણના દેવ. વેપારી કોમો સાગમટે વૈષ્ણવ ભક્તો. વિષ્ણુ લક્ષ્મીપતિ છે અને રિિદ્ધ-સિદ્ધિમાં આળોટે છે. હિન્દુ ધર્મમાં શૈવ અને શાકત પંથનું મહત્વ હતું ત્યારે જૈન ધર્મ અલગ પડ્યો. જૈનોનાં મૂલ્યો પણ આ સંદર્ભમાં તપાસવા જેવાં છે. ભારતે અને ગુજરાતે વિકાસ કરવો હશે તો કાર્ય સંસ્કૃતિ ઊભી કરવી પડશે. આ માટે યોગ્ય સાંપ્રદાયિક મૂલ્યો ઢાળવાં પડશે. મોરારિ બાપુ, સિચ્ચદાનંદજી કે શીખ અને મુસ્લિમ ધર્મના પંડિતો આ કામ કરે તો સમાજ તેમનો ઋણી રહેશે.