આ તો સંતોની ભૂમિ છે.’ આ વિધાન જેમ ભારત માટે, તેમ રશિયા માટે પણ સાચું હતું. આજથી દોઢેક સદી પહેલાં રશિયન પ્રજાને સાચા સંતો કઈ રીતે સચ્ચાઈ, પ્રેમ અને કરુણાના માર્ગે દોરતાં એ વિશેની વાત ચાલી રહી છે. નવલકથામાં આ તબક્કે ઝોસિમા નામના એક સાધુ એમના મઠમાં ગરીબ-અભણ-ગમાર મહિલાઓને મળી રહ્યા છે, એમનાં દુ:ખ-દર્દ સમજી રહ્યા છે અને એમના જખમો પર આધ્યાત્મિક મલમ લગાડી રહ્યા છે. મૂળ વાર્તા અહીં થોડી વાર બાજુ પર ધકેલાઈ જાય છે એ સાચું, પણ ધર્મ કઈ રીતે માણસને ભલભલી તકલીફોનો સામનો કરવાનું બળ પૂરું પાડે છે એ સમજવા માટે ગુરુસ્વામી ઝોસિમાની વાતો અને વર્તનને એકદમ ઝીણવટથી જોવાં-સમજવાં જેવાં છે. તો, ગુરુસ્વામી ઝોસિમા અત્યારે મઠના પ્રાંગણમાં બેઠા છે. સામે ગામડિયણ મહિલાઓનું ટોળું છે. દોસ્તોયેવસ્કી આગળ લખે છે...
***
અને ઝોસિમાની નજર ટોળામાંની એક વૃદ્ધા પર પડી. એ વૃદ્ધા અમારા જ (મઠવાળા) ગામની હતી. એનો સાર્જન્ટ વર તો વર્ષો પહેલા ગુજરી ગયેલો. એનો દીકરો સિવિલ સર્વન્ટ હતો. દીકરાની બદલી દૂર દૂર સાઇબિરિયામાં થયેલી. દીકરાએ શરૂઆતમાં બે પત્રના જવાબ લખ્યા, પણ છેલ્લા એક વર્ષથી દીકરા તરફથી કોઈ જવાબ નહોતો. વૃદ્ધાએ એના દીકરા વિશે તપાસ કરાવવા માથાકૂટ તો કરી, પણ એને બિચારીને એ જ નહોતી ખબર કે તપાસ કરવી તો ક્યાં કરવી.
આ કરમકહાણી કહ્યા પછી વૃદ્ધાએ ઝોસિમાને મુદ્દાની વાત કહી: ‘મને એક અમીર વેપારીની વહુએ એવી સલાહ આપી કે દીકરો જાણે મરી ગયો હોય એમ મારે એની પાછળ મરણોત્તર પ્રાર્થનાસભા યોજવી જોઈએ. એની જાણ થશે તો દીકરાને અકળામણ થશે. એટલે એ તરત તારો સંપર્ક કરશે. વેપારીની વહુને તો સો ટકા ખાતરી છે કે આવું કરવાથી દીકરો કાગળ લખશે જ. એનું કહેવું છે અગાઉ અનેક કિસ્સામાં આ ‘ટ્રિક’ કામ કરી ચૂકી છે. પણ મને, કોણ જાણે કેમ, આવું કરવાની ઇચ્છા નથી થતી. તો મારે શું કરવું? મારે વેપારીની વહુની સલાહ માની લેવી જોઈએ?’
‘જરાય નહીં. આવો સવાલ પૂછતાં તને શરમ આવવી જોઈએ. એક જીવતા માણસની પ્રાર્થનાસભા યોજવાનું કોઈ વિચારી જ કઈ રીતે શકે? અને સગ્ગી મા આવું વિચારે? આ તો ઘોર પાપ ગણાય, જાદુ-ટોણા જેવું ઘોર પાપ. તું અજ્ઞાનને લીધે આવું વિચારી શકી એટલે તને માફી મળી શકશે. સાચો રસ્તો તો એ જ છે કે તારા દીકરાને ઇશ્વર સાજો રાખે એ માટે દિવ્ય માતાનેે પ્રાર્થના કરવી જોઈએ. તારે એને કહેવું જોઈએ કે હે માતાજી, તમે વચ્ચે પડીને રસ્તો કાઢો. બહેન, હું તને ખાતરીથી કહું છું કે થોડા જ સમયમાં તારો દીકરો પાછો આવશે. કમસે કમ પત્ર તો લખશે જ. આ વાતે મગજમાં સહેજ પણ શંકા રાખીશ નહીં. જા બહેન, સહેજ પણ ચિંતા કરીશ નહીં. તારો દીકરો જીવે છે એની હું તને ખાતરી આપું છું.’
પછી ઝોસિમાની નજર એક યુવાન સ્ત્રી પર પડી. એની આંખો જાણે સળગી રહી હોય એવું લાગતું હતું. ઝોસિમાએ એને પૂછ્યું: ‘તારે શું જોઈએ છે?’એ સ્ત્રી બોલી: ‘મારા આત્મા પર બોજ છે. મેં પાપ કર્યું છે અને હવે મને મારા પાપનો ડર લાગે છે.’
ઝોસિમા સૌથી નીચેના પગથિયા પર એ સ્ત્રીની સામે ગોઠવાયા. એ સ્ત્રી ઝોસિમાની નજીક આવી અને એકદમ ધીમા સાદે બોલી: ‘બે વર્ષ પહેલાં હું વિધવા થઈ. મારો વર ઘરડો હતો. એ મને બહુ ખરાબ રીતે મારતો. પછી જ્યારે એ માંદો પડ્યો ત્યારે એને જોઈને મેં મારી જાતને કહ્યું કે જો આ માણસ ફરી બેઠો થશે તો ફરી પાછું બધું એનું એ જ... એ ઘડીએ મને એક વિચાર આવ્યો.’
‘એક મિનિટ...’ એ સ્ત્રીને બોલતી રોકીને ઝોસિમાએ પોતાનો કાન એ સ્ત્રીના હોઠ પાસે ધર્યો. પેલી એટલું ધીમું બોલી રહી હતી કે કોઈને કશું સંભળાયું નહીં. થોડી વાર બાદ એ મહિલાનું બોલવાનું પૂરું થયું.‘બે વર્ષ થયા એ વાતને?’ ઝોસિમાએ પૂછ્યું.‘હા, પહેલાં પહેલાં તો એ વિશે હું ઝાઝું નહોતી વિચારતી, પણ હમણાં હમણાંથી એ વાત મને બહુ સતાવી રહી છે.’
‘આ મામલે તેં ચર્ચમાં પાદરી સમક્ષ કબૂલાત કરી?’ ‘હા, બે વાર કન્ફેશન કર્યું, પણ મને બહુ ડર લાગે છે.’‘જરા પણ ન ડરતી,’ ઝોસિમા મક્કમ સ્વરમાં બોલ્યા, ‘કોઈ વાતે ન ડરતી, ક્યારેય નહીં. જ્યાં સુધી તારામાં પ્રાયશ્વિતની લાગણી પ્રબળ રહેશે, ત્યાં સુધી ઈશ્વર બધું જ માફ કરશે. એવું કોઈ પણ પાપ નથી, હોઈ પણ ન શકે જેને પ્રાયશ્વિત છતાં ઇશ્વર માફ ન કરે. જેને માફ કરવા માટે ઈશ્વરનો પ્રેમ પણ ઓછો પડે એવડું મોટું પાપ કરવાની માણસની તાકાત જ નથી. ઈશ્વરનો પ્રેમ અત્યંત શક્તિશાળી છે.
એ પ્રેમને હરાવી શકે એટલું શક્તિશાળી પાપ હોઈ જ કઈ રીતે શકે? એટલે બસ, સતત પ્રાયશ્વિત કરતી રહેજે. બધા જ ડર ફગાવી દેજે. તેં કલ્પના પણ નહીં કરી હોય એટલી હદે ઈશ્વર તને ચાહે છે એ વાતે ખાતરી રાખજે. જે પાપી પસ્તાવો કરે છે એને તો ઈશ્વર ખાસ ચાહે છે. કહેવાય છે કે દસ પુણ્યશાળી કરતાં સાચા દિલથી પસ્તાવો કરતો એક પાપી સ્વર્ગમાં વધુ ખુશી ફેલાવે છે. જરાય ડરતી નહીં. હા, તારા મૃત પતિ પ્રત્યે સહેજ પણ કડવાશ તારા દિલમાં રહેવા ન દઈશ.
યાદ રાખજે કે પ્રાયશ્વિતથી પ્રેમ પ્રગટે છે અને જે પ્રેમ અનુભવે છે એ ઈશ્વર સાથે એકાકાર થાય છે. પ્રેમ માણસને ભલભલી દુર્ગતિમાંથી ઉગારી શકે છે. હું તો તારા જેવો જ એક પાપી જીવ છું. છતાં, તારી વાત સાંભળીને મારું હૃદય દ્રવી ઊઠતું હોય અને હું જો તારા પ્રત્યે કરુણા અનુભવતો હોઉં તો કલ્પના કર કે ઇશ્વર તો કેટલો વધુ કરુણાવાન હોઈ શકે! જા બહેન, સહેજ પણ ન ડરીશ.’
ત્યાર પછી ઝોસિમા અન્ય એક સ્ત્રીને મળ્યા, જે કાંખમાં દીકરીને તેડીને પાંચ માઈલ ચાલીને ફક્ત ઝોસિમાને જોવા માટે આવી હતી. એના ગામના લોકોનું કહેવું હતું કે ઝોસિમા હવે બહુ માંદા રહેતા હોવાને કારણે કદાચ લાંબું નહીં જીવે. એટલે એ સ્ત્રી ઝોસિમાને જોવા આવી હતી. એણે ફાધરને કહ્યું: ‘હું તો ફક્ત તમને એક વાર જોઈ લેવા માટે આવી છું. પણ હવે હું જ્યારે અહીં આવી જ છું તો મારું એક કામ કરી આપશો? વાત એમ છે કે હું અહીં આવી રહી હતી ત્યારે રસ્તામાં મને વિચાર આવ્યો કે મારી પાસે ૬૦ કોપેક છે. એ પૈસા મારાથી પણ જે ગરીબ છે એવા માણસને મારે આપી દેવા જોઈએ.
પણ આ પૈસાની સૌથી વધુ જરૂર કોને છે એ વાત તમે મારા કરતાં વધુ જાણો છો.’ એમ કહીને એ બાઈએ ચિલ્લર ઝોસિમાના હાથમાં મુકર્યું. ઝોસિમાએ અત્યંત આદરભેર એ પરચુરણ સ્વીકારતાં કહ્યું: ‘તું બહુ ભલી બાઈ છે. હું તને ચાહું છું. હું તારા માટે અને તારી આ દીકરી માટે પ્રાર્થના કરીશ. આ પૈસા હું તારી ઇચ્છા મુજબ લાયક માણસને ચોક્કસ પહોંચાડીશ. તો, પ્રિય સન્નારી, આવજે. આવજો બધા...’ઝોસિમા મહિલાઓના ટોળા સમક્ષ આદરભેર ઝુક્યા અને પોતાની કુટિર તરફ પાછા ફર્યા.