-ચાલીસ વર્ષ પહેલાં શૂરી નારીવાદી યાને ફેમિનસ્ટિ લલનાઓની સરદારની હતી ગ્લોરિયા સ્ટાઇનમ.
-એ નારીઓનું નારી-વાદી દ્વિ-માસિક હતું ‘મઝિ’.
હલો, મિસ્ટર એન્ડ મિસિસ વાચકો, તમને ખબર છે કે જાન્યુઆરી ૧૯૭૨માં શું થયું હતું? પહેલા જ અઠવાડિયામાં ‘મઝિ’ મેગેઝિનના પહેલા અંકની ત્રણ લાખ કોપી વેચાઈ ગઈ હતી. અને સૌ વાચક મિસ્ટરો એન્ડ મિસિસો તમને ખબર છે કે ‘મઝિ’ એટલે શું? અંગ્રેજીમાં કુમારિકા માટે ‘મિસ’, અખંડ સૌભાગ્યવતી નારી માટે ‘મિસિસ’; પણ કુમાર કે અખંડ સૌભાગ્યવંતા નર માટે ફકત ‘મિસ્ટર’? નો-વેય! અમેરિકાની કેટલીક ખંડિત કુમારિકાઓ કહે છે, વ્હોટ ધ હેલ?
એટલે અમે પરણેલી છીએ કે પુરુષને માટે અવેલેબલ છીએ તેની જા.ખ. કરવાની અમારે? છટ્! અમેરિકાની એ વિપલવી કુમારિકાઓએ સૌભાગ્ય ફૌભાગ્યને ભગાવીને સિંગલ વિન્ડો શબ્દ બનાવ્યો, ‘મઝિ’. આજથી ચાલીસ વર્ષ પહેલાં એવી શૂરી નારીવાદી યાને ફેમિનસ્ટિ લલનાઓની સરદારની હતી ગ્લોરિયા સ્ટાઇનમ (ફોટો વિકીપીડિયા). એ નારીઓનું નારીવાદી દ્વિમાસિક હતું ઝજ. ‘મઝિ’. તે સમયે આવું બેલગામ બોલકું લેડીઝ મેગેઝિન કદાચ વેચાયા વિના મહિનાઓ સુધી પડી રહે એ બીકે એ લોકોએ પૂંઠા ઉપર ‘જાન્યુઆરી’ને બદલે લખેલું ‘વસંત અંક’ કે હેમંતમાંથી વસંત સુધી પણ ન વેચાય તો જુનું ના લાગે. પણ ફકત આઠ જ દિવસમાં તેની ત્રણ લાખ કોપી ધડધડ ખપી અને હજારોની તાદાદમાં ગ્રાહકપત્રોની વર્ષા થઈ.
અમેરિકામાં એક સમયે નારીવાદી વિદ્રોહ એવો પ્રચંડ હતો કે નારીવાદી સુંદરીઓ મેકઅપ ટાપટીપનીયે વિરોધી હતી. કોઈ લલ્લુને લલચાવવા અમારે શણગાર કરવો ? હô! એ નારીવાદીઓ બ્રેઝિયર્સને પણ નરલોકોની ગુલામીનું નિશાન ગણીને પોતાનાં બ્રેઝિયર્સની જાહેરમાં હોળી કરતી હતી. એ ચળવળ એવી ગાંડીતૂર થયેલી કે એ નારીઓએ ભાષામાંથી નરવાચક શબ્દો હટાવવા ઝુંબેશ ઉપાડેલી.
‘મેઇલમેન’ને બદલે ‘મેઇલપર્સન’, ‘એક્ટ્રેસ’ કે ‘પોએટેસ’ને બદલે નર ને નારી બંને માટે ફકત ‘એક્ટર’ એવમ્ ‘પોએટ’ જે સ્વીકારાય પણ છે. વધુમાં એમણે ‘હિસ્ટ્રી’ને બદલે ‘હર-સ્ટ્રી’ અને ‘ટેસ્ટિમોની’નેબદલે ‘ઓવરીમોની’ જેવા ભમરાળા શબ્દો બી ઉપજાવેલા કેમ કે હિસ્ટ્રી (ઈતિહાસ)માં હઝિ અને ટેસ્ટિમોની (જુબાની)માં ટેસ્ટેસ નરવાચક છે જે ‘અમને મંજુર નથી’. ખરેખર તો ટેસ્ટિમોની શબ્દ ટેસ્ટેસ એટો કે નર-વૃષણ ઉપરથી બન્યો નથી. એનો શબ્દાર્થ છે (ખોંખારો) ‘પાસે ઊભેલી ત્રીજી વ્યક્તિ’ મતલબ કે ‘સાક્ષી’. પણ રણે ચડેલી બ્રેઝિયર્સ બર્નર્સ કહે છે કે સો વ્હોટ? અમને તો ટેસ્ટેસ સંભળાય છે, બસ!
મહાન લોકશાહીના દેશ અમેરિકામાં એક સમયે સ્ત્રીઓને સ્થાવર જંગમ સંપત્તિ રાખવાનો હક પણ નહોતો. એ દેશમાં સ્ત્રીઓને મતાધિકાર છેક ૧૯૨૦માં મળ્યો. ચાલીસ વર્ષ પહેલાં સ્ત્રીનું સ્થાન રસોડામાં છે એ વાત અમેરિકનોમાં સર્વસ્વીકૃત હતી. પેન્ટ્સ કે જિન્સ પહેરે તે સ્ત્રીને બદતમીજ કહેવાતી. વેપારી પેઢીઓમાં સ્ત્રીઓને સેક્રેટરી કે ટાઇપિસ્ટનું કામ જ ઉપલબ્ધ હતું. આજે પણ એક જ કાર્ય માટે સ્ત્રીને પુરુષ કરતાં પગાર ઓછો અપાય છે.
એટલે સ્ત્રીઓને પુરુષોની બેડીસો યાને બોડિસો બાળવા જેવો કાળ ચડી આવેલો. ગ્લોરિયાબહેનના પ્રકાશન ‘મઝિ’ના પહેલા અંકમાં ‘અમે એબોર્શન કરાવ્યાં છે’ એવી જાહેરાતની નીચે ગ્લોરિયા સ્ટાઇનેમ સાથે સુઝન સોન્ટાગ, અનાઇસ નીન જેવી ત્રેપન જનનીઓએ સહી કરીને સ્ત્રીને ગર્ભપાત કરાવવાનો જન્મસિદ્ધ હક છે એવી માગણી જાહેર કરેલી.
તેની સાથે બીડેલું એક જવાબી પોસ્ટકાર્ડ, જેમાં વાચક નારીઓએ જાહેરાતની નીચે સહી છપાવવા મેગેઝિનને પોતાનું નામ લખી મોકલે. એ સમયે ગર્ભપાત મહા શર્મનાક પાપ ગણાતું હતું. ગર્ભપાત કરાવનાર નારીઓ એ વાત છુપાવતી હતી. અમેરિકાનાં ૫૧માંથી ૩૦ રાજ્યોમાં એબોર્શન ઉપર પ્રતિબંધ હતો. ‘મઝિ’માંના ૫૩ વિખ્યાત નારીઓના ગર્ભપાતના એકરાર પછી, અને ઉગ્ર ઝુંબેશના પરિણામે અમેરિકાની સુપ્રીમ કોર્ટે ૧૯૭૩માં ચુકાદો આપ્યો કે ગર્ભપાત કરાવવો ન કરાવવો તે સ્ત્રીની અંગત વાત છે. એટલે હવે આખા દેશમાં ગર્ભના અમુક મહિના સુધી ગર્ભપાત કરાવી શકાય છે.
એવા લડાયક ‘મઝિ’ના એ પહેલા અંકના પૂંઠા ઉપર હતી અષ્ટભુજા નવી નારી જેના એકેક હાથમાં હતાં ટેલિફોન, ઘડિયાળ, ઇસ્ત્રી, હેરડ્રાયર, ટાઇપરાઇટર, ઝાડું, અરીસો ને ગાડીનું સ્ટીયરિંગ; તેના ગર્ભમાં બેઠેલા એક શિશુનું ચિત્ર; અને જમીન ઉપર બેસાડેલી સંકેતાત્મક પુસીકેટ. ત્યાર પછીના એક અંકના પૂંઠા ઉપર પડકાર છે, બોલો તમારું યૌનજીવન કેવું છે? સારું? ખરાબ? કે યાદ નથી? બીજા એક અંકમાં તે સમયના મહાનાયક અભિનેતા રોબર્ટ રેડફર્ડની પીઠ ઉપર પડછંદ અક્ષરે ગર્જના છે, ‘મરદ વિશેષાંક.’
એક ચોથા કવર ઉપર એક માસૂસ સેક્રેટરીનાં વસ્ત્રોમાં હસ્તક્ષેપ કરતો પુરુષનો લોલુપ પંજો છે ને તે છે ‘કામ ઉપર છેડતીનો વિશેષાંક’. યાદ રહે કે એ રૂિઢચુસ્ત જમાનામાં ટીવી ઉપર ‘પ્રેગ્નન્ટ’ શબ્દ બોલવા ઉપર પણ પ્રતિબંધ હતો! પુરુષોની ત્યારની દુનિયામાં ગૃહિણીના દિલબહેલાવ માટે રમકડાં જેવી સ્ત્રીઓ માટેનાં ચોપાનિયાં પુરુષ પ્રકાશકો છાપતા હતા અને એમાં સ્ત્રીને શું ગમવું જોઈએ એવી નરકેન્દ્રી માન્યતાથી કપડાંની, રસોઈની, ઘરસફાઈની, કે મેકઅપની કે ગલગલિયાં રોમાન્સની સુષ્ઠુ સામગ્રી ખડકાતી હતી. સામા પક્ષે નારીઓનું, નારીઓ વડે લખાતું, નારીઓ માટેનું ઇન્કલાબી પ્રકાશન હતું ‘મઝિ’ અને આજેય છે.
એમાં મરદોની ઐસીતૈસીના મિજાજની, નારી-કારકિર્દીની, નારી-મનોદશાની, નર-કૃત નારકીય અન્યાયોની ને યસ, સેક્સની વાતો ઉઘાડેછોગ ચર્ચાતી ને આજે ચાલીસ વર્ષ પછી પણ બિનધાસ્ત ચર્ચાય છે. થયું, લાવો વાચકોને વાત કરીને નર હોવાનું પાપ ધોઈએ. જય મઝિ!‘