છઠ્ઠા-સાતમા દાયકાના લોકજીવનની ઘણીબધી દસ્તાવેજી સામગ્રી અહીં વણાઇ છે. ઘણા બધા ઉદ્ગારો કાવ્યાત્મક બન્યા છે. ક્યાંક અછાંદસ કવિતાનું સ્વરૂપ પણ જોવા મળશે.
નિવૃત્ત આચાર્યા અને ગુજરાતીનાં સંનિષ્ઠ અધ્યાપિકા દેવયાની દવેનું આત્મકથાનક ‘હવે સ્પર્શનું સ્મરણ છું હું’ કશી મહત્વાકાંક્ષાથી લખાયેલું નથી. જો મહત્વાકાંક્ષા સેવી હોત તો ગઇ સદીના સાતમા દાયકામાં જ એમણે સર્જક કે વિવેચક તરીકે નામના મેળવી હોત. આમ લખવા માટે કારણ છે.
સને ૧૯૫૬ થી ૧૯૫૮નાં બે વર્ષ. વીસનગરની એમ. એન. કોલેજનું શૈક્ષણિક વાતાવરણ. તેજસ્વી અધ્યાપકો. કવિ હસિત બૂચ અને વિવેચક જિતેન્દ્ર દવે જેવા અનેક વત્સલ અધ્યાપકો. સમૃદ્ધ પુસ્તકાલય અને વિવિધ સામિયકોથી સભર વાચનાલય. પછીથી પત્રકારોના આગેવાન થયા એ નિરંજન પરીખ અભિનેતા તરીકે જાણીતા. દિનકર ભોજક પણ ખરા. એ બધા વચ્ચે બે વિદ્યાર્થિનીઓ દેવયાની દવે અને વિનોદા પટેલ સ્વાધ્યાય અને વિવેકી વતર્ન માટે સહુનો સદ્ભાવ ધરાવતાં. વીસનગર આમેય સંસ્કારી નગરી. સંગીતકાર રાસબિહારી દેસાઇનું વતન.
સંસ્કારે સમાજવાદી બનેલા સાંકળચંદ પટેલ સર્વમાન્ય આગેવાન, જે પછી ગુજરાતી વિશ્વકોશના નિર્માણમાં ડૉ. ધીરુભાઇ ઠાકરને ઘણા મદદરૂપ થયા. છેક ૧૯૫૬થી ૨૦૧૦ સુધી દેવયાની દવે અને વિનોદા પટેલની સાહિત્ય અને સંસ્કારની સહજ પ્રીતિ નદીના સમથલ અને પારદર્શી પ્રવાહની જેમ ટકી રહી છે. એમની બંનેની કારકિર્દી દરમિયાન નારીવાદના ઉછાળા આવી ગયા, પણ એમની કુટુંબવત્સલ ભારતીયતા ટકી રહી બલકે વિકસતી રહી.
કદાચ દેવયાનીબહેને આ સ્મરણકથા લખી ન હોત, પણ એક અસહ્ય આઘાતે એમને ફરજ પાડી. લેખિકાનું નિવેદન છે. ‘સરળ અને શાંત વહેતા અમારા સહજીવનમાં મારા પતિને કેન્સર છે એ સમાચારે મને આઘાત લાગ્યો. કેન્સર જીવલેણ બીમારી છે તેની અમને બંનેને ખબર હોવા છતાં ‘સારું લાગે છે’, ‘સારું થઇ જશે’ કહી એકબીજાને છેતરતાં રહ્યાં. આખરે વિધિએ ધાર્યું હતું તે જ થયું, પરંતુ મેં કાળજીથી, મમતાથી તેને સાચવ્યો નહીં એવો દોષભાવ મને અપરાધી બનાવી બેચેન કરવા લાગ્યો. અંતિમ દિવસોનાં દ્રશ્યો ફરી ફરી મનને ઘેરવા લાગ્યાં.
થયું સાવિત્રીની માફક તેને હાથ પકડી પાછો લાવું, સામે બેસાડી મારા દિલની વાત કરું-હળવી થાઉં. એમાંથી જન્મી સંગ-સંગ રહી નભે પૂરેલા રંગોની વાત, સહચર્યના ચડાવ-ઉતારની વાત. એમાં ગામ અને સ્વજનો ભળ્યાં.’
આ નિવેદનનું છેલ્લું વાક્ય પણ પુસ્તકનો પરિચય આપે છે. આ માત્ર પતિ-પત્નીની અંગત વાત નથી. એમનાં સ્વજનો, એમનાં વતન, એમનાં શિક્ષા-દીક્ષાનાં સ્થળો અને છઠ્ઠા-સાતમા દાયકાના લોકજીવનની ઘણીબધી દસ્તાવેજી સામગ્રી અહીં વણાઇ છે. પણ રજૂઆત એ રીતની છે કે બધું સંબોધનનો ભાગ બને. જે વ્યક્તિ નથી તેને સંબોધીને આ લેખન થયું છે. ઘણા બધા ઉદ્ગારો કાવ્યાત્મક બન્યા છે. ક્યાંક અછાંદસ કવિતાનું સ્વરૂપ પણ જોવા મળશે. તો એની સામે હરૂના પત્રોની નક્કર વિગતો આ પુસ્તકને સામાજિક સંદર્ભ પૂરા પાડે છે. આમ કરતાં સાત સાત દાયકાનો આલેખ રચાઇ જાય છે.
લગ્નના નિર્ણય અને સાદગીથી થયેલી વિધિમાં કશું રોમેન્ટિક નથી. પાંચ દાયકા પહેલાંનો સને ૧૯૬૨નો સમય ક્યા શબ્દોમાં પ્રત્યક્ષ થાય છે, જોઇએ :‘શાંતિથી વિધિસર લગ્ન થયાં. આપણા દિલમાં ક્યાં ભાવ-સંદેવન જાગતાં હતાં કે એકદમ શૂન્યતા હતી? કંઇ સમજ નહોતી પડતી. વિધિ પછી હાટકેશ્વરમાં નમ્યા...’ (પૃ. ૨૪)
ઓછા ખર્ચે લગ્નની ઘટના સાથે જ્ઞાતિનો ઉલ્લેખ થતાં લખે છે : ‘જોકે આપણી નાગરી નાતમાં દહેજ, હૂંડી એવું કંઇ નહોતું જ. ‘નાગરની કન્યા ઉઘાડી’ એવી કહેતી હતી. માત્ર શ્વેતવસ્ત્ર અને ચૂડો ધારણ કરેલી પાર્વતી જેવી તપ કરતી કન્યા, પીતાંબરધારી શંકરની જટા જેવો ફૂલોનો ખૂંપ ધારણ કરેલો વર. કલ્યાણકારી સંકેતને ઝંખતું યુગલ.’ (પૃ. ૨પ)
વિનોદાને ત્યાં રોકાઇને નીકળ્યાં ત્યારે નવવધૂ દેવયાની રડતી નથી એ જોઇ કોઇ બોલ્યું પણ ખરું. ‘સાસરે જાય છે અને હસતી હસતી જાય છે.’ સ્ટેશને બાપુજી આવ્યા. વિદાય આપતાં જમાઇને કહ્યું : ‘હરિહર, મારું પચ્ચીસ વર્ષનું તપ તમને આપું છું. સાચવજો’ અને હું રડી પડી.’ (પૃ. ૨પ, હવે સ્પર્શનું સ્મરણ છું હું.)
આ પછી સ્મરણોનાં વિવિધ દ્રશ્યો રજૂ કર્યાં છે. સ્મરણોમાં ક્રમ ઊલટસૂલટ થતો રહે છે. બાળપણનાં સ્મરણો ઝીણી ઝીણી વિગતો સાથે આલેખાયાં છે. નાગરોનાં ઘરોની વચ્ચેની હવેલીમાં કન્યાશાળા હતી. કેવો હતો ત્યારનો નિત્યક્રમ? ‘પગથિયાંની બંને બાજુ ઊંચા ઓટલા, રબારણ બાઇ ત્યાં બેસી કરબાથી પાણી પાતી, માટીની મોટી મોટી ઘડીઓ અને કાળાં મોટાં માટલામાં પાણી ભરેલું રહેતું. રિસેસમાં ઓટલા આગળ લાઇનમાં ઊભા રહીને ખોબેથી પાણી પીતા. કરબામાંથી રેડાતું પાણી ખોબામાંથી ઊભરાઇ, કોણ પર રેલા ઉતારતું ઉતારતું, ફ્રોક પર ઢોળાઇ, પગ પર પડતું.
પગ પર ભીની માટી અને પાણીથી મહેંદીની ભાત ઊપસતી. હાથ તો ફ્રોકથી લૂછી દેતાં પરંતુ ભીના માટીવાળા પગે વર્ગમાં તો ન જવાય. સૂકી રેતીથી પગ લૂછી દેતાં, ખંખેરીને જતાં. આજુબાજુ ખુલ્લી જગ્યામાં પેશાબ-પાણી કરી આવતાં. વખત બચ્યો હોય તો લીમડાના થડને અણીદાર નિળયાથી ખોતરી ગુંદર કાઢતાં, ઘેર જઇ પલાળી નોટ કે ચોપડી સાંધતાં કદીક માને જૂના કાગળમાંથી બનાવતી ટોપલી બનાવવામાં કે ભીંત પર છાલિયાં ચોંટાડવા કામ લાગતો.
રિસેસનો કે છુટવાનો કેટલો વખત બાકી છે તે જોવા સૂરજના તકડામાં વેંત અને મૂઠીનો છાંયો કરી બંને વચ્ચેનું અંતર આંગળી મૂકી માપી લેતાં અને કેટલા વાગ્યા છે નો અંદાજ લગાવતાં. પથ્થરની સ્લેટને કાળી અને લીસી રાખવા એરંડાનાં બી તોડીને ઘસતાં અને ધોઇ નાખતાં. ભીની સ્લેટને લૂછવા માટે બે હાથે પકડી પંખાની જેમ હલાવતાં. ચકી ચકી સૂકવી દે એમ બોલવાથી સુકાઇ જાય છે એવું લાગતું.’ (પૃ. ૩૬)
ગ્રામજીવન પછી મહાનગરના ગૃહસ્થ જીવનના પ્રસંગો. આ રીતે દાયકા જોડાતા જાય છે. જે હતું તે હવે નથી એનો રંજ પણ ડોકિયું કરી જાય છે :‘રૂપેણ નદીની પેલી પાર ટેકરી પર મહાદેવનું મંદિર હતું. ટેકરીની ત્રણે બાજુ રૂપેણ વહેતી હતી. જતાં પહેલાં નાહતાં નદીના કેડસમા પાણીમાં ચાલીને ટેકરી ચડતાં. ઝાડીની ઓથમાં ઊભેલું મંદિર નદીનો રમ્ય પરિસર ધરતીએ ઓઢેલી લીલી ઓઢણી અને શ્રાવણની સરસર આહ્લાદક વાતાવરણ ઊભું થતું.
આવવાનો રસ્તો ખેતરોમાંથી ચાલતી પગદંડી હતો. પાછાં ફરતાં નદીકિનારાની રેતી-ઉસ ઉપાડી લાવતાં. કપડાં ધોવાના કામમાં લાગતો. શ્રાવણ સોમવારે ત્યાં ભરાતા મેળામાં સરખેસરખાં કે મોટા જોડે જતી. તારા ગયા પછી મેમાં વાલમ જતાં સિદ્ધનાથ ગઇ. સૂકીભઠ્ઠ નદી, વેરાન ગટરના પાણીની ગંધ મારતો વિસ્તાર જોઇ થયું વર્ષોથી મનમાં અંકાયેલું રમ્યચિત્ર અહીં આવી ભૂંસી નાખ્યું.’ (પૃ. ૩૮)
વિખ્યાત લેખિકા ધીરુબહેન પટેલે ‘સપાટ મેદાનની શાંત રમણીયતા’ જોઇ દેવયાની દવેની આ સ્મરણકથાને આવકારી છે. (મહારાષ્ટ્રની ગુજરાતી સાહિત્ય અકાદમીના અનુદાનથી પ્રગટ આ પુસ્તકના વિક્રેતા નવભારત છે.)