આપણા લોકસભાના સ્પીકર એ સ્પીકર હોવા છતાં એમને ‘સ્પીકવા’ એટલે કે બોલવા મળતું નથી. ઘોંઘાટ કરતા નેતાઓને ‘આપ શાંત રહીએ-આપ બૈઠ જાઇએ’ એવું જ સતત બોલ્યા કરવું પડે છે. લોકશાહીના પ્રતીકસમી સંસદમાં આવું ર્દશ્ય જોઇ હસવું કે રડવું?
‘જીવનમાં હસતાં રહેવું જોઇએ અને હસાવતાં રહેવું જોઇએ.’ આ વાત વિનોદ કાંબલિએ મમતા બેનરજીને ત્યારે કહી હતી જ્યારે એ બંને જણાં ઢસા જંકશનના પ્લેટફોર્મ પરના નળમાંથી વોટરબેગમાં પાણી ભરી રહ્યાં’તાં. તે સમયે બાજુમાં બટાકાવડાં ખરીદી રહેલા ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેએ એમના કાઠિયાવાડી લહેકામાં કહ્યું’તું કે ‘હાઆઆ... આ વિનોદિયાની વાઇત હોએ હો ટકા હાચી સે.’ મિત્રો, હસવું-હસાવવું એ ખૂબ અગત્યની બાબત છે, પણ ‘પોબલેમ’ એ છે કે લોકો હસવાનું ભૂલી ગયા છે અને હસાવતાં આવડતું નથી.
ખરેખર, હસવું-હસાવવું એ એક કળા છે; જેને હસ્તગત કરવી ખરેખર અઘરી છે અને એમાંયે હસવા કરતાં હસાવવું એ તો ખૂબ-ખૂબ-ખૂબ અઘરું કામ છે. લોકોને જાતે હસવામાં ‘ફાંફાં’ પડતાં હોય ત્યારે બીજાને હસાવવાનું તો ક્યાંથી આવડે.?પરંતુ મારા વાલીડા’વ, આ જગતમાં કેટલાક એવા મનુષ્યો વસે છે, જેમના માટે લોકોને હસાવવા એ તો સાવ સહેલું સરળ, સહજ કામ છે. આવાં મહાન નરનારીઓને ‘હાસ્ય અને નિષ્પન્ન’ કરવામાં સહેજપણ તકલીફ, મુશ્કેલી કે હેરાનગતિ ઊભી નથી થતી.
તેમની રૂટિન વાતો, વિચારો અને વર્તન જ એવાં હોય છે જેને જોઇ-સાંભળીને લોકો હસીહસીને ઊંધા પડી જાય છે તો આવો મળીએ એવા કેટલાક ‘કોમેડીના સુપર સ્ટાર્સ’ને જેમણે આપણને ભરપૂર-ભરપેટ હસાવી-કોન્સ્ટંટ ઇન્સ્ટંટ મનોરંજન પૂરું પાડ્યું છે; તો પેશ-એ-ખિદ્મત હૈ-ખડખડાટ હાસ્યના ખેરખાંઓ યાની કી ‘કોમેડી કે સુપર સ્ટાર્સ...’ હાસ્યના બેતાજ બાદશાહ-બેગમના લિસ્ટમાં સૌથી પ્રથમ પ્રગટ થાય છે. આપણા માનીતા-લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિંઘજી. પી.એમ. મનમોહનબાબુ દેખાવે શાંત-સૌમ્ય છે. બોલવામાં મૃદુભાષી છે.
સ્વભાવે સજજન છે, પરંતુ જેમ ‘બાવા બન્યા હૈ તો હિન્દી બોલના પડેગા.’ એમ ‘પી.એમ. બન્યા હૈ તો સ્ટેટમેન્ટ દેના પડેગા.’ એવા શિરસ્તાને ફોલો કરવા જતાં મન્નુબાબુ જાતજાતનાં નિવેદનો કરે છે. એમાંથી કોમેડી ઊભી થાય છે. એ પોતે ‘મહેતો મારેય નહીં ને ભણાવેય નહીં’ એવી પ્રકૃતિના છે એટલે એમની આજુબાજુવાળા એમને ગાંઠતા જ નથી; મન ફાવે એ કર્યા કરે છે. તોફાની બારકસોનાં ટોળામાં હોશિયાર વિદ્યાર્થીના જે હાલ થાય તેવા મનમોહન સિંઘના હાલ થયા છે.
એ પોતાનું ધાર્યું કંઇ જ કરી શકતા નથી. એ બોલે તો કોઇ એમને સાંભળતું નથી. મેડમજી કે રાહુલજીને પૂછ્યા વગર એ ડગલું પણ ભરી શકતા નથી. તેમ છતાંયે મનમોહન સિંઘજી ઢીલા અને ધીમા અવાજે-દબાયેલા સ્વરમાં ‘ગર્જના’ કરે કે ‘હું ખૂબ મજબૂત નેતા છું’ ત્યારે તો હસી હસીને લોટપોટ થઇ જવાય છે. વાચકમિત્રો, જેમની વાતો સાંભળીને હસ્યા વગર રહી જ ના શકાય તેવા અન્ય કોમેડી કિંગ છે. શરદ પવાર. શરદભાઉ ખરેખર કમાલના કલાકાર છે.
જે ખાતામાં સૌથી વધારે ખાવા મળે તેવા જ ખાતામાં તેઓ ખાતું ખોલાવે છે એટલે કે મંત્રી બને છે. અત્યારે તેઓ કૃષિખાતું સંભાળે છે અને સાથોસાથ આઇ.સી.સી.માં ‘બિગ બોસ’ છે. કરોડો-અબજો-ખર્વો રૂપિયાનો ‘વહીવટ’ કરે છે. તેમ છતાંયે તેમણે જાહેર કર્યું કે એમની મિલકત માત્ર બાર કરોડ રૂપિયા જ છે! આમાં હસવું ના આવે? કૃષિમંત્રી તરીકે એમને કોઇએ પૂછ્યું કે ખાવાપીવાની વસ્તુઓના ભાવ ક્યારે ઘટશે?
તો એમણે કહેલું ‘હું કઇ રીતે કહી શકું? હું કંઇ જ્યોતિષ છું??’ બોલ ભ’ઇ... મરદ મરાઠા શરદ પવાર આમ તો મોટેભાગે સફેદ પેન્ટ અને અડધી બાંયના સફેદ શર્ટમાં હોય છે, પણ જ્યારે આઇ.સી.સી.ની મિટિંગોમાં ફોરેન ધસી જાય છે ત્યારે સૂટબૂટ સજીધજીને ટાઇ ઠઠાડીને ઘૂમતા હોય છે. એમને આવા વેશમાં ઘૂમતા જોવા એ લહાવો છે. મનોરંજન છે.
હવે આવે હાસ્યસમ્રાટ-રમૂજના ચક્રવર્તી રાજા દગિ્ગીરાજા એટલે કે દિગ્વિજય.એમની નોટસ્ટોપ કોમેડી લાજવાબ છે. એ કોઇ પણ વિષય પર કંઇ પણ ભળતુંસળતું ‘ભરડી’ નાખે છે. એમને સિરિયસ લેવા એ ‘કાનૂનન અપરાધ’ છે. એ ઓસામાને ‘ઓસામાજી’ કહી શકે છે અને બાબા રામદેવને ‘ઠગ’ કહી શકે છે. એ કલમાડીને ‘સજજન’ કહી શકે છે અને અણ્ણા હજારેને ‘ભ્રષ્ટાચારી’ કહી શકે છે. એમને કોઇના માટે કંઇ પણ બોલવાની છુટ છે. એમને કોમેડીમાં ‘નોબેલ પુરસ્કાર’ મળવો જોઇએ, તો જ એમની કોમેડી કલાની કદર થશે.
ક્રિકેટ મેચ ચાલતી હોય ત્યારે ન્યૂઝ ચેનલ પર ‘એક્સપર્ટ’ તરીકે ‘વિશેષ ટિપ્પણી’ કરનારા ભૂ. પૂ. ક્રિકેટરો ખરેખર કમાલની કોમેડી કરતા હોય છે; તો મિત્રો, કોમેડી કિંગના લિસ્ટમાં હવે મેદાન પર ઊતરે છે એક્સપર્ટ ક્રિકેટ કોમેન્ટ્રેટર શ્રીયુત-શ્રીમાન વિનોદ કાંબલિ અને ચેતન શર્મા.
આ બંને જણે યથાશક્તિ થોડું ઘણું ક્રિકેટ ‘ટીચી’ અને મેદાનમાં દોડ-મ-દોડા કરી’તી. કાંબલિએ શરૂઆતમાં સેન્ચૂરીઓ ઠોકી ધમાકો કર્યો’તો પણ પછી એનું સુરસુરિયું થઇ ગયું’તું. એ જ રીતે ચેતન શર્માએ ‘હડી’ કાઢી દોટ મૂકી થોડીક વિકેટો ઝડપી’તી, પણ પછી એ પાર્ટી બી પતી ગઇ’તી. વર્ષો સુધી બંને ગાયબ રહ્યા, પણ અચાનક હમણાંથી એ બંને ન્યૂઝ ચેનલમાં ક્રિકેટ એક્સપર્ટ તરીકે દેખાય છે. જૂની ફિલ્મોમાં શેટ્ટી નામનો વિલન આવતો’તો એ સાવ ટકલું હતો.
આપણો ભઇલો વિનોદ પણ એમ જ ‘ટકો મુંડો ટાંઉ-ટાંઉ’ છે. પોતે બેટિંગમાં ભોપાળાં ને છબરડા કરતો’તો તોયે અત્યારે એ એના સ્કૂલના સાથી, લજિન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકરને બેટિંગ કઇ રીતે કરવી એની સલાહ આપે છે. એ જ રીતે ‘ગોફણિયા’ બોલિંગ કરનારો ચેતન શર્મા જેણે શારજાહમાં મેચના છેલ્લા બોલે ફૂલટોસ નાખ્યો’તો અને મિયાંદાદે સિકસર ફટકારી પાકિસ્તાનને ઐતિહાસિક વિજય અપાવ્યો’તો તેવો ‘ચરકટ’ ચેતન શર્મા બ્રેટ લી કે ડેરેલ સ્ટેઇન જેવા ખતરનાક બોલરોને બોલિંગ ટિપ્સ આપતો હોય છે.
મા કસમ બોસ, યે વિનોદ ઔર ચેતન એકદમ ધાંસુ કોમેડી કરતે હે ભીડુ! શ્રેષ્ઠ હાસ્ય કલાકારોની શ્રેણીમાં હવે પધારે છે યોગગુરુ બાબા રામદેવજી. બાબાજી યોગમાં ખરેખર શ્રેષ્ઠ-શ્રેષ્ઠતર-શ્રેષ્ઠતમ છે. તેમણે ચારે બાજુ બધાને કપાલભાતી ને અનુલોમ-વિલોમ કરતા કરી દીધા. ભારતની સાંસ્કૃતિક ધરોહર ‘યોગ’ને આખી દુનિયા સમક્ષ રજૂ કરી ચારે બાજુ બધે ‘યોગ’નો ડંકો વગાડી દીધો. અહીંયાં સુધી એટલે કે યોગ-પ્રાણાયામ સુધી બાબાનું પ્રદાન અદભૂત જ હતું અને છે, પરંતુ યોગ શીખવાડ્યા પછી બાબાએ જે તાંડવ શરૂ કર્યું તેમાંથી જોરદાર કોમેડી ઊભી થઇ.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભાષણો કરવા ગયા ત્યાં ભમા-ભમી થઇ ગઇ અને એ ભેખડે ભરાયા. પછી ‘સ્ત્રીવેશે’ નાસી છુટયા.આ આખા ઘટનાક્રમમાં ખરેખર જોરદાર કોમેડી ઊભી થઇ. બાબા રામદેવજી જે સ્ટાઇલથી યોગ શીખવાડે છે ત્યારે તેમની ભાષા, રજૂઆત, હાવભાવ હાસ્ય પીરસવા પૂરતા જ હોય છે. તેમ છતાંયે વધારે હસાવવા તેઓ રાજકારણ અને ભ્રષ્ટાચારની વાતો કરે છે અને આપણે હસતાં હસતાં કપાલભાતી કરવા માંડીએ છીએ! અલ્યા ભૈ કોમેડી ‘કિંગો’ની તો બહુ વાત થઇ ગઇ હવે બોલાવીએ ‘કોમેડી ક્વીન’ને; તો બા-અદબ, બા-મુલાહિઝા-હોશિયાર... આ રહી હૈ કોમેડી કી અનડસ્પિ્યુટેડ ક્વીન: રાખી સાવંત. આમ તો રાખીને માખીની જેમ બણબણાટ કરી આપણને ઇરિટેટ કરવાની આદત છે.
તેમ છતાંયે તે સતત ટીવી પર દેખાયા જ કરે છે, તો પછી આવી ઇરિટેટિંગ વ્યક્તિથી અકળાવા કરતાં એની વાતો-વર્તનને એન્જોય કરવી જોઇએ. આ એન્ગલથી જોઇએ તો રાખી સાવંત એ જોરદાર કોમેડી પીરસનારી ‘સન્નારી’ છે. એ કંઇ પણ કરે એમાં હાસ્ય-રમૂજ-લાફ્ટર સમાયેલું જ હોય છે. એ બિગ બોસમાં હોય, લગ્નના સ્વયંવરમાં હોય, અદાલત જેવી કંઇ ઊભું કરી ન્યાય આપતી હોય કે અજબ ગજબ રીતે ઇન્ટરવ્યૂ લેતી હોય એને જોઇને માત્ર હસવું હસવું ને હસવું જ આવે છે. એ કોમેડીની આઇટમ ગર્લ છે. મિત્રો, જેમ દર્દને સહન કરવાથી એનું દુ:ખ ઓછું થઇ જાય છે તેમ રાખીના ત્રાસને હસી કાઢવાથી જ એનાથી રાહત મળશે.
બાકી બળાપા કાઢવાથી, ‘ગાળ્યું’ દેવાથી ચેનલવાળા રાખીને દેખાડવાનું બંધ નહીં કરે. પાડોશી દેશ પાકિસ્તાનના લીડરો પણ રાખી સાવંતની જેમ જ ત્રાસજનક છે. એ લોકો તો ત્રાસવાદીઓના જનક પણ છે, પણ ત્યાંના એટલે કે પાકના નાપાક નેતાઓ અદભૂત-જોરદાર મનોરંજન પૂરું પાડે છે. વારે વારે જુઠ્ઠું બોલવું, જુઠ્ઠું બોલીને ‘ઝલઇ’ જાય ત્યારે જાત-ભાતની લવારીઓ કરવી-લાળા ચાવવા. નાનું છોકરું તોફાન કરતાં રંગેહાથ ઝડપાઇ જાય ત્યારે ‘મેં નથી કર્યું, મેં નથી કર્યું’ એવું બોલતું હોય છે. બસ પાક નેતાઓ પણ આવું જ કરે છે.
આખી દુનિયા જાણે છે એ લોકો જ ત્રાસવાદીઓને પાળીપોષીને ઉછેરે છે, ટ્રેનિંગ આપે છે, સાધનો આપે છે. એમના પઢાવેલા-ચડાવેલા આતંકવાદીઓ બધે જઇ ધમાલ મચાવે, પકડાઇ જાય-પાકિસ્તાનનો ભાંડો ફૂટી જાય તોયે પાક લીડરો ‘અમે તો શાંતપિ્રિય છીએ’ એવું બોલતા દેખાય ત્યારે મસ્ત કોમેડી ઊભી થાય છે. ‘ઓસામા અમારે ત્યાં નથી’ એવું લાખ્ખો વાર બોલ્યા પછી ઓસામાને અમેરિકાએ પાકિસ્તાનની સર ઝમીં પર જ ઢેર કર્યો ત્યારે પાક નેતાઓ જે ‘ત-ત-પ-પ’ કરતા’તા એ જોવાનો જલસો પડી ગયો’તો, પણ એક વાત છે પાકિસ્તાનના નેતાઓની કોમેડી દુનિયા માટે તો ખૂબ ખતરનાક પુરવાર થઇ રહી છે.
પાકિસ્તાનના ક્રિકેટર્સ પણ પાકિસ્તાનના લીડરોની જેમ જ જોરદાર કોમેડી કરે છે. એમને ત્યાં તો એવું છે કે જેને થોડું-ઘણું, ભાંગ્યું-તૂટ્યું ઇંગ્લિશ આવડતું હોય એને કેપ્ટન બનાવી દેવામાં આવે છે; કેમ કે મેચ પછી ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ આપવાનો હોય છે ને? એક પ્રચલિત જોક પણ છે કે એક મેચમાં બાર ઓવર બાકી હતી; મેચ જીતવા બે જ રન બાકી હતા અને આઠ વિકેટો અકબંધ હતી તોયે પાકિસ્તાનનો કેપ્ટન ટેન્શનમાં હતો; કેમ? કારણ કે મેચ પછી એને ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ આપવાનો હતો.
ખરેખર, પાકિસ્તાનની ક્રિકેટ ટીમના બધા જ કેપ્ટનોને યાદ કરો. એ કેવું કેવું કમાલનું કોમેડી બોલતા’તા ઇન્ઝમામ ઉલ હક, યુનુસ ખાન, શાહિદી આફ્રિદી કોઇને પણ યાદ કરો. કેવું ભેદી અંગ્રેજી બોલી, અંગ્રેજી ભાષાની પથારી ફેરવતા’તા? એ સિવાય પણ પાકિસ્તાની ક્રિકેટરોનું વર્તન પણ અજીબ અને ગરીબ રહ્યું છે. અંદરોઅંદર બાઝમ્બાઝી, ઝઘડમ્ઝઘડી કરવી એમની લાક્ષણિકતાઓ રહેલી છે. એ લોકો ત્રણ-ચાર વાર રિટાયરમેન્ટ જાહેર કર્યું. ફરીથી ‘અમે રમતાં’ એવું બોલી પાછા ગ્રાઉન્ડ પર ધસી આવતા હોય છે. ખરેખર આ પાકિસ્તાની ક્રિકેટ ટીમ આખીયે કોમેડિયનોથી ભરેલી છે! સેવન્ટીઝ એન્ડ એઇટીઝના ફ્લોપ ફિલ્મી હીરો આજકાલ ટીવી સિરિયલોમાં દેખાવા માંડ્યા છે. એમને જોઇને પણ જબરું હસવું આવે છે.
સિરિયલોવાળાને તો રોજે કંઇક ને કંઇક પીરસ્યા જ કરવું પડે, એટલે એમને થોકબંધ સિરિયલો પણ બનાવવી પડે. આ સંજોગોમાં એમને ઢગલાબંધ એક્ટર્સ પણ જોઇએ. હવે થયું એવું કે સિત્તેરએંસીના દાયકાના ફ્લોપ હીરો સાવ નવરા ધૂપ બેઠા’તા. એમને એક્ટિંગની ખૂજલી તો હતી જ, પણ કામ નહોતું. એવા સમયે સિરિયલ માર્કેટે એમને સાચા અર્થમાં ‘ધંધે’ લગાડી દીધા, પણ ભ’ઇ જે લોકો આપણને મોટા પડદે સહન નહોતા થતા એમને રોજે આપણે આપણા ડ્રોઇંગરૂમમાં સહન કરવા પડે છે.
છેલ્લે એક વ્યક્તિને દિલથી યાદ કરી લઇએ એ છે; આપણા લોકસભાના સ્પીકર. એ સ્પીકર હોવા છતાં એમને ‘સ્પીકવા’ એટલે કે બોલવા મળતું નથી. ઘોંઘાટ કરતા નેતાઓને ‘આપ શાંત રહીએ, આપ બૈઠ જાઇએ.’ એવું જ સતત બોલ્યા કરવું પડે છે. લોકશાહીના પ્રતીકસમી સંસદમાં આવું ર્દશ્ય જોઇ હસવું કે રડવું?? આ ટ્રેજડી છે કે કોમેડી? સોચો... સોચો...