પ્રશ્ન : મારી પાડોશમાં રહેતા એક આન્ટી કહે છે કે હું એમને ખૂબ જ ગમું છું. એમને મારા જેવડો દીકરો છે. મેં એક વખત એમને ના કહી, પણ એ માનવા તૈયાર નથી. મારે શું કરવું?
ઉત્તર :તમે સંબંધો મર્યાદિત કરી નાખો અને કોશિશ કરો કે એ આન્ટી સાથે શક્ય એટલું ઓછું મળવાનું થાય. એકાંતમાં તો ક્યારેય નહીં. જો તેમ છતાં એ ન માને તો તમારા ઘરના કોઇ વડીલને વાત કરો.
પ્રશ્ન : મારા માસીનો દીકરો એક વાર મારી સાથે ફિલ્મ જોતો હતો. ત્યારે અમુક દ્રશ્યો જોઇ તે એટલો ઉત્તેજિત થઇ ગયો કે એણે મને એના આલિંગનમાં જકડી લીધી. તે પછીથી અમારી વચ્ચે સંબંધ બંધાયા. હવે મારા લગ્ન થવાના છે. ત્યારે મને સમજાતું નથી કે શું કરવું?
ઉત્તર :આમાં દોષ તમારા બંનેનો છે. તમે જ્યારે એ ભાઇને સાથ આપ્યો ત્યારે તમારા સંબંધો આટલા આગળ વધ્યા. હવે તમે એ ચિંતા કરો છો કે શું કરવું, તો તેનો સીધોસાદો જવાબ એ છે કે એને ભૂલી જાવ. આમેય તમારા સંબંધો સામાજિક રીતે તો અનૈતિક જ ગણાય.
પ્રશ્ન : હું એક પરિણીતા છું. મારે બે વર્ષનો દીકરો છે. મારા પતિ કહે છે કે હવે એમને અન્ય સ્ત્રી સાથે સંબંધ છે અને તેઓ એની સાથે રહેવા માગે છે. મારે શું કરવું? દીકરાને લઇને હું ક્યાં જાઉં?
ઉત્તર :તમારા પતિને અન્ય સ્ત્રી સાથે જે સંબંધો બંધાયા તે થોડા દિવસોમાં તો નહીં જ બંધાયા હોય. કંઇક કારણ તો હોવું જોઇએ કે જેના લીધે એ પરસ્ત્રી સાથે રહેવા તૈયાર થયા છે. તમે શાંતિથી પતિ સાથે બેસીને ચર્ચા કરો અને સમજાવો કે એક દીકરાના પિતા થયા બાદ આમ કરવાનું હવે શોભે નહીં. તેમ જ જો કંઇ સમસ્યા હોય બંને પક્ષે તો સાથે મળીને તેનો ઉકેલ લાવો.
પ્રશ્ન : મારી કોલેજમાં ભણતી એક યુવતી મને ગમે છે. મેં એની સમક્ષ મારા પ્રેમનો એકરાર કર્યો ત્યારે એણે એ સ્વીકાર પણ કર્યો. જોકે તે પછી મેં એને અન્ય યુવાનો સાથે બહાર હરતીફરતી અને હોટલમાં જતી જોઇ છે. શું મારે એની સાથે સંબંધ રાખવો જોઇએ?
ઉત્તર :તમને જે ગમે છે, જેને તમે પ્રેમ કરો છો, તેના પર તમને વિશ્વાસ હોવો જોઇએ. વળી, તમે કહો છો કે એણે પણ તમારા પ્રેમનો સ્વીકાર કર્યો છે. તો એ તમને પ્રેમ કરતી હોવી જોઇએ. કોઇ સાથે બહાર જાય કે હોટલમાં જાય તેથી તેમની વચ્ચે અન્ય સંબંધ હશે એવું માની લેવાની જરૂર નથી.
પ્રશ્ન : મારી પાડોશમાં રહેતી યુવતી પરિણીત હોવા છતાં એના પતિની ગેરહાજરીમાં અનેક યુવાનો સાથે વાતો કરતી હોય છે. કેટલીક વાર એના ઘરે પણ યુવાનો આવે છે. શું એનું આવું વર્તન યોગ્ય ગણાય? મારે એને કંઇ કહેવું જોઇએ?
ઉત્તર :તમે એ યુવતી શું કરે છે, શું નહીં તેની ચિંતા શા માટે કરો છો? તમારે એની સાથે શો સંબંધ કે એ શું કરે છે અને શું નહીં, તેની તમે ચિંતા કરો. એ પરિણીત છે એટલે એટલી તો સમજદાર હશે જ કે પોતે શું કરી રહી છે, તેનો તેને ખ્યાલ હોય. પછી તમારે એને કંઇ કહેવાની જરૂર નથી.
પ્રશ્ન : હું મારા મિત્ર સાથે ફરવા ગયો ત્યારે એણે મને કેટલીક ખાસ જગ્યાએ સ્પર્શ કરવાનું કહ્યું. મેં એમ કર્યું હતું, પણ પછી મને જાણવા મળ્યું કે એ મિત્ર તો બીજા ઘણા મિત્રો સાથે આમ કરાવે છે. મારે એની સાથે મૈત્રી રાખવી જોઇએ?
ઉત્તર :તમારો મિત્ર સજાતીય સંબંધોમાં રસ ધરાવે છે. તમે એની સાથે વધારે સંબંધ ન રાખો તે જ તમારા હિતમાં છે કેમ કે આપણો સમાજ ભલે ગમે એટલો આધુનિક બન્યો હોય તો પણ આવા સંબંધોનો સહેલાઇથી સ્વીકાર કરતો નથી. તમે આમાં વધારે પડતા આગળ નીકળી જાવ તે પહેલાં જ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દો.
પ્રશ્ન : મારા મિત્રનું થોડા મહિના પહેલાં જ અવસાન થયું. તેની પત્ની થોડો સમય પિયર રહ્યા પછી પાછી આવી. એને એકલાં રહેવું નથી ગમતું. એ ઉદાસ રહે છે. મને એના પ્રત્યે લાગણી જાગે છે. શું કરવું?
ઉત્તર :તમારા મિત્રના પત્ની માટે તમને લાગણી જાગે તે સ્વાભાવિક છે. એમને એકલું અને ઉદાસીનતાભર્યું લાગે તે સમજી શકાય એવી બાબત છે. જોકે એમને જે મુશ્કેલીનો સામનો કરવાનો છે, એમાં કોઇ કંઇ કરી શકે એમ નથી. એ ઇચ્છે તો એમના સાસુ-સસરા અથવા માતાપિતા સાથે રહેવા જઇ શકે. પ્રશ્ન : હું થોડા દિવસ પહેલાં મારા પિયર ગઇ હતી. ત્યાં મેં જોયું કે મારી ભાભી મારા ભાઇનું વારંવાર અપમાન કરે છે. એ કહે છે કે મારા ભાઇને કોઇ યુવતી સાથે સંબંધ છે. જ્યારે મારો ભાઇ સાવ સીધો છે. મારે એમને કેવી રીતે સમજાવવા?
ઉત્તર :તમે તમારાં ભાભી સાથે શાંતિથી વાત કરો અને હકીકત જાણવાનો પ્રયત્ન કરો. પોતાનો સિક્કો કાયમ સાચો જ હોય એવી આપણા સમાજની માન્યતા હોય છે, પણ ક્યારેક એથી વિપરીત બનતું હોય છે. વાસ્તવિકતા જે હોય તે જાણ્યા પછી તમે ભાભીને અને ભાઇને સમજાવવાનો પ્રયત્ન કરો.
પ્રશ્ન : મારા લગ્ન થયા તે પહેલાં મારે એક યુવાન સાથે સંબંધ હતો. લગ્ન બાદ મેં એની સાથે તમામ સંબંધ તોડી નાખ્યા છે અને મારા પતિ પ્રત્યે સંપૂર્ણ વફાદાર છું. મારા પતિને કોઇએ આ વાતની જાણ કરી છે, જેથી એ મારા ચારિત્ર્ય બાબતે વારંવાર સવાલ કરે છે. મારે શું કરવું?
ઉત્તર :તમે એ યુવાન સાથે હવે સંબંધ તોડી નાખ્યો છે એ વાતની જાણ તમારા પતિને કરો અને જરૂર લાગે તો એ યુવાનને બોલાવી કબૂલાત કરાવો કે તમારા બંને વચ્ચે હવે કોઇ પ્રકારનો સંબંધ નથી. હા, સાથોસાથ એ સ્વીકારો કે તમારાથી ભૂતકાળમાં ભૂલ થઇ ગઇ છે અને તેનું પુનરાવર્તન નહીં થાય. તમારા પતિને શાંતિથી સમજાવવાથી એ ચોક્કસ સમજશે અને શંકા કરવાનું છોડી દેશે.
પ્રશ્ન : હું નાની હતી, ત્યારથી મને કેટલીક કુટેવ છે. મારે એ છોડવી છે, પણ તેનાથી છુટકારો નથી મળતો. મારા થોડા સમયમાં લગ્ન થવાનાં છે. મારે શું કરવું?
ઉત્તર :તમે એ જણાવ્યું નથી કે તમને કેવી કુટેવ છે. તમારી ઉંમર કે અન્ય કોઇ બાબત વિશે તમે જાણકારી આપી નથી. અલબત્ત, તમારા લગ્ન થવાનાં છે એટલે કે તમે સમજદાર છો. એક વાર મન મક્કમ કરો કે હવે પછી આમ નથી જ કરવું. જે નિર્ણય કરો તેના પર અડગ રહો. તો તમારી કુટેવ ચોક્કસ છુટી જશે.