Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Kalash
 

ટીમ ઈન્ડિયા : લોચો ખરેખર ક્યાં છે?

 
Source: Vihar, Kana Batava   |   Last Updated 1:04 AM [IST](01/02/2012)
 
 
 
 
 
વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમ પહેલાં ઇંગ્લેન્ડ સામે અને પછી ઓસ્ટ્રેલિયા સામે વ્હાઇટ વોશથી હારી. આ હારનાં કારણો વિચારીએ તો વાંક બધાનો નીકળે છે: બેટ્સમેન, સિનિયર ખેલાડીઓ, ઘરઆંગણે બોલિંગ પીચો ન બનાવતું ક્રિકેટ બોર્ડ, સિલેકટર્સ અને કેપ્ટન. જ્યારે ચાહકો માત્ર જીવ બાળીને બેઠા રહે છે.

ધોળકું ધોળાવવું, વ્હાઈટ વોશ થવા દેવો એ ભારતીય ટીમ માટે નવું નથી. અગાઉની ઈંગ્લેન્ડ સિરીઝમાં પણ ૪-૦નો વ્હાઈટ વોશ થયો હતો, હવે ઓસ્ટ્રેલિયા સામે ૪-૦થી ટકોમુંડો કરાવ્યો છે. અગાઉ ઈંગ્લેન્ડ સિરીઝ વખતે અણ્ણાનું આંદોલન પુરજોશમાં ચાલતું હતું એટલે ત્યાંનો વ્હાઈટ વોશ મીડિયામાં બહુ ચગ્યો નહોતો.

ટેસ્ટ મેચ શરૂ થાય ત્યારે...
આખો દેશ પ્રાર્થના કરતો હોય... હે ભગવાન...
સચિનની મહાસદી થઈ જાય...
મેચ શરૂ થયાના બે કલાક બાદ...
આખો દેશ પ્રાર્થના કરતો હોય... હે ભગવાન...
ભારતની આખી ટીમ મળીને... સો રન તો બનાવે...

ભારતની ટીમે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં ધોળકું ધોળાવી નાખ્યું તે પહેલાંથી જ આવા એસએમએસ ફરતા થયા હતા. થોડી કડવી પણ વાસ્તવિકતા છે આ એસએમએસમાં. ધૂરંધર કહેવાતા ખેલાડીઓ ભૂંડા હાલે ઢેર થઈ જાય છે. ક્રિકેટનો ભગવાન કહેવાતો સચિન ઓસ્ટ્રેલિયન બોલર્સની સામે વિકેટ બચાવવા મરણિયો થઈને, બિચારો થઈને, બેબસ થઈને સંઘર્ષ કરે અને આઠ કે તેર કે બોંતેર રન કરીને આઉટ થઈ જાય અને છતાં આંકડાઓ કહે કે સચિન ઓસ્ટ્રેલિયન ટેસ્ટ સિરીઝમાં બીજા નંબરનો સૌથી સફળ બેટસમેન છે?!

ધોળકું ધોળાવવું, વ્હાઈટ વોશ થવા દેવો એ ભારતીય ટીમ માટે નવું નથી. અગાઉની ઈંગ્લેન્ડ સિરીઝમાં પણ ૪-૦નો વ્હાઈટ વોશ થયો હતો, હવે ઓસ્ટ્રેલિયા સામે ૪-૦થી ટકોમુંડો કરાવ્યો છે. અગાઉ ઈંગ્લેન્ડ સિરીઝ વખતે અણ્ણાનું આંદોલન પુરજોશમાં ચાલતું હતું એટલે ત્યાંનો વ્હાઈટ વોશ મીડિયામાં બહુ ચગ્યો નહોતો. તે વખતે ધોની આણિ મંડળી ધ્યાન અન્યત્ર દોરવા બદલ અણ્ણાનો આભાર માનતી હોય એવા એસએમએસ ફરતા થયા હતા.

ઈંગ્લેન્ડમાં વ્હાઈટ વોશ વખતે તો ટીમ પાસે બહાનાં હતાં. ઝહીર ઈજાગ્રસ્ત હતો, ગંભીર અને સેહવાગ પણ ઈન્જર્ડ હતા, પણ ઓસ્ટ્રેલિયાની ટૂરમાં આવાં કોઈ બહાનાં નહોતાં. બધા ખેલાડીઓ ફિટ હતા, પણ ટેસ્ટ રમવામાં મીસફિટ નીવડ્યા. શા માટે આવું થયું એનું એનાલિસિસ નિષ્ણાતો કરશે, બીસીસીઆઈ બહાનાં શોધશે અને ખેલાડીઓ મોં છુપાવશે, પણ ક્રિકેટચાહકો બધું સમજે છે. તેઓ ક્રિકેટને જીવે છે. તેમને ખબર છે ભારતની હાર પાછળનાં કારણોની. ભારતનો આવો રકાસ વારંવાર થાય છે અને દર વખતે સિનિયર્સને કાઢી મૂકવાની વાતો થાય છે, પણ હકીકત એ છે કે ભારતીય ઉપખંડની બહાર રમવાની આપણી ટીમની ત્રેવડ નથી.

ઈંગ્લેન્ડમાં ભેજવાળી હવામાં તોપગોળાની જેમ આવતો બોલ રમી શકાતો નથી. ઓસ્ટ્રેલિયાની બાઉન્સી પીચ પર ઊછળીને આવતો દડો તેમને ડરાવી મૂકે છે. ન્યૂ ઝીલેન્ડની ઠંડીમાં તેઓ થથરતા રહે છે. દક્ષિણ આફ્રિકાની ઝડપી વિકેટમાં બેટ અને બોલનો સંગમ થતો નથી. વેસ્ટ ઈન્ડીઝના તાડ જેવડા બોલર્સને જોઈને જ શિયાવિયા થઈ જાય છે. ભારતીય ઉપખંડમાં પણ, પાકિસ્તાનમાં રમતી વખતે તેમને અગમ્ય ડર ઘેરી વળે છે અને શ્રીલંકાની ટીમના ફાઈટિંગ સ્પિરિટ સામે નબળા પુરવાર થાય છે. ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશની ટીમો નબળી છે એટલે નબળો ધણી બૈયર પર શૂરો.

ભારતની પિચો પર સ્પિનરો સામે વિશ્ચના ખેરખાં બેટ્સમેન રમી શકતા નથી, પણ એ જ સ્પિનર્સ ઈંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા રમવા જાય છે ત્યારે તેના ગાભા-ડૂચા નીકળી જાય છે. ઓસ્ટ્રેલિયાની સિરીઝમાં તો ભારતીય ક્રિકેટર્સની તમામ એબ ઉઘાડી થઈ ગઈ છે. એક પારીમાં કરવા જોઈએ એટલા રન આઠ પારીમાં પણ નથી થઈ શક્યા. સચિન ૮ પારી-૨૮૭ રન, દ્રવિડ ૮ પારી-૧૯૪ રન, સેહવાગ ૮ પારી-૧૯૮ રન, ગંભીર ૮ પારી-૧૮૧ રન, લક્ષ્મણ ૮ પારી-૧૫૫ રન અને કપ્તાન મહેન્દ્રસિંહ ધોની ૬ પારી-૧૦૨ રન. સામે ઓસ્ટ્રેલિયનો માટે બેવડી સદી પણ સરળ રહી.

પોન્ટિંગ અને હસ્સી સારો દેખાવ ન કરે તો આ સિરીઝ પછી તેમને હાંકી કાઢવાનું ઓસ્ટ્રેલિયન બોર્ડે નક્કી કરી લીધું હતું અને આ બંને પ્લેયર્સે રનના પહાડ ખડકી દીધા. ભારતની હારનું એક કારણ અહીંથી સમજી શકાય એવું છે. ભારતના સિનિયર ખેલાડીઓ પર પોન્ટિંગ કે હસ્સી જેવું દબાણ નહોતું. તેમને ખાતરી હતી કે ફેઈલ જશે તો પણ તેમને ટીમમાંથી કાઢવાની કોઈ હિંમત નહીં કરે. દબાણ કે ડર ન હોય તો વિકેટ ટકાવી રાખવા માટે કોણ મહેનત કરે?

આપણા સિનિયર્સને ખબર છે કે તેમની પાછળ બેન્ચ સ્ટ્રેગ્ન્થ જ નથી. તેમને રિપ્લેસ કરી શકે તેવા ખેલાડીઓ પાછલી બેન્ચ પર રાહ જોઈને બેઠા હોય તો તેમના પર પરફોર્મ કરવાનું દબાણ રહે. આપણે ત્યાં રણજી અને દુલિપ ટ્રોફી જેવી ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ કેટલા નવા ચહેરાઓ રમે છે? ૩૫ અને ૩૮ અને ૩૯ વર્ષના, ક્યાંય નહીં ચાલેલા ક્રિકેટર્સ રણજી કે દુલિપમાં રમે છે. ડોમેસ્ટિક ક્રિકેટ હવે ઊગતા ક્રિકેટરોને કેળવવાની નર્સરી નહીં, બુઢ્ઢાઓને સાચવવા માટેના ઘરડાઘર જેવી બની ગઈ છે.

કદાચ, સમસ્યાનું મૂળ પણ એ જ છે. આ દેશના લાખો તરુણો ક્રિકેટ સ્ટાર બનવાનાં સપનાં આંજીને સૂવે છે, પણ મોકો કેટલાને મળે છે? કોને મળે છે? ક્વોટા કેટલો છે? ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટ જોઈએ ત્યારે ૧૮-૨૦ વર્ષના સાવ અજાણ્યા છોકરડાઓનાં નામ સાંભળવા મળે છે અને થોડાં જ વર્ષમાં આ નામોમાંથી જ કેટલાંક ઈંગ્લેન્ડની ટીમમાં તરખાટ મચાવી દે છે. આપણે ત્યાં રવીન્દ્ર જાડેજા જેવા ઓલરાઉન્ડરને ટેસ્ટ કેપ માટે ફિટ ગણવામાં નથી આવતો.

ભારતની બેટિંગ વિશે તો પછી ચર્ચા કરીશું, પહેલા બોલિંગને જોઈ લઈએ. ભારતીય બોલર્સ ઓસ્ટ્રેલિયનોને રન કરતા રોકવામાં નિષ્ફળ રહ્યા. એડિલેડ ટેસ્ટની પ્રથમ પારીમાં ઓસ્ટ્રેલિયા ૬૦૦ રન મારી જાય છતાં તેને ઓલઆઉટ કરી શકાય નહીં અને બીજી પારીમાં રમીને ૫૦૦નો ટાર્ગેટ આપે ત્યાં સુધી પાંચ જ વિકેટ આપણા બોલર્સ ખેરવી શકે. ઓસ્ટ્રેલિયાની સિરીઝના વ્હાઈટ વોશ પાછળ સૌથી મોટો વાંક બેટસમેનોનો છે, છતાં બોલર્સની જવાબદારી ઢંકાઈ જતી નથી.

ભારત પાસે કપિલ દેવના રિટાયરમેન્ટનાં ૧૭ વર્ષ પછી પણ ઓલરાઉન્ડર બોલર નથી. કપિલ વિકેટ લેતો હતો, બેટસમેનને નિયંત્રણમાં રાખતો હતો અને જરૂર પડ્યે ૧૭૬ રન પણ ઝૂડી શકતો હતો. કપિલે સચિન કે દ્રવિડ જેટલી સદીઓ નથી ફટકારી છતાં તે ગ્રેટ ગણાય છે તેનું કારણ તેનું ઓલરાઉન્ડ પરફોર્મન્સ હતું. આજે આપણી પાસે સ્પેશ્યલાઈઝડ બોલર્સ અને બેટ્સમેન છે, પણ પરફેક્ટ ઓલરાઉન્ડર નથી. રવીન્દ્ર જાડેજા જેવા ઓલરાઉન્ડરને ટીમમાં લીધો હોત તો કદાચ, આટલો કરુણ અંજામ ન આવ્યો હોત.

કરુણતા એ છે કે ભારતીય ખેલાડીઓ જીત નહીં, ડ્રો પણ કાઢી ન શક્યા. એક જ વર્ષમાં નંબર વન ટીમની આ હાલત થઈ ગઈ. પ્રશ્ન એ થાય છે કે શું ભારતમાં ટેસ્ટ ક્રિકેટ ખતમ થઈ રહી છે? શું ધોની ટેસ્ટ ક્રિકેટની કપ્તાની માટે કે રમવા માટે પણ, ફિટ નથી? કેમ વન-ડે, ટી-ટ્વેન્ટી અને ટેસ્ટ માટે અલગ કપ્તાન ન હોય? ધોનીએ પોતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની વાત થોડા હળવા અંદાજમાં રમતી મૂકી તેની પાછળ માત્ર ટેસ્ટ નિવૃત્તિનો વિચાર નહીં હોય, તેનો ઈશારો એ પણ હોવો જોઈએ કે નિષ્ફળ સિનિયર્સને હટાવો.

આખા દેશમાં ચર્ચા પણ એ જ થઈ રહી છે કે સિનિયર્સને હટાવવા જોઈએ. ‘મિસ્ટર રિલાયેબલ’ અને ‘ધી વોલ’ તરીકે ઓળખાતો રાહુલ દ્રવિડ આઠ પારીમાંથી છ વખત કલીન બોલ્ડ થાય. બેટ અને પગ વચ્ચેના ગપોલામાંથી દડો આરામથી પસાર થઈને સ્ટમ્પ ઉડાવી દે ત્યારે તેના રિફ્લેક્સિસ અને ફૂટવર્ક નબળાં પડ્યાનું દેખાઈ જ આવે.

સચિન તેંડુલકર એક વર્ષમાં એક સદી ન બનાવી શકે? ૨૨ પારીઓ રમ્યા પછી સો રન ન મારી શકે? ૯૯ સદી કરનાર એક સદી ન કરી શકે? પેલો જુનો પ્રશ્ન ફરી ઊભો થાય છે, ખરેખર સચિન મેચ વિનર છે કે પછી એ વાત સાચી છે કે સચિન મેચ જિતાડી શકતો નથી. ગાંગુલીએ તો કહી પણ દીધું કે પોન્ટિંગ એ કાલિસ-સચિન કરતાં વધુ સારો બેટ્સમેન છે. કેપટાઉનમાં છેલ્લી ટેસ્ટ સદી ફટકાર્યા પછી સચિને આટલો સંઘર્ષ કરવો પડે એ આશ્ચર્યજનક છે. સચિન નિષ્ફળ જઈને નિવૃત્તિ લેશે? આ પ્રશ્ન તો ભીષ્મ પિતામહ દક્ષિણાયનમાં સૂર્ય હોય ત્યારે દેહત્યાગ કરે ખરા? એવો થયો. ભીષ્મ અર્જુનના બાણથી ઘવાઈને બાણશય્યા પર પડ્યા હતા ત્યારે તેમણે દેહત્યાગ કરવાની ઈચ્છા જણાવી.

ભીષ્મને ઈચ્છામૃત્યુનું વરદાન હતું અને આકાશવાણી થઈ કે ભીષ્મ જેવો મહાપુરુષ દક્ષિણાયનમાં દેહ છોડશે? ભીષ્મે તરત કહ્યું કે હજી હું જીવું છું અને ઉત્તરાયણ પછી ભીષ્મે દેહ છોડ્યો. સચિનનું દક્ષિણાયન કેટલું ચાલશે? ફોર ધેટ મેટર, દ્રવિડ જેવો બેટ્સમેન પણ નિષ્ફળતાની નોટ સાથે ક્રિકેટ છોડશે? વીરેન્દ્ર સેહવાગ આઠ પારીમાં માત્ર ૧૮૧ રન બનાવે પછી તેની ઉપયોગિતા કેટલી? મહેન્દ્રસિંહ ધોની તો બેટિંગ અને કપ્તાની બંનેમાં નિષ્ફળ રહ્યો છે. ઓફ સ્ટમ્પની બહાર આઉટ થવાની પરંપરા તેના માટે સેટ થઈ ગઈ છે. તેની ટેક્નિક પર તો પ્રશ્ન પહેલેથી જ હતા, હવે એ જ સવાલ વધુ અણિયાળો બન્યો છે.

ભારતીય ઉપમહાદ્વીપ સિવાય ક્યાંય તે રન બનાવી શકતો નથી અને કપ્તાનીમાં તો તેના નિર્ણયો હંમેશાં વિવાદાસ્પદ રહ્યા છે. મેદાન પર અતડો અને અટૂલો દેખાતો કપ્તાન ટીમને એક કઈ રીતે રાખી શકે? જે ઈશાંત શર્માએ ચાર વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાથી જ ધમાકાભેર શરૂઆત કરી હતી અને પોન્ટિંગની વિકેટ પર પોતાનું નામ કોતરાવી લીધું હતું એણે આઠ પારીમાં ૧૨૫.૩ ઓવર બોલિંગ કરી અને ૪૫૧ રન આપ્યા, વિકેટ લીધી માત્ર પાંચ. કુલ પાંચ જ. વાંક સિલેકટર્સનો પણ છે.

ટીમ પસંદ કરે ત્યારે કૃષ્ણમાચારી શ્રીકાંત કહે છે કે એકદમ બેલેન્સ ટીમ છે અને આપણે ફતેહના ઝંડા ખોડીને જ આવીશું. થયું શું? ધોળકું ધોળાવ્યું. હવે વ્હાઈટ વોશ પછી સિલેકટર્સ માટે થોડી સરળતા થઈ ગઈ છે. કોઈ પણ સિનિયરને હટાવવામાં આવશે તો પણ દેશમાં ચૂં કે ચાં થવાની નથી, પણ ફરી પાછો બેન્ચ સ્ટ્રેગ્ન્થનો પ્રશ્ન જ આવવાનો છે. ભારતીય ક્રિકેટની આ જ નિયતિ છે અને બીસીસીઆઈ નઘરોળની જેમ ઘોર્યા કરે છે. તેના પેટનું પાણી પણ હાલતું નથી, ક્રિકેટરસિકોનું પેટ બળે છે, બળ્યા કરે છે.

kana@guj.bhaskarnet.com

વિહાર, કાના બાંટવા
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.