Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Kalash
 

સામેવાળી વ્યક્તિના વિચારો જાણી શકાય ખરા?

 
Source: Vihar, Kana Batava   |   Last Updated 12:57 AM [IST](08/02/2012)
 
 
 
 
 
સામી વ્યક્તિના વિચારો જાણી શકાય ખરા? આનો જવાબ ‘હા’ માં આપી શકાય એવા તાજેતરના એક સંશોધને હમણાં જબરી ચર્ચા જગાવી છે. ધારો કે આ શોધ વાસ્તવિકતા બને તો? વાંચો આ લેખ...

તમારી પત્ની, પ્રેમિકા કે પતિ શું વિચારી રહ્યા છે એ જાણી શકતા હો તો? તમારો મિત્ર તમારી સાથે ચાની ચુસ્કી સાથે ગપાટા મારતો હોય ત્યારે મનમાં શું ઘોડા ઘડી રહ્યો છે તે વાંચી શકતા હો તો? તમારો બોસ તમારા વિશે શું વિચારી રહ્યો છે અથવા તમારા સહકર્મચારીના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકતા હો તો? કોઇ મુદ્દે ખુલાસો આપી રહેલા નેતાના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજી શકાતું હોત તો? ભણાવનાર શિક્ષક પોતાની વાત શબ્દોમાં બરાબર ન ઉતારી શકતો હોય ત્યારે તેના મનને વાંચી શકાતું હોત તો?

તમે તરત જ કહેશો કે તો તો મજા પડી જાય. એલિયન્સની ફિલ્મોમાં પરગ્રહવાસીઓ ભાષાને બદલે વિચારની આપલે દ્વારા કોમ્યુનિકેશન કરતા હોય એવી કલ્પના આપણે જોઇ છે. ભારતમાં જન્મેલા માણસ માટે વિચારો વાંચવાની વાત નવી નથી. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મનની વાતો વાંચી લેવાની કહાનીઓ ઘણી છે અને પ્રાચીન ભારતમાં માઇન્ડ રીડિંગની ટેક્નિક વિશે ઋષિઓએ વિસ્તૃત સંશોધન કર્યું છે. મનની શક્તિઓને વિસ્તારીને ભાષાવિહિન વિચાર વિનિયોગ શક્ય બની શકે એ વાત સ્વીકૃત છે, પણ એ વિજ્ઞાન હજી પા પા પગલી માંડે છે.

હમણાં, કેલિફોર્નિયા યુનિવર્સિટીની સંશોધકોની એક ટીમે પંદર દર્દીઓ પર પ્રયોગ કરીને તેઓ જે શબ્દો સાંભળે તેનાથી મગજમાં થતી પ્રક્રિયાને સફળતાપૂર્વક વાંચવાનો દાવો કર્યો છે. માનવ મગજ અંગે સંશોધન કરતા વિશ્વભરના સંશોધકોએ આ અભ્યાસને વધાવ્યો છે અને માઇન્ડ રીડિંગની દિશામાં એક ક્રાંતિકારી પગલું ગણાવ્યું છે. બ્રેઇન ટ્યુમર કે વાઇના દર્દીઓના મગજની સર્જરી દરમિયાન તેના મગજમાં ઇલેકટ્રોડ્સ ગોઠવવામાં આવ્યા. જેથી મનની અંદર ચાલી રહેલી ઇલેકટ્રીક પ્રક્રિયાને પકડી શકાય. દર્દીઓને ૪૭ અંગ્રેજી શબ્દો સંભળાવવામાં આવ્યા અને આઠથી દસ મિનિટ તેમની વાતો રેકોર્ડ કરાઇ.

આ દરમિયાન તેમનાં મગજમાં ઊઠતા ઇલેકટ્રીક તરંગોને ઇલેકટ્રોડ દ્વારા નોંધવામાં આવ્યા. સંભળાતા શબ્દોને મગજ કઇ રીતે પ્રોસેસ કરે છે તે સમજવાની કોશિશ કરવામાં આવી. કમ્પ્યુટર દ્વારા મેથેમેટિકલ મોડેલ તૈયાર કરીને ડેટાને પ્રોસેસ કરીને તેવા જ તરંગો દ્વારા ફરીથી શબ્દો બનાવવાની કોશિશ કરવામાં આવી. જોકે બનેલા શબ્દોની ગુણવત્તા બહુ સારી નહોતી, અથૉત્, સામાન્ય માણસ સાંભળે તો સમજવામાં મુશ્કેલી પડે.

પણ, આ સંશોધને દર્શાવ્યું કે જે વ્યક્તિ સાંભળી શકે છે પણ, બોલી શકતી નથી તે વ્યક્તિ આ ટેક્નોલોજી દ્વારા પોતાના વિચારોને ભાષાનું સ્વરૂપ આપી શકે ખરા. તેના મનમાં ચાલી રહેલા વિચારો કે ઇચ્છાઓ કૃત્રિમ અવાજ દ્વારા વ્યક્ત થઇ શકે. અથૉત્, વિચારો વાંચવાની દિશામાં એક નાનકડું પગલું ભરી શકાયું છે.પરંતુ નાનકડું પગલું ખરેખર તો સૂક્ષ્મ પગલું છે. વિચાર વાંચવાની પરફેક્ટ પરિસ્થિતિ સુધી પહોંચવાનો રસ્તો જો એક હજાર કિલોમિટર લાંબો હોય તો આ પગલું પહેલું સેન્ટીમીટર માત્ર છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકો મનના વિચાર શબ્દોનું રૂપ કઇ રીતે લે છે તે સમજવાની કોશિશ કરી રહ્યા છે. કોમ્યુનિકેશન સાયિન્ટસ્ટોએ ભાષાની ઉત્પત્તિ કઇ રીતે થઇ, વિકાસ કઇ રીતે થયો તેની થિયરીઓ વિકસાવી છે. આ પૃથ્વી પર માણસ સૌથી વધુ કોમ્યુનિકેશન કરનાર પ્રાણી છે, પણ પ્રાણીઓ કોમ્યુનિકેશન નથી કરતા એવું નથી. તેમણે પણ પોતાની પ્રાથમિક કક્ષાની ભાષા વિકસાવી છે. વિવિધ અવાજો અને અંગભંગિમા દ્વારા સંવાદ સાધવાની કળા તેમનામાં પણ છે.

ડોલ્ફિન માછલીઓ ઘણું ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરી શકે છે, પણ વિચારને શબ્દોમાં ઢાળતા માત્ર માણસ જ શીખી શક્યો છે. લાગણી કે વિચારને વાણીનું સ્વરૂપ આપવાથી કોમ્યુનિકેશન તો થયું પણ ભાષાનું સાધન હજી ઘણું અધૂરું છે. પોતાની લાગણી કે વિચારને સો એ સો ટકા, એના એ જ સ્વરૂપમાં સામેની વ્યક્તિ સુધી પહોંચાડવા લગભગ અશક્ય છે. ભાષા સાથે ભળતાં જ વિચાર ડાયલ્યુટ થઇ જાય છે.

આપણી હિન્દુ ફિલોસોફી પ્રમાણે વાણીના ચાર પ્રકાર છે. પરા, પશ્યંતિ, મધ્યમા અને વૈખરી. આપણે જે ભાષા બોલીએ, લખીએ છીએ તે વૈખરી છે. પરા વાણી મૂલાધારમાંથી પેદા થતી વાણી છે. મનની ભાષા છે જેમાં લેન્ગ્વેજ મહત્વની નથી. ભગવદ્ગોમંડળની વ્યાખ્યા પ્રમાણે ચેતન પ્રાણીને અમુક લાગણી વ્યક્ત કરવાની ઇચ્છા થતાં અર્થ સામેવાળાને સમજાય તેવા શબ્દો ઉત્પન્ન કરવા અંત:કરણને પ્રેરે છે.

અંત:કરણ મૂલાધારમાંના અગ્નિને પ્રેરે છે અને તે અગ્નિ તે સ્થળે રહેલા વાયુને ગતિ આપે છે. એ વાયુએ તે સ્થાને ઉત્પન્ન કરેલા સૂક્ષ્મ શબ્દને પરાવાણી કહે છે. નાભિ સુધી ચાલેલા વાયુએ તે પ્રદેશના સંયોગથી ઉત્પન્ન કરેલા શબ્દને પશ્યંતિ વાણી કહે છે. બંને વાણી સૂક્ષ્મતર હોવાથી માત્ર યોગીને ગમ્ય છે. પછી તે જ વાયુ હૃદયમાં પહોંચે અને શબ્દ જે રૂપ ધારણ કરે તે મધ્યમા કહેવાય છે અને વાયુ કંઠમાં થઇને મુખ દ્વારા બહાર આવતાં જે ધ્વનિરૂપ શબ્દ બહાર આવે છે તે વૈખરી કહેવાય છે.

થોડું અઘરું લાગ્યું ને સમજવું રીડર બિરાદર? આ તો ભારતીય ફિલોસોફી છે, અવૉચીન વિજ્ઞાન કહે છે કે મનમાંના વિચાર માટે મગજ યોગ્ય શબ્દ શોધે છે અને તેને જોડીને વાક્ય બનાવ્યા બાદ મગજ તે પ્રકારના ઉચ્ચાર માટે જીભ, કંઠ વગેરે અવયવોને પ્રેરીને વાણીનું રૂપ આપે છે, પણ મહત્વની વાત એ છે કે મનની ભાષા કઇ? હૃદયની ભાષા કઇ? અને એ ભાષા માટે દરેક વખતે શબ્દો જરૂરી છે? દિલની વાત કહેવા માટે શબ્દો હંમેશા ટૂંકા પડતા હોવાનું તમે અનુભવ્યું જ હશે. પ્રિયપાત્ર સાથે વાત કરતી વખતે શબ્દો મૌન બની જવાનું પણ અનુભવ્યું હશે.

થોડા વધુ સપાટી પર આવીને વિચારીએ તો તમે ઘણી વખત અનુભવ્યું હશે કે તમારી નજીકની વ્યક્તિ, તમારું પ્રિયપાત્ર કે લાગણીથી જોડાયેલી કોઇ વ્યક્તિ સાથે વાત કરતી વખતે તમે તેનાં મનની વાત સમજી જતા હો અથવા તમે બોલો નહીં તો પણ સામેનું પાત્ર તમારી વાત સમજી જતું હોય છે. અહીં સંવાદ માટે શબ્દોનું અવલંબન જરૂરી રહેતું નથી. ક્યારેક તમે ક્યાંક જતા હો અને તમાર પ્રિય પાત્રને પહોંચીને ફોન કરવાની તૈયારી કરતા હો ત્યાં જ તેનો ફોન આવી જાય એવું પણ બન્યું હશે. તમે ત્યારે બોલી ઉઠ્યા હશો કે અદ્ભુત ટાઇમિંગ છે અથવા ટેલીપથી છે. ટેલીપથીને મનોવિજ્ઞાનીઓએ સ્વીકૃતિ આપી છે.

મન દ્વારા જ વિચારોનું પ્રક્ષેપણ અને વિચારોને સ્વીકારવાનું સામાન્ય છે. વાણી, ભાષાની શરૂઆત સાથે જ દંભની શરૂઆત થઈ. મનમાં કંઈ હોય ને કહેવાનું કંઈ એ ભાષા દ્વારા જ શક્ય બન્યું. કપટ અને કુટિલતાને ભાષાએ બળ પૂરું પાડ્યું. મનોવિશ્વને છુપાવવા માટેનો અંચળો ભાષા બની ગઈ. અને હવે, એ જ અંચળો દૂર કરવા તરફ એક નાનકડું કદમ ભરવામાં આવ્યું છે જે સફળતા મળી છે તે વિવિધ રોગોને કારણે બોલી નહીં શકતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે, પણ તેને જે પ્રસિદ્ધિ મળી છે તે મનને વાંચવાના મુદ્દે છે. નેટ પર આ મુદ્દે ગરમાગરમ ચર્ચા છેડાઈ છે, વિચારો તો માણસની અત્યંત-પર્સનલ બાબત છે, તે જાણી શકાય તો કેવાં પરિણામ ભોગવવાં પડે તે અંગે નેટિઝન્સ કુથલીના કૂવા ખોદી રહ્યા છે.

ધારો કે તમે જે વિચારો છો એની બધી જ જાણ તમારા સ્વજનને થઈ જાય તો? સિનેમા જોતાં રડવા માંડેલી તમારી ગર્લફ્રેન્ડનાં આંસુ પાછળ તેની કઈ યાદો કારણભૂત છે તે તમે જાણી જાઓ તો? અને, તમારો બોયફ્રેન્ડ મોકટેલનાં સપિ લેતાં લેતાં કોના વિશે વિચારી રહ્યો છે તેની જાણ થઈ જાય તો? તમારા દુશ્મનો તમારા મનના વિચાર, તમારા બિઝનેસ આઈડિયા જાણી જાય તો? લોચા જ પડી જાય ને? વિશ્વમાં વિચારો જાણવા માટે વર્ષોથી માઈન્ડ રીડિંગનાં વૈજ્ઞાનિક સંશોધનો થાય છે.

અમેરિકા અને રશિયા વચ્ચેના કોલ્ડ વોર વખતે બંને દેશો અઢળક ખર્ચ કરીને એકબીજાના નેતાઓ, લશ્કરી અધિકારીઓ વગેરેના વિચારો જાણવા પ્રયત્ન કરતા હતા. વિચાર પ્રક્ષેપણ કરનાર નિષ્ણાતોને એકબીજાના મહત્વના નેતાઓ, અધિકારીઓ તથા યુદ્ધ મથકોના ઈનચાર્જના મનમાં વિચારો મોકલવાના પણ અખતરા થયા હતા. ચેસની રમત દરમિયાન રશિયન ગ્રાન્ડ માસ્ટર્સને હરાવવા પણ અમેરિકાએ વિચાર પ્રક્ષેપણના પ્રયોગો કર્યા હતા. જોકે આમાં બહુ મોટી સફળતા મળી નહોતી.

બીજો એક અભ્યાસ જણાવે છે કે, જે બહુ જ નિકટના મિત્રો હોય, પ્રિયપાત્ર હોય તેઓ એકબીજાના વિચારો વાંચી લેતાં હોય છે. સામાન્ય માણસોને એકબીજાના વિચાર સમજી લેવામાં ૧૨થી ૨૦ ટકા જ સફળતા મળે છે. પણ, અંગત મિત્રો અને પ્રિયપાત્રના કિસ્સામાં આ ટકાવારી ૫૦થી ૫૫ ટકા જેટલી ઊંચી જાય છે. હવે તમે વાત કરવાના હો તો પહેલાં મનથી વાત કરવાનો પ્રયત્ન કરજો, કદાચ તમે પણ વિચાર વાંચતા શીખી જશો.

kana@guj.bhaskarnet.com

વિહાર, કાના બાંટવા
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.