સવારથી સાજ સુધી આપણે એક નહીં અનેક કામ કરીએ છીએ. એ કામ પછી ઘરનાં હોય કે બહારનાં. આ તમામ કામ કરતી વખતે આપણે ક્યારેય વિકલાંગો વિશે એક ક્ષણ માટે પણ વિચારીએ છીએ ખરા! એ લોકોને કઇ કઇ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? એમની મદદ માટે પૂરતી સગવડ છે કે નહીં?
જાહેર જીવનમાં વિકલાંગો પ્રત્યેનું આપણું તેમના પ્રત્યેનું વલણ તેમના પર ખરાબ અસર કરે છે. એક અભ્યાસ મુજબ વિકલાંગ બાળકોમાં કંઇક કરી બતાવવાની ક્ષમતા હોવા છતાં તેનું પ્રદર્શન તેઓ સારી રીતે કરી શકતા નથી. કારણ કે, સ્કૂલો, સ્વાસ્થ્યને લગતી સંસ્થાઓ કે પછી સામાજિક સ્તર પર તેમની સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવે છે. માનચેસ્ટર મેટ્રોપોલિટિન યુનિવર્સિટીના સંશોધક ડોન ગુડલે અને ડોક્ટર કેથરીન કહે છે કે, ‘વિકલાંગ બાળકો ભેદભાવ ઉપરાંત હિંસાનો પણ શિકાર બનતાં જોવા મળે છે. લોકોના વલણનો સામનો કરવો એ તેમની સામે સૌથી મોટો પડકાર છે.’
તેમની મુશ્કેલીઓ
- વિકલાંગ બાળકો ભણવામાં પણ નબળાં હોય છે. સામાન્ય રીતે એવી ધારણા બાંધી લેવામાં આવે છે.
- સામાન્ય બાળકો વિકલાંગ બાળકો સાથે દોસ્તી કરતાં ખચકાટ અનુભવે છે અને તેમનાથી દૂર રહે છે.
- તેમની જીવનશૈલી સરળ બની રહે એ માટે સામાજિક સ્તરે સગવડોનો અભાવ છે.
- સામાન્ય લોકોનું વલણ તેમના માટે ઉપેક્ષાભર્યું હોય છે.
આપણે શું કરી શકીએ?
- આપણે વિકલાંગોનો તેમનામાં રહેલી ખામી સાથે સ્વીકાર કરવો જોઇએ.
- આવાં બાળકોનાં માતા-પિતા અને તેમની સાથે સંકળાયેલા લોકોએ તેમને આગળ વધવા પ્રોત્સાહન આપવું જોઇએ.
- વિકલાંગોને આવવા જવામાં ક્યાંય તકલીફ ન પડે એવી વ્યવસ્થા સરકાર દ્વારા થવી જોઇએ.