હિન્દી ફિલ્મ ગીતસૃષ્ટિની શાશ્વત ઘટના એટલે સાહિર લુધિયાનવી. સરસ્વતીના પ્રથમ સંતાન જેવા આ શબ્દના જાદુગરની તેજાબી કલમમાંથી જિંદગીની કડવી સચ્ચાઇ ટપકતી હતી.
સાહિરે પોતાના અંગત સુખદુ:ખ, આનંદ-આઘાત, પ્રાપ્તિ અને ઠોકરો તથા મિલન-વિયોગને સાવ પોતીકી સરહદોમાં બાંધી રાખવાને બદલે સાર્વત્રિક બનાવી દીધાં, એ પણ એને કાવ્યત્વની સર્વોત્કૃષ્ટ ઊંચાઇ બક્ષીને.
સ્વ. ઇન્દિરાજી અભણ-કુરૂપ વૃદ્ધાનાં કદમોમાં ઝૂકીને એનો આભાર માનતા હતા, એક એવી સ્ત્રીનો આભાર જેને વર્ષો પહેલાં એના પતિએ ઢોર માર મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી!
આજથી લગભગ ૮૦ વર્ષ પહેલાંની ઘટના છે. પંજાબના લુધિયાણા શહેરનો એક રઇસ જમીનદાર મધરાતે દારૂ ઢીંચીને એની અણમાનીતી બેગમને ઘરની બહાર ધકેલી રહ્યો હતો. ઘરકંકાસની વાનગી ઉપર ગાળોનું વરખ હતું અને લાતોનો મુખવાસ હતો. ઔરત આજીજી કરતી હતી, કાકલૂદી કરતી હતી, ચીખતી-ચિલ્લાવતી હતી, પણ એ નરાધમ પતિને એની ઉપર સહેજ પણ દયા ન આવી. કોઠીની બહાર ફેંકી દેવાયેલી એ બદનસીબ મુસ્લિમ સ્ત્રી બદહવાસ પતિ પાસે ભીખ માગતી રહી, ‘મુઝે ઘર સે બહાર નિકાલ દીયા, કોઇ બાત નહીં, લેકિન મેરા બચ્ચા તો મુઝે દે દો.’
નશામાં શૌહર દીકરાને સોંપવાનો ઇનકાર કરી દે છે. સોંપે પણ કેવી રીતે? કરોડો રૂપિયાની દોલત છે અને તેર બેગમો વચ્ચે આ એકનો એક વારસદાર છે અને છોકરો જાય પણ શા માટે? દરવાજાની અંદર બેશુમાર દોલતનો માલિક એવો બાપ હતો અને દરવાજાની બહાર ફાટેલાં કપડાં જેવી મા હતી. છોકરો ગાંડો હોય તો મા સાથે જાય! પણ છોકરાએ નિર્ણય લેવામાં એક ક્ષણ જેટલો પણ સમય ન લીધો.
દોડીને અમ્મીજાનની સાથે નીકળી ગયો. એ રાત મા-દીકરાએ ફૂટપાથ પર વિતાવી દીધી. જમાનાની ઠોકરો ખાઇ ખાઇને અને કડવાશો પી પીને એ છોકરો જુવાન થયો, કવિ બન્યો અને ઓગણીસો પિસ્તાલીસમાં જે પ્રથમ ઉર્દૂ કાવ્યસંગ્રહ આપ્યો એનું નામ: તિલ્ખયાં. પહેલા જ સંગ્રહે ઉર્દૂ સાહિત્યમાં તરખાટ મચાવી દીધો. ‘તિલ્ખયાં’ એટલે કડવાશ અને આ કવિનું નામ હતું: સાહિર લુધિયાનવી.
જિંદગીની સૌથી મોટી કડવાશ સાહિરે એ મધરાતે જોઇ લીધી હતી, જે રાત એણે બાપ દ્વારા લાત મારીને ફેંકી દેવાયેલી માની સાથે ફૂટપાથ પર વિતાવી હતી. ધૂળની પથારી હતી, પથ્થરનું ઓશીકું હતું અને અંધકારનું ઓઢણ હતું. આ જ છોકરો મોટો થઇ અને આવું ગીત લખી શકે: ‘ઔરત ને જન્મ દિયા મદોઁ કો, મદોઁ ને ઉસે બાજાર દિયા, જબ જી ચાહા, મસલા, કૂચલા, જબ જી ચાહા ધુત્કાર દિયા.’
સાહિરના પિતાને કુલ ૧૩ બેગમો હતી અને એક પણ સંતાન ન હતું. કુદરતનો ન્યાય જુઓ, જે બેગમ સૌથી અણમાનીતી હતી એની જ કૂખે એક દીકરાનો જન્મ થયો! એનું નામ પાડવામાં આવ્યું: અબ્દુલ હયી, અબ્દુલની માતાનું નામ સરદાર બેગમ. જમીનદાર પિતાની માનસિક વિકૃતિ બેમિસાલ હતી. એના એક પડોશી સાથે એને રોજ ઝઘડા થતા હતા. પડોશીનું નામ હતું અબ્દુલ હયી.
દુશ્મનને અપમાનિત કરવા માટે એણે દીકરાનું નામ એ જ પાડી દીધું. જ્યારે જ્યારે પડોશીને ગાળો દેવાનું મન થાય ત્યારે એ જાલિમ બાપ પોતાના દીકરાની ઉપર ગાળો વરસાવી દેતો. યુવાન થયા પછી એ દીકરાએ પોતાનું મૂળ નામ છોડી દીધું. ‘સાહિર’ શબ્દનો અર્થ થાય છે જાદુગર. ગાળોના કીચડમાં ઊછરેલો અબ્દુલ મોટો થઇને શબ્દનો જાદુગર બની ગયો.
પહેલી કતલની રાત પછી જમીનદારે માદીકરાનો કેડો ન મૂક્યો. અદાલતમાં ખટલો ચાલ્યો. પતિપત્નીના તલ્લાક થઇ ગયા. દીકરાનો કબજો મેળવવા માટે બાપે મોંઘામાં મોંઘા અને હોશિયાર વકીલો રોક્યા. જજસાહેબે છોકરાને એની મરજી પૂછી. છોકરાએ વિચારી લીધું. એણે માનો પાલવ પકડી લીધો. આવી કશમકશમાંથી પસાર થયેલો છોકરો જ આગળ જતાં આવું બેનમૂન ગીત લખી શકે. ‘જાયે તો જાયે કહાં, સમજેગા કૌન યહાં?’ પણ એ છોકરાને એટલી સમજ હતી કે ઘોડાના અસવાર પિતા કરતાં તકલીની કાંતનાર મા બહેતર હોય છે.
સાહિરે જે ગીતો લખ્યાં છે એમાંથી મોટાભાગનાં એના અનુભવો ઉપર આધારિત છે. એમણે ખુદ એક જગ્યાએ લખ્યું છે: ‘દુનિયાને તજુબૉતો-હવાદિસ કી શકલ મેં, જો કુછ મુઝે દિયા હૈ લૌટા રહા હૂં મૈં.’ મતલબ કે ‘આ જગતે અનુભવો અને હાદસાઓના રૂપમાં મને જે કંઇ આપ્યું છે તે બધું શાયરીના સ્વરૂપે હું પાછું આપી રહ્યો છું.’ પોતાના પિતા અંગ્રેજોના પીઠ્ઠું હતા એ વાત સાહિરે પહેલા જ કાવ્યસંગ્રહમાં જાહેર કરી દીધી હતી, આ શબ્દોમાં: મૈં ઉન આજદાદ (પૂર્વજ) કા બેટા હૂં, જિન્હોને પૈહમ (કાયમ) અજનબી કૌમ કે સાયે કી હિમાયત કી હૈ, ગદરકી સાઅતે નાપાક સે લેકર અબ તક, હર કડે વકત મેં સરકાર કી ખિદમત કી હૈ.
પોતાની જિંદગીમાં આવી ગયેલી સર્વપ્રથમ પ્રેમિકાને ઉદ્દેશીને એણે જે ખૂબસૂરત નઝમ લખી એ આજે પણ સદાબહાર ગણાય છે:
૧૯૪૭માં આઝાદી આવી અને દેશનું વિભાજન થયું તે પછી બે-એક વર્ષ બાદ વિખૂટાં પડી ગયેલાં અમ્મીજાનને શોધવા માટે સાહિર પાકિસ્તાનની રાહત છાવણીમાં જઇ ચડ્યા. વિભાજનના ધરતીકંપે એક ક્ષણમાં એમની જિંદગીમાં ઊથલપાથલ કરી નાખી. આ અનુભવ પરથી એમણે ફિલ્મ ‘વકત’નું ગીત લખ્યું:
પાકિસ્તાનમાં એમણે ‘સવેરા’ નામના દ્વિમાસિકનું સંપાદનકાર્ય સંભાળ્યું, પણ એમની કલમનો તેજાબ પાકિસ્તાન જેવું રૂઢિચુસ્ત રાષ્ટ્ર સહન ન કરી શક્યું. એમના નામે ગિરફ્તારીનું વોરંટ છુટયું. સાહિર છટકીને ભારત પાછા આવી ગયા. પછી આ મુકત અભિવ્યક્તિના દેશ માટે એમણે છાતી ફાટી જાય તેવું ગીત લખ્યું:
સાહિરને અમ્મીજાનના અનુભવ પછી લગ્નજીવન પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો. તેઓ આજીવન કુંવારા રહ્યા, પણ હૃદયથી સાહિર એક જન્મજાત પ્રેમી હતા. એમણે એક કરતાં વધુ સ્ત્રીઓને પ્રેમ કર્યો, સાચા હૃદયપૂર્વક પ્રેમ કર્યો અને એમનો આદર પણ જાળવ્યો. સાહિરનો વિશ્વાસ લગ્નસંસ્થા પરથી ડગી ગયો હતો, સ્નેહસંસ્થા પરથી નહીં. એમની પ્રથમ પ્રેમિકા મોહિન્દર કૌર હતી. બીજીનું નામ બિરેન્દર કૌર. ત્રીજા ક્રમે અમૃતા પ્રીતમ આવ્યાં. અમૃતાનો પ્રેમ શરૂઆતમાં એકતરફી હતો. અંતે હિન્દી ફિલ્મોમાં ગીતો લખવા માટે સાહિર પંજાબ છોડીને કાયમ માટે મુંબઇ આવી ગયા. એક પછી એક પ્રેમિકા જીવનમાંથી છુટતી ગઇ અને સાહિર એને યાદ કરીને ગાતા રહ્યા:
સાહિર સાચ્ચે જ દિલનો એકતારો લઇને દુનિયામાં ઘૂમવા માટે નીકળેલા એક વણજારા હતા.
મુંબઇ જતાં પહેલાં જ્યારે સાહિર અમૃતાને છેલ્લીવાર મળવા ગયા, ત્યારે અમૃતાએ પૂછ્યું હતું: ‘મુંબઇ ગયા પછી તું મને ભૂલી જઇશ?’ કોઇ પણ કિળયુગી પ્રેમી આના જવાબમાં જૂઠું જ બોલે. પણ પ્રામાણિક સાહિરે આ જવાબ આપ્યો: ‘હા.’ આવું કહીને સાહિરે સિગારેટ સળગાવી.‘ત્યાં જઇને તું બીજી પ્રેમિકા શોધી લઇશ?’ ધડકતાં હૈયે અમૃતા પૂછી બેઠાં. ‘હા.’ કહીને સાહિરે સિગારેટની રાખ ખંખેરી દીધી.એ પછી અમૃતાજીએ અછાંદસ કવિતા લખી: ‘પ્રેમ! એક એવું દર્દ છે જે મેં સિગારેટની જેમ ચૂપચાપ પીધું છે અને રાખની જેમ ખંખેર્યું છે.’
આ સિગારેટના જ પ્રતીક પરથી પછી સાહિરે આ ગીત લખ્યું:
મૈં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા,
હર ફિક્ર કો ધૂએં મેં ઉડાતા ચલા ગયા.
મુંબઇ નગરીમાં સુધા મલ્હક્ષેત્રા નામની ખૂબસૂરત યુવતી સાહિરના કદમોમાં હૃદયનું ગુલાબ બિછાવીને ઊભી હતી અને સાહિરની કલમમાંથી શબ્દો ટપક્યા:
જો મિલ ગયા ઉસી કો મુકદ્દર સમજ લિયા,
જો ખો ગયા મૈં ઉસકો ભુલાતા ચલા ગયા.
સાહિર મને ગમે છે એનું મુખ્ય કારણ આ છે, એણે પોતાના અંગત સુખદુ:ખ, આનંદ-આઘાત, પ્રાપ્તિ અને ઠોકરો તથા મિલન-વિયોગને સાવ પોતીકી સરહદોમાં બાંધી રાખવાને બદલે સાર્વત્રિક બનાવી દીધાં, એ પણ એને કાવ્યત્વની સર્વોત્કૃષ્ટ ઊંચાઇ બક્ષીને. જે પ્રેમિકાઓ બિછડતી ગઇ એને આશ્વાસન આપવા માટે સાહિરે જે પંક્તિઓ રચી તે પૂરા હિન્દુસ્તાન માટે ફિલસૂફીથી છલોછલ આધારશિલા બની ગઇ. ભારતવાસીઓને પ્રેમ કેવી રીતે કરાય તે હસરત જયપુરી અને મજરૂહ સુલતાનપુરી જેવા રોમેન્ટિક શાયરોએ શીખવાડ્યું, પણ પ્રેમ કર્યા પછી છુટા કેવી રીતે પડાય તે માત્ર સાહિરસાહેબે બતાવ્યું:
સાહિર મને ગમે છે કારણ કે જન્મે મુસલમાન હોવા છતાં એણે ‘અલ્લા તેરો નામ, ઇશ્વર તેરો નામ’ જેવું ઉત્કૃષ્ટ ભજન લખ્યું છે. સેકયુલર હોવાના કશા જ આડંબર વગર એણે લખ્યું છે: ‘તૂ હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા/ઇન્સાનકી ઔલાદ હૈ ઇન્સાન બનેગા.’ આખી જિંદગી લગ્નસુખથી વંચિત રહ્યા હોવા છતાં આ શાયરે મોટી ઉંમરનાં પતપિત્નીનો પ્રેમ આ રીતે વ્યક્ત કર્યો છે: ‘એય મેરી ઝોહરાજબીં, તુઝે માલૂમ નહીં, તૂં અભી તક હે હસીં, ઔર મૈં જવાં/તુઝે કુરબાન મેરી જાન મેરી જાન.’
મને સાહિર ગમે છે કારણ કે જે પુરુષને કોઇ સંતાન જ હતું નહીં, જેને એ વાતની અનુભૂતિ જ ન હતી કે દીકરી એટલે શી ચીજ કહેવાય, લાડ-દુલાર કઇ બલાનું નામ છે અને કન્યાવિદાય કોને કહેવાય, એ પુરુષ આ કરુણ-મંગલ પ્રસંગનું એવું બેનમૂન ગીત લખી ગયો જેને યાદ કરીને ભારતભરના કરોડો પિતાઓ રડતા રહ્યા છે અને રડતા રહેશે. ફિલ્મ ‘નીલકમલ’નું એ ગીત છે : ‘બાબુલ કી દુવાએં લેતી જા, જા તુઝકો સુખી સંસાર મિલે.’
સાહિર દિનચર્યાની બાબતે સૂર્યવંશી હતા. રોજ દસ વાગ્યા પછી જ ઊંઘમાંથી જાગતા હતા. રાતભર મિત્રોની સાથે બેસીને શરાબ અને શાયરીનો દૌર માણતા રહેતા હતા. અંગત મહેફિલોમાં એ બીજાઓને ઉતારી પાડતા હતા. સાહિરને પોતાને એ વાતનું ભાન હતું કે તે પ્રથમ પંક્તિના શાયર હતા. ઉર્દૂ સાહિત્ય જગતમાં તો તેઓ પોતાના પ્રથમ સંગ્રહથી જ ‘નંબર વન’ બની ચૂક્યા હતા, પરંતુ હિન્દી ફિલ્મોમાં પણ તેઓ પ્રથમ ફિલ્મથી જ પહેલો નંબર બની ગયા હતા.
હી વોઝ નંબર વન ફ્રોમ ડે વન! પોતાની કક્ષા વિશેની આ સભાનતાએ એમને વાણીવર્તનમાં સહેજ તોછડા ને અભિમાની બનાવી દીધા હતા. એમના ઠાઠમાઠ અને રીતભાત બાદશાહી ઢબના હતા. કોઇનો ફોન આવે તો ક્યારેય સ્વહસ્તે ઉઠાવતા નહીં. તેઓ પોતે જ કોઇની સાથે ફોન પર વાત કરવા માગતા હોય ત્યારે પણ જાતે ફોન જોડતા નહીં. બીજું કોઇ નંબર જોડી આપે, સામેનો માણસ ‘લાઇન’ પર આવે, એ પછી જ સાહિરસાહેબ ફોન હાથમાં લે! આવો મિજાજી શાયર ભીતરથી ફૂલ જેવો કોમળ હતો. એકવાર એક ચકલી એમના ઓરડાના સીલિંગ ફેનમાં અથડાઇને પડી ગઇ. સાહિર તરત જ ચકલીને સારવાર માટે દવાખાને લઇ ગયા. ચકલી જોકે મરી ગઇ, પણ એ પછી મહિનાઓ લગી સાહિરે એ પંખો બંધ રાખ્યો હતો.
સાહિર સાચા અર્થમાં બંડખોર હતા, બાગી શાયર હતા. દેશની પ્રવર્તમાન વ્યવસ્થા સામે એમને ભયંકર આક્રોશ હતો. સમાજના પીડિતો અને વંચિતો માટે એમના મનમાં હંમેશાં પક્ષપાત રહ્યા કરતો હતો. ત્યારે તો એ આવાં ગીતો લખી શક્યા હતા:
ચીનો અરબ હમારા, હિંદોસ્તાં હમારા,
રહેને કો ઘર નહીં હૈ, સારા જહાં હમારા.
વો સુબ્હા કભી તો આયેગી...
યે મહલોં, યે તખ્તોં, યે તાઝોંકી દુનિયા... અને તત્કાલીન વડા પ્રધાન પંડિત નહેરુને ઉદ્દેશીને લખાયેલું મહેણાસભર આ ગીત: જિન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ? ‘તાજમહલ’ નામની પ્રખ્યાત, લાંબી નઝમ પણ આ જ વાતનું ઉદાહરણ છે. સાહિરનો એકમાત્ર આધાર એના અમ્મીજાન હતાં. એમનો ઇન્તેકાલ ૧૯૭૮માં થયો. એકલા પડી ગયેલા સાહિર ઝાઝું ન ખેંચી શક્યા. બે જ વર્ષ પછી માત્ર ઓગણસાઠ વરસે સાહિર પણ ચાલ્યા ગયા. પચીસમી ઓક્ટોબરના દિવસે તેઓ મૃત્યુ પામ્યા. આજે એ વાતને વીસ વર્ષ પૂરાં થઇ ગયાં છે, ત્યારે મનમાં એક પ્રશ્ન ઊઠે છે: ‘સાહિર લુધિયાનવીની સૌથી મોટી સિદ્ધિ કઇ ગણી શકાય?’ઘણા બધા જવાબો નજર સામેથી એમને પસાર થઇ જાય છે.
એમની પરમ સિદ્ધિ એટલે દેશના ખૂણેખૂણે ફેલાયેલા એના લાખો ચાહકો કે પછી એમને મળેલી અસંખ્ય ખૂબસૂરત પ્રેમિકાઓ? નંબર વન ગીતકાર તરીકેની શૌહરત? બેશુમાર દાૈલત? ઇનામો, અકરામો, માન અને સન્માન? હિન્દુસ્તાનની ફિઝામાં આવનારાં હજારો વર્ષો સુધી ગુંજતા રહે તેવાં ગીતો? હિન્દી ફિલ્મજગતની શ્રેષ્ઠત્તમ ગણાતી કવ્વાલી- ‘ન તો કારવાં કી તલાશ હૈ’ લખવાનું સદ્ભાગ્ય મળ્યું તે? ભારતની એક પૂરી પેઢી જે ગીત ગાતીગાતી રોમાન્સનો સાગર પાર કરી ગઇ તે ‘અભી ના જાઓ છોડકર, યે દિલ અભી ભરા નહીં’ લખવાની પ્રેરણા મળી તે?
‘રંગ ઔર નૂર કી બારાત કિસે પેશ કરું’ જેવું દિલફાડ ગીત લખી શક્યા તે કે પછી ‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ’ જેવી રચના દ્વારા પોતાના અતીતની ગુલાબીને યાદ કરવાનું બહાનું મળ્યું તે? કોને પરમસિદ્ધિ ગણવી?
હું માનું છું કે આ બધી સિદ્ધિઓ તો દુન્યવી સિદ્ધિઓ છે. આ તો સાહિર તરફથી જગતને મળેલું પ્રદાન છે, પરંતુ સાહિર તરફથી એની ખુદની જિંદગીને અપાયેલું પ્રદાન કર્યું છે? એ આ છે : ૧૯૭૫માં સાહિરને ભારત સરકાર તરફથી આપવામાં આવતો સામાજિક સન્માન એવોર્ડ ‘પદ્મશ્રી’ એનાયત કરવામાં આવ્યો. તત્કાલીન વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી એ પ્રસંગે હાજર હતાં. સાહિરની સાથે એમનાં માતા પણ પધાર્યા હતાં. એમને જોઇને ઇન્દિરાજી નમી પડ્યાં. સરદાર બેગમનો ચરણસ્પર્શ કરીને બોલ્યાં, ‘પૂરા દેશ આપકા શુક્રગુજાર હૈ કયોંકિ આપને ભારત કો સાહિર જૈસા બેટા દિયા હૈ.’
ભારતના સર્વોચ્ચ સ્થાન પર બેઠેલી એક વ્યક્તિ, પ્રિયદિર્શની ઇન્દિરાજી, એક અભણ અને કુરૂપ વૃદ્ધાનાં કદમોમાં ઝૂકીને એનો આભાર માનતી હતી, એક એવી સ્ત્રીનો આભાર જેને વર્ષો પહેલાં એના પતિએ ઢોર માર મારીને અડધી રાતે ઘરની બહાર કાઢી મૂકી હતી! સાહિર એક એવો સિદ્ધપ્રાપ્ત દીકરો હતો જેણે પોતાની અપમાનિત અમ્મીજાનને હિન્દુસ્તાનનું સર્વોચ્ચ ગૌરવ અપાવ્યું હતું. મારે મન આ જ એની પરમસિદ્ધિ હતી.