ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસકર જ્યારે ૧૯૮૭માં અમદાવાદના આંગણે નવ હજાર નવસો નવ્વાણું રન પર રમી રહ્યા હતા અને દસ હજાર રન પૂરા કરવામાં હતા તે ઉત્તેજનાસભર ક્ષણોની હકીકતના લેખાંજોખાં લિટલ માસ્ટર સુનીલ ગાવસકર સાથે માણીએ
ક્રિકેટમાં વર્ષો સુધી હું સંકળાયેલો રહ્યો હોવાને કારણે ઘણી બધી હસ્તીઓને મળવાનો પ્રસંગ આવ્યો છે. ક્યારેક ‘દિવ્ય ભાસ્કર’ના પત્રકાર તરીકે તો એ અગાઉ સ્કોરર અને આંકડાશાસ્ત્રી તરીકે સુનીલ ગાવસકર, કપિલદેવ, સચિન તેંડુલકર, અઝહરુદ્દીન અને રવિ શાસ્ત્રી જેવા ક્રિકેટરોને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ યાદી ઘણી લાંબી છે, પણ જેને જીવનભરનું યાદગાર સંભારણું કહી શકાય તેવી મુલાકાત સુનીલ ગાવસકરની રહી છે.
૨૦૦૯માં અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચના બીજા દિવસે સવારે ગાવસકરને મળવાનું થયું ત્યારે વિચારી રાખ્યું હતું કે એવી વાત કરવી છે જેનાથી ગાવસકર થોડી વાર માટે તો અટકી જાય. ‘આ પિચ જોઇને એમ લાગે છે કે પરસાણાને ગુજરાત રોડ ટ્રાન્સપોટેં રસ્તા બનાવવાનો કોન્ટ્રેકટ આપી દેવો જોઇએ’, તેમ મેચના બીજે દિવસે સવારે ગાવસકરે તેના પિચ રિપોર્ટમાં મોટેરાની વિકેટ વિશે કહ્યું તેની થોડી મિનિટો બાદ જ આ મહાન ક્રિકેટર સાથે વાત કરવાની તક મળી ગઈ.
‘તમે ૧૯૮૭માં આ વિકેટ પર દસ હજાર રન પૂરા કર્યા ત્યારે એ દસ હજારમો રન પેવેલિયન છેડે બેટિંગ કરીને ઇઝાઝ ફકીહની બોલિંગમાં થર્ડમેન પર કટ લગાવીને પૂરો કર્યો હતો અને એ જ રીતે આ મેદાન પર ગઈકાલે (મેચના પ્રથમ દિવસે) રાહુલ દ્રવિડે તેનો અગિયાર હજારમો રન પૂરો કર્યો હતો. કેવો યોગાનુયોગ કહેવાય!’ આમ કહીને શરૂઆત કરી. સામો પ્રશ્ન થયો. ‘તમે ત્યારે પણ હાજર હતા?’ સંતોષજનક જવાબ મળ્યો એ સાથે જ વાતચીતનો દોર શરૂ થયો. ગાવસકરે સાઇટ સ્ક્રીન પાસે ઊભા રહીને કહ્યું, ‘તમારી વાત સાથે હું સહમત નથી કેમ કે મેં પેવેલિયનના છેડેથી થર્ડમેન તરફ નહીં, પણ સામે છેડેથી રમતી વખતે દસ હજારમો રન પૂરો કર્યો હતો.’
‘સોરી, તમે ભલે એમ કહેતા, પણ હું એ વખતે પેવેલિયનમાં સ્કોરિંગ કરતો હતો અને મને બરાબર યાદ છે કે બોલ અમારી તરફની બાઉન્ડરી તરફ આવ્યો હતો’ એવી દલીલ સામે સની ગાવસ્કરે યાદ કરીને કહ્યું, ‘ના, મારી પાસે એ ઐતિહાસિક પ્રસંગનો ફોટો અને વીડિયો છે અને તેમાં મેં એક હાથમાં મારી જાણીતી સ્ટીલ કેપ અને બીજા હાથમાં બેટ પકડેલું છે અને મારી સામેની તરફથી ફોટો લેવાયો હતો તથા એ જમાનામાં ટીવીમાં એક તરફથી જ કવેરજ થતું હતું; આજની માફક બંને બોલિંગ છેડેથી પ્રસારણ થતું ન હતું.’
જેમણે એ સિદ્ધિ નોંધાવી હોય તે વ્યક્તિ ખુદ આટલી બારીકાઈથી નિરીક્ષણ કરીને વાત કરે ત્યારે ચૂપ થઈ જવામાં જ મજા છે તેવો વિચાર એક ક્ષણ માટે આવી ગયો, પણ પૂરેપૂરી ખાતરી હોય તો પછી ચૂપ કેમ રહેવાય? વાત આગળ વધારીને કહ્યું, ‘પણ તમે એ વખતે બે રન દોડ્યા હતા. એટલે કે ૯૯૯૯ના આંકથી બે રન દોડ્યા હતા તમારી પાસેની તસવીર ૧૦૦૦૧મો રન દોડતા હતા તેની હશે.’
આ દલીલ પણ તેમના ગળે ઊતરી હોય તેમ લાગ્યું નહીં, પણ તેમને આગળ વિચારવા મજબૂર કરી દીધા. ‘કદાચ હોઇ શકે, પણ મને નથી લાગતું’, એવો જવાબ મળ્યો ત્યારે અંતે લિટલ માસ્ટર સામે માસ્ટર સ્ટ્રોક રમવાનો વારો આવી ગયો. છેલ્લી દલીલ કરતાં કહ્યું, ‘તમે જ કહો કે સુનીલ ગાવસકરે ક્યારેય ક્રિઝમાં પહોંચ્યા પહેલાં અડધી પિચે જ સિદ્ધિની ઉજવણી કરી છે?’ ‘એવું તો ક્યારેય બની જ શકે નહીં. ડોન બ્રેડમેનનો સદીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો ત્યારે પણ પહેલા તો રન પૂરો કરી લીધો હતો એટલે રન આઉટ નહીં થવાય તેની ખાતરી તો હંમેશાં કરી છે.’
એમ કહીને વિશ્વનો આ મહાન બેટ્સમેન બેકફૂટ પર આવીને સામેથી પૂછે છે, ‘તેનો અર્થ એ કે પહેલો રન પૂરો કરીને હું બીજા માટે દોડતો હતો ત્યારે મારો ફોટો પાડવામાં આવ્યો હશે અને ટીવીમાં પણ એ ર્દશ્ય દેખાતું હશે. બરાબરને?’ હા, હું એ જ કહેવા માગું છું. એ પછીની મિનિટે જે કાંઈ બન્યું તે જીવનભર યાદ રહેશે. ગાવસકરે મોટેરાના મેદાન પર હાથ મિલાવીને કહ્યું , ‘સુનીલ ગાવસકર આજે પહેલી વાર ખોટો પડ્યો, પણ મને ખોટા પડવાનો અફસોસ નથી, કેમ કે બે દાયકાથી હું જે માનતો હતો તે વાત ખોટી હતી અને આજે સાચી હકીકત જાણી છે.’