લાલચટક ટામેટાંમાં લીકોપીન નામનું તત્વ હોય છે. જેના કારણે ટામેટાં લાલ રંગના હોય છે. વિટામિન એ, સી અને ફાઇબરથી ભરપૂર ટામેટાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. આખા વિશ્વમાં ટામેટાંની ૧૦,૦૦૦ કરતાં પણ વધુ પ્રજાતિ છે. ટામેટાંનું વૈજ્ઞાનિક નામ લાઇકોપર સીકોન લાઇકોપરસીકોન છે. ટામેટાંની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કોઇપણ માટીમાં ગમે તે વાતાવરણમાં સહેલાઇથી ઊગી જાય છે. કહેવાય છે કે ફ્લોરિડા ટામેટાંનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે. ટામેટાંનો છોડ ૧ થી ૩ સે.મી. જેટલો હોય છે.
ટાવર સબવેની રસપ્રદ શોધ
સર માર્ક બ્રુનેલ નામના એક અંગ્રેજે સૌ પ્રથમ ૧૮૧૮માં લંડનની ટેમ્સ નદીના નીચે સુરંગ તૈયાર કરવાની સરસ યુક્તિ શોધી કાઢી. એ વખતે ટેમ્સ નદી ઉપર કોઇ પુલ બંધાયો નહોતો ત્યારે બ્રુનેલની આ શોધ કારગત નીવડી. આ સુરંગ ટેમ્સ નદીને પાર કરવા માટે જ બનાવાઇ હતી. સુરંગ બન્યા બાદ થોડાં જ વર્ષોમાં સુરંગમાંથી કારો દોડવા લાગી. ત્યાર પછી રેલવેની લાઇન સુરંગમાં નંખાઈ. ૧૮૨૫થી ૧૮૨૮ના મધ્યમાં માર્ક બ્રુનેલના પુત્રએ પિતાના મૃત્યુ બાદ સુરંગને આધુનિક રૂપ આપવાનું વિચાર્યું. આમ, ૧૮૬૪માં ઇંગ્લેન્ડના રેલવે ઇજનેર અને પુલનિર્માતા મીટર વિલિયમ બાલોgએ આ સુરંગને ટેક્નોલોજીની દ્રષ્ટિએ વધારે સગવડભરી બનાવી અને સુરંગને ટાવર સબવે એવું નામ પણ અપાયું.
આપણને ખંજવાળ કેમ આવે છે?
ઘણા લોકો એવું માને છે કે હાથમાં એટલે કે હથેળીમાં ખંજવાળ આવે એનો મતલબ ક્યાંકથી તો પૈસા આવશે જ. જોકે, આ એક માન્યતા છે. આપણા શરીરમાં રહેલા પ્રોટીન અને ફાઇબર્સને લીધે ખંજવાળ ઉત્પન્ન થાય છે. જેમકે, આપણને કંઇક એલર્જી થાય તો એના લીધે ચામડીના જ્ઞાનતંતુઓ આપણા મગજને ચામડી ખંજવાળવાનો કે પંપાળવાનો સંદેશો આપે છે. તેથી આપણને ખંજવાળ આવે છે અને ખંજવાળવાથી રાહત થાય છે. ચામડીના રોગોમાં ખંજવાળ આવે તે સ્વાભાવિક ક્રિયા છે.
સૌથી લાંબી બોક્સિંગ
બોક્સિંગની રમતનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઇ.સ. પૂર્વે ૧૫૨૦માં મળે છે. એ વખતે ગ્રીસમાં એક સ્થળે હાથમાં ગ્લોવ્ઝ પહેરેલા બોક્સિંગ કરતાં માણસનું ચિત્ર છે. કહેવાય છે કે બોક્સિંગના નિયમો ઇંગ્લેન્ડમાં ઘડાયા. આ નિયમો બોક્સિંગ ચેમ્પિયન જેક વોર્થટનના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવ્યા હતા. જેક પોતે પણ ૧૭૩૪થી ૧૭૫૦ સુધી બોક્સિંગનો ચેમ્પિયન રહ્યો હતો. ૧૮૯૬માં બોક્સિંગને કાયદેસરની માન્યતા આપનારંુ ન્યૂયોર્ક પહેલું રાજ્ય બન્યું.
વાત છે ૧૮૯૩ના વર્ષની. એપ્રિલની છઢ્ઢી તારીખે સાંજના સમયે ન્યૂ ઓર્લેન્સની બોક્સિંગ માટેની રિંગમાં એન્ડી બોવેન અને જેક બર્ક વચ્ચે બોક્સિંગનો મુકાબલો થયો. બંને બોક્સરોને ત્રણ મિનિટનો એક રાઉન્ડ રમવાનો હતો. જ્યાં સુધી એક બોક્સર પરાજિત થઇને બોક્સિંગ કરવાની ના પાડે ત્યાં સુધી મુક્કાબાજી ચાલુ રાખવાની હતી. વળી, વિજેતાને જ તમામ રકમ મળે, એવો નિયમ હતો. બોક્સિંગના ઈતિહાસની એક અત્યંત મુકાબલાભરી અને લોહિયાળ સ્પર્ધાનો એન્ડી બોવેન અને જેક બર્ક વચ્ચે પ્રારંભ થયો.
એક પછી એક રાઉન્ડ ખેલાતા ગયા. ૧૦, ૨૦, ૩૦, ૪૦ રાઉન્ડ, ૫૦ રાઉન્ડ અને છેક ૬૦ રાઉન્ડ ખેલાયા, છતાં એક બોક્સર બીજાને મચક આપતો નહોતો. રાત વીતવા લાગી, પરોઢ થવા આવ્યું, પણ બેમાંથી કોઇ બોક્સર પરાજયનો સ્વીકાર કરતો નહોતો. ૯૦ રાઉન્ડ અને ૧૦૦ રાઉન્ડ થયા. સતત ૭ કલાક અને ૧૯ મિનિટ સુધી આ બોક્સિંગ ચાલી અને ૧૧૧ રાઉન્ડ ખેલાયા હોવા છતાં એકેય બોક્સર પીછેહઠ કરવા તૈયાર નહોતો. છેવટે થાકેલો રેફરી રિંગની વચ્ચે આવ્યો અને નવાઇની વાત એ છે કે સ્પર્ધામાં વિજેતાને તમામ રકમ ન મળી અને બોક્સિંગની આ સૌથી લાંબી સ્પર્ધા કશું ન મેળવવા માટે ખેલાઇ!