મોઢામાં ‘માવો’ અને ‘ગુટકા’ ભરીને પાન-બીડીની લારીએ અને ગલ્લાઓ પર ઊભેલા યુવાનો કોણે નહીં જોયા હોય? મોઢું પૂરું ખૂલે નહીં અને ન સમજાય તેવા શબ્દોમાં કબૂતરની જેમ ‘ઘુ...ઘુ’ કરતા અલક-મલકની વાતો ચાલતી હોય, તમાકુનો કેફ ચડ્યો હોય, અને જાણે ‘સ્વર્ગનું સુખ’ અહીં જ છે તેમ લાગતું હોય!
ગામડાં કે શહેરોમાં એવા મિત્રો મળી જાય અને એવી સંગત બની જાય કે ઘણી વાર તો સાવ નાની ઉંમરે અથવા શાળા-કોલેજમાં જતાં જ મોઢામાં તમાકુ ભરવાની બાળકો, યુવાનોને ટેવ પડી જાય છે. તમાકુનો ગુણ એવો છે કે તે એટલું તો તીવ્ર વ્યસન જમાવી દે છે કે પછી તે છોડવું મુશ્કેલ થઇ જાય છે. પછી તો પૈસાનું પાણી કરવાનું, લારી-ગલ્લે સમય પસાર કરવાનો, આમ-તેમ થૂંકની પિચકારીઓ મારવાની, અને રસ્તા-બગીચા ગંદા કરવાના, આ ધંધો થઇ જાય છે. એ કામ કર્યા સિવાય પછી તો દિવસ પૂરો ન થાય, અને દિવસ શરૂ થતાં જ પહેલી યાદ અને તલપ તો તમાકુ-ગુટકાની જ થાય!
તાજેતરમાં મુંબઇમાં કેન્સરની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં એક દિવસ ગાળવાનો થયો. આખી હોસ્પિટલ જાત જાતના પીડિત દર્દીઓથી એટલી ભરચક હતી કે ઊભા રહેવાની પણ જગ્યા ન હતી. કોઇના નાકમાં તો કોઇના ગળામાં નળી ભરાવેલી હોય. તો વળી કોઇના હોઠ કપાયેલા હોય. આ બધું જોઇને મન વેદનાથી ચિત્કારી ઊઠે કે આટલા બધા લોકોનો કેન્સરે ભરડો લીધો છે? લાચારી અને પારાવાર ચિંતામાં આમ તેમ દોડાદોડ કરતા દર્દીઓ અને તેમના સ્વજનોને જોઇને આપણું મન પણ દુ:ખી દુ:ખી થયા વગર ન જ રહે.
એકવાર વ્યક્તિ આ રોગમાં ફસાય એટલે એ અતિ કષ્ટદાયક અને ખર્ચાળ સારવારના ઊંડા ખાડામાં ગરકાવ થઇ જાય છે.
તેમાં પણ મોઢાના કેન્સરના દર્દીઓ અને તેમના દર્દ ભરેલા દેખાવ જોવા મળ્યા ત્યારે આપણા શહેર-ગામોનું ગલ્લાઓનું આ ર્દશ્ય યાદ આવી ગયું. કેન્સર અનેક પ્રકારના થાય છે, પણ હવે તો એ પુરવાર થયેલી વાત છે કે મોઢાના કેન્સર માટે મોટા ભાગના કિસ્સાઓમાં તમાકુની આદત જ જવાબદાર છે. તેમાં પણ જુદી જુદી જાતના ગુટકાઓમાં તેની અસર તથા કેફ વધારવા માટે જે અનેકવિધ ઘાતક અને તીવ્ર દ્રવ્યો કે ધાતુઓનો ઉપયોગ થાય છે તેના કારણે તો આરોગ્ય અને તંદુરસ્તી પર તેની અસર અતિ ખરાબ થવા લાગી છે. ત્યારે મનમાં પ્રશ્ન ઉઠ્યા વગર ન રહે કે અતિ મૂલ્યવાન જિંદગીને આમ એક વ્યસન કે શોખને ખાતર હોડમાં મૂકવી એ નરી મૂર્ખતા નહીં તો બીજું શું છે?
મહા-મુસીબતે તમાકુ, બીડી-સિગારેટ, ગુટકાઓની જાહેરાતો પર તો હવે સરકારે બંધી લગાવી છે. પરંતુ આ ‘ઉદ્યોગો’ પાસે પોતાની જાહેરાતોના અનેક માર્ગ છે અને એક અથવા બીજા પ્રકારે તેઓ પોતાની ‘પબ્લિસિટી’ કરી જ લે છે! જાહેરાતના આ જમાનામાં અન્યના જીવનના ભોગે પણ જાણે પૈસા બનાવી લેવાની હોડ ચાલી છે!
આજુબાજુનું વાતાવરણ, મિત્રો તથા સંગત, એક અથવા બીજા પ્રકારની જાહેરાતો તથા પ્રલોભનો, આ બધાની કૈંક એવી તો સંમોહન કરતી અસર અને ભૂરકી વળગે છે કે પછી ગમે તેટલી છોડાવવાની મથામણ કરીએ તો પણ આ મિત્રો કે સગાં-સંબંધીઓ તમાકુ-ગુટકા છોડવાની વાત સાંભળવા પણ તૈયાર થતા નથી! અરે, તમાકુ ન છોડવા માટે તેમના પાસે અનેકવિધ દલીલોનો ભંડાર તૈયાર હોય છે! તમાકુની અનેક ખરાબ અસરો જોયા પછી પણ હરેક વ્યસનીઓ તો એવી દલીલ કરે છે, ‘અરે, બધાને કંઇ આવું થોડું થાય છે? ફલાણા ભાઇ તો પંચોતેરના થયા, અને તોયે રોજે મજાના માવા ભરે છે!
અરે દાંત પણ તેમના બધા મજબૂત છે, તમાકુથી તો દાંત સારા થાય! અમે તો આટલા વરસોથી માવો ખાઇએ છીએ. કંઇ થયું નથી. એ તો હવે અમને માવો સદી ગયો! જે થવાનું છે એ તો છેવટે થવાનું જ છે, મરવાનું કોણે નથી!’ પણ અહીંયાં લોકો એક અગત્યની વૈજ્ઞાનિક વાત ભૂલી જાય છે કે એક એક શરીર અને પ્રત્યેક વ્યક્તિ એકબીજાથી સાવ ભિન્ન અને જુદી હોય છે. બધાના શરીરની સૂક્ષ્મ રચના અને પ્રતિકાર શક્તિ અલગ અલગ હોય છે. આજી કોઇ એવો દાખલો મળે જેને તમાકુની આડ-અસર થઇ ન હોય તો તેનાથી કંઇ જ સાબિત થતું નથી.
આનાથી ઉલટું, આજે દુનિયાભરમાં અને વૈજ્ઞાનિક અને તબીબી અભ્યાસો થયા છે જે શંકા વગર પુરવાર કરે છે કે તમાકુ એ મોઢાના કેન્સરો થવા પાછળનું મોટામાં મોટું કારણ છે. તમાકુમાં રહેલું નિકોટીન વ્યસનની ભારે આદત પડે છે. આ નિકોટીન વિશે આજે અનેક અભ્યાસો થઇ ચૂક્યા છે અને શરીરના અનેક અંગોને તે મોટું નુકસાન કરે છે તે સાબિત થઇ ચૂક્યું છે.
ખરેખર તો લોભ એ મોટું પાપ છે, અને તેના કારણે જ ઉદ્યોગો તથા રાજકારણીઓ આજે પણ તમાકુની લોબીવાળાને ભરચક રક્ષણ અને પ્રોત્સાહન આપે છે. આજે તો બધા જ જાણે છે કે ગુટકા કેવા ઝેરી પદાર્થો ધરાવે છે, અને તમાકુ શરીર પર કેવી કેવી ખરાબ અસરો કરે છે. તો પછી ઝેરના પારખાંની જરૂર નહીં અને બનતી તકે વહેલામાં વહેલું આ વ્યસન છોડવું જ સારું. હવે તો તમાકુ છોડનાર માટે અનેક મદદો પણ તૈયાર થઇ છે, એટલે તેમાં સરળતા પણ થાય છે.
આજે તો આ સઘળા તમાકુ-ગુટકાઓ ખાનારને મારે એક જ વિનંતી કરવી છે, પગે પડીને, કે ભાઇ, હવે કોઇ દલીલબાજીમાં પડવું નથી. બસ, મુંબઇની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં (કે નજીકની કોઇ પણ કેન્સર હોસ્પિટલમાં કે પછી હોસ્પિટલના કેન્સર વા‹ર્ડમાં) માત્ર એક જ દિવસ ગાળી આવો, અને નજરે જોઇ લો કે મોઢાનું કે ગળાનું કે ફેફસાંનું કેન્સર એટલે શું, અને તેમ વ્યસનનો આજે ‘આનંદ’ મેળવો છો તેની આટલી ભયાનક કિંમત શું ચૂકવવા જેવી છે? બસ, આ એક નાનકડો ‘પ્રયોગ’ કરી લો, તેમાંથી તમારા પોતાના અવલોકનો તારવો, અને પછી નક્કી કરો કે તમારે હવે આ વિશે શું કરવું છે. મને ખાતરી છે કે ત્યાં ગયા પછી અવશ્ય તમારું વ્યક્તિત્વ કૈંક બદલાશે જ.
જો આ લેખ વાંચીને એક વ્યક્તિ પણ તમાકુ અને ગુટકાની આદત છોડે તો આપણો લખ્યાનો અને તમારો વાંચ્યાનો પરિશ્રમ વસૂલ છે! અને હજુ પણ કંઇ શંકા રહેતી હોય તો ફરી ભલામણ છે કે ખાસ સમય કાઢીને વહેલી તકે ટાટા મેમોરિયલમાં દર્દીઓના ટોળાંઓ અને તેમની દશા જોઇ આવો! પછી તમને તમાકુ છોડવાની કોઇ સલાહની જરૂર નહીં રહે, તમે પોતે જ બીજાને આ સલાહ અને વિનંતી કરતા થઇ જશો!‘