Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Utsav
 

બેસણામાં ટાઇમપાસ: વક્તનો હસીં સિતમ

 
Source: Urvish Kothari   |   Last Updated 7:53 PM [IST](03/07/2010)
 
 
 
 
 

વ્યવહારડાહ્યા લોકો માને છે કે બેસણું કરુણ પ્રસંગ છે. હકીકતમાં, એ કરુણ પ્રસંગની આડપેદાશ છે - ‘કરુણ પ્રસંગ’ નહીં, માત્ર ‘પ્રસંગ’ છે.


દસ-દસ પંચવર્ષીય યોજનાઓ થઇ, પણ તેમાં ‘ના કહેવાય, ના સહેવાય’ એવી અનેક સમસ્યાઓની નોંધ સરખી લેવાઇ નહીં.શું દિલ્હીમાં લોકો મરતા નહીં હોય? શું દિલ્હીમાં બેસણાં/ઉઠમણાં નહીં થતાં હોય? અને થતાં હોય, તો તેમાં માણસો જતા નહીં હોય? અને જતા હોય તો તેમને માનવઅધિકાર માટે ખતરારૂપ એવી, બેસણામાં ટાઇમપાસ કરવાની સમસ્યા નડી નહીં હોય?


પંચવર્ષીય યોજનાઓનો પણ શો વાંક કાઢવો, જયાં સમાજ પોતે બેસણામાં ટાઇમપાસના પ્રશ્નને ‘સમસ્યા’ ગણવા તૈયાર ન હોય. ‘વસ્તીવધારાનો ટાઇમબોમ્બ’ એવા શબ્દપ્રયોગ દ્વારા વસ્તીની સમસ્યાનો સ્વીકાર થયો છે, પણ બેસણામાં ટાઇમપાસના પ્રોબ્લેમને ટાઇમબોમ્બ તો શું, ટાઇમ-સૂરસૂરિયાં જેટલો પણ ગંભીર લેખવામાં આવ્યો નથી.વ્યવહારડાહ્યા લોકો માને છે કે બેસણું કરુણ પ્રસંગ છે. હકીકતમાં, એ કરુણ પ્રસંગની આડપેદાશ છે - ‘કરુણ પ્રસંગ’ નહીં, માત્ર ‘પ્રસંગ’ છે.


ફરક એટલો કે લગ્ન જેવા પ્રસંગોમાં યજમાને આમંત્રિતોને લક્ષ્યમાં રાખીને ભારે આયોજન કરવું પડે છે, જ્યારે બેસણું યોજવા માટે વિશેષ જહેમત લેવાની જરૂર નથી. મંડપની જરૂર બન્ને પ્રસંગે પડી શકે છે, પણ બેસણા માટેની તૈયારી મહિના અગાઉથી ચાલતી નથી, તેમાં નોતરાં દેવાતાં નથી. લગ્નકંકોત્રીઓમાં ‘દર્શનાભિલાષી’ની યાદીમાં સ્વર્ગવાસી વડીલનું નામ સૌથી ઉપર વાંચીને, યજમાન આપણને ક્યાં બોલાવવા ઇચ્છે છે, એવો સવાલ થાય. યજમાન ડોક્ટર હોય તો તેમના ઇરાદા વિશે શંકા પણ જાય. છતાં, એકંદરે કંકોત્રી જીવંતતાથી- અને ઘીસાપીટ્યા શબ્દોથી- છલકાતી હોય છે.


કંકોત્રીઓ લખતી વખતે યજમાનનો હરખ માતો નથી, જ્યારે બેસણા પહેલાં કાળોત્રીઓ લખતી વખતે, મનમાં હરખ ન હોવા છતાં, પ્રસંગસહજ તરવરાટ અને ઉત્તેજના હોય છે, જે દેખાડી શકાતાં નથી. બેસણાના આયોજનમાં મૃતકની તસવીર-ફૂલપાંખડીઓ-પાથરણાં જેવી બે-ચાર પ્રાથમિક બાબતોનું ઘ્યાન રાખી લેવાથી, બેસણાના આયોજકોની ફરજ પૂરી થયેલી ગણાય છે. એનાથી વધારે અપેક્ષા લોકો રાખતા નથી અને અપેક્ષાબહારની તૈયારી થયેલી જણાય, તો તેને સહેલાઇથી પચાવી શકતા નથી.


મિસાઇલની જેમ, બેસણામાં બેસવા આવનારના ત્રણ પ્રકાર હોય છે: લોન્ગ રેન્જ, મીડિયમ રેન્જ અને શોર્ટ રેન્જ. બેસણું રાખનાર અને તેમના પરિવારજનો ‘લોન્ગ રેન્જ’માં આવે. બેસણું શરૂ થાય ત્યારથી બે-ત્રણ કલાકે બેસણું પૂરું થાય, ત્યાં સુધી તેમનું ‘ઊભણું’ થતું નથી. તેમનાં નજીકનાં સગાં, ખાસ મિત્રો અને છેક બહારગામથી બેસણામાં આવેલા લોકો આરંભથી અંત સુધી ન બેસે, તો પણ ઓછામાં ઓછું પા-અડઘો કલાક બેસે છે. કેટલાક બેસે છે. મોટા ભાગનાને બેસવું પડે છે. તેમનો સમાવેશ ‘મીડિયમ રેન્જ’માં થાય.


બાકીના બધા ‘શોર્ટ રેન્જ’માં આવે: સવારે છાપામાં ઓળખીતાના બેસણાની જાહેરખબરો આતુરતાપૂર્વક શોધનારા અને એ મળ્યા પછી હરખભેર તૈયાર થઇને હોંશેહોંશે આવીને સામાજિક પ્રાણી તરીકેના પોતાના અવતારની સાર્થકતા અનુભવનારા; બેસણામાં આવતાં પહેલાં દુકાનેથી શ્રીખંડ કે બાસુંદી લઇને ‘બાસુંદી તાજી હશે કે વાસી?’ એવા વિચારો મનમાં અને ચહેરા પર તુરિયાં-ગલકાંનું શાક ખાવાનું હોય એવો શોક પાથરીને આવનારા; ‘તમે બેસણામાં જવાના? તો ચાલો, હું પણ આવું. હું ક્યારનો વિચારતો હતો કે કંપની મળે તો જઉં’ એ રીતે મોર્નિંગ વોકની માનસિકતાથી આવનારા; ‘આપણે ન જઇએ તો આપણા બેસણામાં કોણ આવશે?’


એવા ડરથી દોરવાઇને ઘરેથી નીકળ્યા પછી, ‘મારા બેસણામાં લોકો ઊમટી પડ્યા છે, મારા ફોટાને ફૂલહાર કરવા માટે ધક્કામુક્કી થઇ રહી છે અને બેસણાને કારણે આખા વિસ્તારનો ટ્રાફિક જામ થઇ જતાં, એરિયાના ટ્રાફિક ઇન્સ્પેકટરને બોલાવવા પડ્યા છે’ એવાં સ્વપ્નાં જોતાંજોતાં બેસણામાં આવનારા; ક્યાં છે રજિસ્ટર? ક્યાં છે હાજરીપત્રક? લો, જોઇ લો મને અને મારી હાજરી પૂરી દો. એટલે હું છૂટો’ એવી રીતે, નોકરિયાત કર્મચારીની ઔપચારિકતાથી ચડ્યે ઘોડે આવનારા...


‘શોર્ટ રેન્જર’ બે-પાંચ મિનિટથી વધારે બેસતા નથી- ‘ટકતા નથી’ એવું તો ન કહેવાય. કારણ કે તેમના મતે, આથી વધારે ટકવાની જરૂર હોતી નથી. સંબંધમાં આત્મીયતા અને બેસણામાં બેસવાની મિનિટનું આખું લોગટેબલ તેમના મનમાં ગોઠવાયેલું હોય છે. ‘શોર્ટ રેન્જર’માંથી ‘હી કેમ, હી સૌ એન્ડ હી કોન્કર્ડ’ કહી શકાય એવા થોડા હોય છે. એવા લોકો બેસણામાં ભલે પાંચ મિનિટ માટે આવે, પણ એટલી વારમાં તેમની છટાના જોરે સમસ્ત ઓડિયન્સ પર છવાઇ જાય છે. આવતાંવેંત ભીડ વરચેની કેડી વાટે તે સડસડાટ છેક આગળ પહોંચે છે, ફોટાને ભાવભીનાં નમન કરે છે, ફૂલપાંદડીઓ ચડાવે છે, ફરી ફ્રેમને હાથ લગાડીને નમન કરે છે, ચહેરા પર કરુણાની ખાડી છલકાવીને મૃતકના પરિવારના ઓળખતા-ન ઓળખતા સૌને હાથ જોડીને ‘જય જય’ કરે છે.


પછી, ‘ઓડિયન્સ ક્યારનું મારા અભિવાદનની રાહ જોઇને બેઠું છે’ એવો ખ્યાલ તેમના મનમાં ઊગતાં, તે ઓડિયન્સ સામે એક નમસ્કાર ફેંકે છે અને પોતાની જગ્યાએ જઇને બેસી જાય છે. તેમની સરખામણીમાં બીજા લોકો ‘હી કેમ, હી સો એન્ડ હી લેફ્ટ’ પ્રકારના કહેવાય. એવા લોકો અર્જુન જેવા હોય છે. સફેદ ઇસ્ત્રીટાઇટ કપડાં પહેરીને બેઠેલા માનવસમુદાય, મૃતકનો મોટો ફોટો, તેની પર લટકતો હાર, અગરબત્તીની ધૂમ્રસેર, સતત પુનરાવર્તિત થઇ રહેલાં ભજન કે શ્લોક, ધીમી ગુસપુસ જેવી એક પણ બાબત ભણી તેમનું ઘ્યાન ભટકતું નથી. તેમને તલાશ છે મૃતકના કોઇ ‘જવાબદાર’ પરિવારજનની, જેની સાથે આંખ મિલાવીને, હાથ જોડીને હાજરી પુરાવી શકાય.


બેસવા આવનાર વ્યક્તિ લોન્ગ, મીડિયમ કે શોર્ટ- ગમે તે રેન્જની હોય, પણ તેને નડતો મૂળભૂત પ્રશ્ન છે: બેસણાનો સમય કેવી રીતે હણવો (કીલ કરવો). નજીકના લોકોને બે કલાક બેસવાનું હોય અને મળવા આવનારાને બે મિનિટ. છતાં, ઔપચારિકતા અને શોકના દેખાવના ભારથી ખદબદતા વાતાવરણમાં, બે મિનિટ બે કલાક જેવી લાગી શકે છે. એકબીજાની સામે જોઇને, બંધ હોઠનું સ્મિત ક્યાં સુધી કરતા રહેવું? એ સમયે, દરેક વ્યક્તિ પોતપોતાની ક્ષમતા, રુચિ અને ઇચ્છા પ્રમાણે અપનાવી શકે, એવા કેટલાક નુસખા:


- ઉંઘ ન આવતી હોય તો મનોમન ધેટાંનો એક વાડો કલ્પીને, તેમાં રહેલાં ધેટાંની ગણતરી કરવાનું સૂચવાતું હોય છે. તેની પરથી પ્રેરણા લઇને, બેસણાના સ્થળે કેટલા માણસો બેઠા હશે, તેની ગણતરી કરી શકાય. વધારે માણસો હોય, ત્યાં આ નુસખો કારગત નીવડી શકે. થોડા માણસો ગણાઇ રહ્યા હોય, ત્યાં નવી અવરજવર થાય એટલે ગણતરીમાં ભૂલ પડે. ફરી ગણવાનું શરૂ કરો, ત્યાં ફરી ભૂલ પડે. એમ કરતાં, તમારો ઊભા થવાનો સમય થઇ જશે.


- બેઠેલી વ્યક્તિઓએ પહેરેલાં કપડાંમાં સફેદ રંગના કેટલા જુદા જુદા શેડ છે તેનો સ્પોટ સર્વે કરી શકાય.


- ટેપ રેકોર્ડરમાં સતત પુનરાવર્તિત થયા કરતો એકનો એક મંત્ર સાંભળીને ત્રાસ ન થાય એ માટે, એક મિનિટમાં એ મંત્રનાં કેટલાં પુનરાવર્તન થશે અને બે કલાકે બેસણું પૂરું થશે ત્યારે આ મંત્ર કેટલી વાર વાગી ચૂક્યો હશે, તેની મનોમન ગણતરી થઇ શકે. તેનો જવાબ મળે, ત્યાં સુધીમાં ‘શોર્ટ રેન્જ’વાળાનો ઊભા થવાનો સમય થઇ જશે.


- મૃતકના પરિવારજનો એક મિનિટમાં કેટલી વાર હાથ જોડીને નમસ્કાર કરે છે, એની ગણતરી દર મિનિટે કરીને તેની સરેરાશ પરથી આખા બેસણામાં તેમને કેટલી વાર હાથ જોડવા પડ્યા હશે, તેનો અંદાજ કાઢી શકાય.


- પોતે બેસી ગયા પછી, આવનાર દરેક જણ કઇ રેન્જનો હશે તેની અટકળ લગાડી શકાય. ‘મીડલ રેન્જ’ના બેસનારા પોતાની કેટલી અટકળ સાચી પડી, તેનો સ્ટ્રાઇક રેટ પણ કાઢી શકે.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 1


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.