૭૦૦ એપિસોડ્સ પછીય હોટ-એન્ડ-હેપનિંગ ગણાતી ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના નિર્માતા આસિત મોદી મળવા જેવા માણસ છે. આ સિરિયલની જન્મકથા તેનાં પ્રોડ્યુસર અને પાત્રો જેટલી જ રસપ્રદ છે.
તારક મહેતાની ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ સફળ હાસ્યશ્રેણી પરથી સિરિયલ બનાવવાનો આસિત મોદી સૌ પ્રથમવાર ગંભીરતાપૂર્વક વિચાર કરે છે, ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ જેવું જબરદસ્ત દમદાર સર્જન હજુ સુધી વણખેડાયેલું અને ટેલીવિઝનના માધ્યમથી જોજનો દૂર રહ્યું છે. તેના પરથી સિરિયલ બનાવવાની કોશિશ કરવી જોઇએ.
બરાબર એક દાયકા પહેલાં, ૨૦૦૧ની એક સાંજે, દુનિયાભરમાં ફેલાયેલા ગુજરાતીઓના આ પ્રિય હાસ્યકાર તારક મહેતાના ઘરે ટેલિફોનની ઘંટડી વાગે છે. શ્રીમતીજી ઇન્દુબહેન રિસીવર ઊંચકે છે.
‘હલો?’
ફોન મુંબઈથી છે. પોતાનું નામ આપીને સામેની વ્યક્તિ કહે છે, ‘મારે તારક મહેતાનું કામ હતું.’
‘મહેતા તો અત્યારે સૂતા છે. બોલો, શું કામ હતું?’
‘હું ટીવી પ્રોડ્યુસર છું. સિરિયલો બનાવું છું. મને ‘દુનિયાના ઊંધા ચશ્માં’માં રસ છે. તેના વિશે જ વાત કરવી હતી.’
‘પણ મહેતા અત્યારે વાત કરી શકે તેમ નથી. એક કામ કરો. તમે એક ફોન નંબર લખી લો અને સિરિયલ વિશે જે કંઈ વાત કરવી હોય તે એ ભાઈ સાથે કરો.’
‘સારું, પણ તમે જેનો નંબર આપી રહ્યા છો તે કોણ છે તે કહી શકશો?’
‘મહેશ વકીલ. ઘરનો જ માણસ છે. તમે નંબર લખો.’
ઇન્દુબહેન મહેશ વકીલનો કોન્ટેકટ નંબર લખાવે છે. તારક મહેતાના અઠંગ ચાહકમાંથી પારિવારિક મિત્ર બની ગયેલા સુરતવાસી બિલ્ડર મહેશ વકીલ. મહેશ વકીલે ખુદ ‘દુનિયાનાં ઊંધા ચશ્માં’ પરથી ટીવી સિરિયલ બનાવવાનું સપનું જોયું હતું અને તે પૂરું કરવાની કોશિશ પણ કરી હતી. વાત પૂરી કરીને પેલી વ્યક્તિ આભાર માને છે. એ ફોન મૂકે તે પહેલાં અચાનક ઇન્દુબહેન પૂછે છે, ‘એક મિનિટ; તમારું નામ શું કહ્યું ભાઈ? સોરી, જરા ફરીથી કહેશો?’
સામેની વ્યક્તિ પાછી પોતાની ઓળખ આપે છે. ઇન્દુબહેન રિસીવર ક્રેડલ પર મૂકે છે અને બાજુમાં પડેલી ડાયરી ઊંચકે છે. પછી પેનનું ઢાંકણું ખોલી ફોન કરનાર માણસનનું નામ અને વિગતો નોંધી લે છે:
આસિત મોદી. નીલા ટેલિફિલ્મ્સ, મુંબઈ.
ઇન્દુબહેનને ખબર નથી કે મહેશ વકીલનું સપનું ભાગ્યવિધાતાએ આસિત મોદી નામના આ માણસની કુંડળીમાં સાકાર કરવાનું નિધાર્યું છે.
ઇન્દુબહેનને એવી કલ્પના પણ ક્યાંથી હોય કે આ એ માણસ છે, જે તારક મહેતાને અને તેમની પાત્રસૃષ્ટિને આખી દુનિયામાં મશહૂર કરી દેવાનો છે!
કહાની આસિત મોદી કી...
કોમડી સિરિયલો બનાવીને આખા દેશને હસાવનારા આસિત હસમુખલાલ મોદીને રુદન સામે કદાચ જન્મજાત વાંધો છે. લિટરલી! એટલે જ ૧૯૬૬ની ૨૪ ડિસેમ્બરે પુણેની એક હોસ્પિટલમાં તેઓ જન્મ્યા ત્યારે સહેજ પણ રડ્યા નહોતા ને! આસિત મોદીના બાળપણનાં શરૂઆતનાં વર્ષો દક્ષિણ મુંબઈના ભૂલેશ્વર વિસ્તારમાં આવેલી ચાલીમાં દસ બાય દસની નાનકડી રૂમમાં વીત્યું.
‘મારા પિતાજી શાંત, સરળ અને બેફિકરા માણસ.’ આસિત મોદી કહે છે, ‘એ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં નોકરી કરતા. કવિતા લખવામાં અને લોકો સાથે સંબંધો બાંધવામાં ને જાળવવામાં એમને ખૂબ રસ પડે. પગાર તો ચોવીસ-પચ્ચીસ તારીખે ખલાસ થઈ જાય. પછી મમ્મી પોતાની રીતે ગાડું ગબડાવે. આમ અમારું સંઘર્ષમય મિડલકલાસ જીવન હતું એમ કહી શકાય. મમ્મીપપ્પાએ જોકે અમને કોઈ વાતે ઓછું આવવા દીધું નથી. અમે ઝાઝું માગ્યું પણ નથી. ચાલીમાં હું નાટકો કરતો, એમાં એક્ટિંગ કરતો, જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આગળ પડતા ભાગ લેતો, એટલે જ તારક મહેતાના ટપુડા સાથે હું મારી જાતને આઇડેન્ટિફાય કરી શકું છું; એને સારી રીતે ઓળખી શકું છું.’
અગિયારમું-બારમું ધોરણ તેમણે અંધેરીમાં આવેલી શ્રી ચિનાઈ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિકસમાંથી કર્યું કોલેજમાંનાં વર્ષોમાં જ એમને નાટકોની લત લાગી ગઈ હતી. આજના પ્રોડ્યુસર આસિત મોદીએ શરૂઆત એક્ટિંગથી કરેલી. થર્ડ યરમાં હતા ત્યારે મિલમજુરોની વ્યથા વ્યક્ત કરતું ‘બંધુઆ’ નામનું હિન્દી નાટક ભજવીને ઇન્ટરકોલેજ કોમ્પિટિશનમાં બેસ્ટ એક્ટર ઘોષિત થયા હતા. કોલેજ પછીનાં વર્ષોમાં થિયેટર જોકે છુટી ગયું હતું.
બેત્રણ જગ્યાઓ રૂટિન નોકરીઓ કર્યા પછી ૧૯૯૧માં આસિત મોદી ટીવી નિમૉત્રી સુશીલા ભાટિયા સાથે જોડાયા. તે પછી જયેશ ચોકસીનું ‘અકિક ચિત્ર’ નામનું પ્રોડક્શન હાઉસ જોઈન કયુઁ અને બે સિરિયલનું માર્કેટિંગ સંભાળ્યું. તે વખતે ‘અકિક ચિત્ર’ એકમાત્ર એવું પ્રોડક્શન હાઉસ હતું, જેની એકસાથે બબ્બે સિરિયલો ઓન એર હોય! અનુભવની સારી એવી સમૃદ્ધિ જમા થઈ ગઈ પછી સમય આવ્યો મુકત ઉડ્ડયન કરવાનો.
‘હમ સબ એક હૈ’ આસિત મોદીએ સ્વતંત્ર નિર્માતા તરીકે પ્રોડ્યુસ કરેલી પહેલી સિરિયલ. એક સંયુક્ત પરિવારમાં અલગ અલગ ત્રણ ભાષા બોલતી વહુઓની વાત હતી. ફેમિલીના વડા તરીકે જતીન કાણકિયાને કાસ્ટ કરવામાં આવ્યા હતા. તેમના ત્રણ દીકરાઓના રોલમાં રાકેશ બેદી, દિલીપ જોશી અને દેવેન ભોજાણીને લેવામાં આવ્યા હતા. પંજાબી, બંગાળી અને ગુજરાતી પુત્રવધૂની ભૂમિકા કરી અનુક્રમે ડોલી બિન્દ્રા, મોહિની અને ડિમ્પલ શાહે. કોલેજકાળના પોતાના સિનિયર રહી ચૂકેલા દિલીપ જોશી સાથે આસિત મોદીનો એક્ટર-પ્રોડ્યુસરનો સંબંધ બંધાયો.
૧૯૯૪માં લોન્ચ થયેલી અને લાગલગાટ ત્રણ વર્ષ ચાલેલી ‘હમ સબ એક હૈં’ સિરિયલ ખૂબ જોવાઈ અને ખાસ્સી વખણાઈ. એક જ પરિવેશમાં જુદી જુદી ભાષા, રીતરિવાજ અને રહેણીકરણી ધરાવતા લોકોનું સહઅસ્તિત્વ, તેમની વચ્ચે રચાતો પ્રેમનો સેતુ, તેમની વચ્ચે થતી નોંકઝોંક અને તેમાંથી નિષ્પન્ન થતું રમૂજ. સહેજ પણ દંશ વગરની આ સરળ હ્યુમરમાં એટલી નિર્દોષતા અને અપીલ રહેતી કે પરિવારના જુદાં જુદાં વયજુથના તમામ સભ્યો તેને સાથે બેસીને માણી શકતા હતા. સફળતાની આ એ રેસિપી આવનારાં વર્ષોમાં આસિત મોદીની સિગ્નેચર ફોમ્યુંલા બની જવાની હતી!
આ રીતે રોપાયું સિરિયલનું બીજ! ‘હમ સબ એક હૈં’ માટે જતીન કાણકિયાનો અપ્રોચ કરવામાં આવેલા ત્યારે તેમણે આસિત મોદીને જણાવેલું, ‘આસિત, મને સુરતના એક પ્રોડ્યુસર તરફથી ઓફર આવી હતી. મહેશ વકીલ એમનું નામ. મજાના માણસ છે. તારક મહેતાના ટપુડા પરથી ‘લો કર લો બાત!’ નામની સિરિયલ બનાવવા માગે છે. મને જેઠાલાલનો રોલ ઓફર થયો, જે મેં સ્વીકારી લીધો છે. હજુ તો જોકે પાઇલટ સહિતના ત્રણ એપિસોડ માંડ શૂટ થયા છે. સિરિયલ હજુ અપ્રૂવ થઈ નથી. એ લોકો અત્યારે ચેનલો સાથે માથાકૂટમાં જ પડ્યા છે.’
‘હમ સબ એક હૈં’નું શૂટિંગ શરૂ થયું. જતીન કાણકિયા સાથે દોસ્તી એટલે ‘લો કર લો બાત!’ના સ્ટેટસ વિશ આસિત મોદીને અપડેટ મળતી રહે. ‘સોની’ ચેનલ સાથે વાત આગળ વધી રહી છે એવી માહિતી મળી અને ત્યાર બાદ વાત પાછી અટકી પડી છે તેવા સમાચાર પણ મળ્યા. જતીન કાણકિયાએ એક દિવસ આસિત મોદીને કહ્યું, ‘ મહેશભાઈ બહુ સારા માણસ છે, પણ કોણ જાણે કેમ ચેનલ સાથે કમ્યુનિકેશન પ્રોબ્લેમ થઈ રહ્યા છે. એ સુરત બેઝ્ડ છે એટલે કદાચ આમ થતું હશે. આસિત, ‘લો કર લો બાત!’ એકચ્યુઅલી તારે ટેક-ઓવર કરી લેવી જોઈએ. તું મુંબઈમાં છો, અનુભવી છો, તું આખા મામલાને સારી રીતે હેન્ડલ કરી શકીશ.’
૧૯૯૯માં જતીન કાણકિયાનું અણધાયુઁ અવસાન થઈ ગયું, પણ ત્યાં સુધીમાં આસિત મોદીના દિમાગમાં તારક મહેતાની હાસ્યલેખમાળા ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ પરથી સિરિયલ બનાવી શકાય એવા આઇડિયાનું બીજ અભાનપણે રોપાઈ ગયું હતું! ૨૦૦૦ની સાલમાં ‘સોની’ ચેનલે આસિત મોદીને નવી સિરિયલ બનાવવાની ઓફર મૂકી અને આ રીતે ‘યે દુનિયા હૈ રંગીન’ સિરિયલ બની. આ સિરિયલમાં એક રેસિડેન્શિયલ કોલોની છે, જેમાં જુદી જુદી ભાષા બોલતા અને રીતરિવાજ પાળતા અનેક પરિવારો વસે છે.
અહીં પણ જુદા જુદા કિરદારો વચ્ચે દોસ્તી થાય છે, ઝઘડા થાય છે અને તેમાંથી રમૂજ ફૂટતી રહે છે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની જેમ જ. સ્વરૂપ અને કન્ટેન્ટની દ્રષ્ટિએ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ને જો નવલકથા કહીએ તો ‘યે દુનિયા હૈ રંગીન’ તેની પ્રસ્તાવના સમાન હતી. ‘ફ્રેન્કલી સ્પીકિંગ, ‘યે દુનિયા હૈ રંગીન’ની પ્રેરણા મને ‘દુનિયાને ઊંધાં ચશ્માં’માંથી મળી હતી,’ આસિત મોદી સ્વીકારે છે, ‘એમાં જોકે ટપુ ન હતો. સિરિયલ ઘણી જુદી હતી, પણ તેના પર ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ની અસર જરૂર હતી.’
‘યે દુનિયા હૈ રંગીન’ સિરિયલ એક વર્ષ ચાલી, પણ તે પછી બાલાજી ટેલિફિલ્મ્સની ‘કયોંકિ સાસ ભી કભી બહૂ થી’ની ગજબનાક સફળતાએ સાસ-બહૂ સિરિયલ્સનો જબરદસ્ત ટ્રેન્ડ જન્માવી દીધો અને કોમેડી સિરિયલોનો લગભગ એકડો નીકળી ગયો! ...અને આ તબક્કે આસિત મોદી તારક મહેતાની ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ સફળ હાસ્યશ્રેણી પરથી સિરિયલ બનાવવાનો સૌથી પહેલી વાર ગંભીરતાપૂર્વક વિચાર કરે છે, ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ જેવું જબરદસ્ત દમદાર સર્જન હજુ સુધી વણખેડાયેલું અને ટેલિવિઝનના માધ્યમથી જોજનો દૂર રહ્યું છે. તેના પરથી સિરિયલ બનાવવાની એક વાર કોશિશ થઈ હતી, પણ તે સફળ ન થઈ , પણ હવે હું આના પરથી સિરિયલ બનાવવાની કોશિશ કેમ ન કરી શકું?’
સિરિયલનું સગપણ અને ચેનલોનું ચલકચલાણું ‘ફ્રેન્કલી સ્પીકિંગ, હું તારક મહેતાને પહેલી વાર મળવા અમદાવાદ જવા રવાના થયો ત્યારે અંદરથી બિલકુલ પોઝિટિવ નહોતો.’ આસિત મોદી કહે છે, ‘પણ અંદરખાને હું જેટલો અસ્થિર હતો તેટલાં જ તારકભાઈ, મહેશભાઈ અને ઇન્દુબહેન સ્વસ્થ હતાં.’ પણ ધીમે ધીમે આસિત મોદીની આશંકા અને ડર ઓગળવા માંડ્યાં. તારક મહેતાનું વ્યક્તિત્વ જ એટલું હૂંફાળું અને હળવુંફૂલ છે કે સામેની વ્યક્તિને તેનો ચેપ લાગ્યા વગર રહે જ નહીં. આસિત મોદી ધીરે ધીરે ખૂલવા લાગ્યા. ઘણી વાતો થઈ. મિટિંગ સરસ રીતે આગળ વધી રહી હતી.
તારક મહેતા, ઇન્દુબહેન અને મહેશ વકીલ ત્રણેયને એક વાતની પ્રતીતિ એકસાથે થઈ રહી હતી : આ માણસ છે તો જેન્યુઇન અને ડાઉન-ટુ-અર્થ. ગ્લેમરની દુનિયામાં આટલાં વર્ષોથી છે, પણ એનામાં છીછરાપણું પ્રવેશ્યું લાગતું નથી. એની સાથે સંધાન થઈ શકે છે. સૌથી મહત્વનું તો એ કે ‘દુનિયાને ઊંધાં ચશ્માં’નાં પાત્રોનો એ પ્રેમી છે. આ પાત્રસૃષ્ટિનું મૂલ્ય તે સમજે છે. થોડા સમય પછી બીજી મિટિંગમાં ટર્મ્સ અને કન્ડિશન્સ નક્કી થયાં. આસિત મોદીએ એ જ વખતે તારક મહેતાને ટોકન સુપરત કરીને કહ્યું, ‘આ સિરિયલ ક્યારે ઓન એર થશે તેના વિશે આ ઘડીએ મને કશી ખબર નથી, પણ વર્ષ દોઢવર્ષ રાહ જોવી પડશે.’
મહેતાસાહેબ પરિવારના વરિષ્ઠ સદસ્યની માફક સ્થિર હતા. મહેશ વકીલની માનસિક અવસ્થા સગાઈ થયેલી કન્યાના જવાબદાર મોટા ભાઈ જેવી હતી. ઠેકાણું તો સારું મળ્યું છે, પણ બધું બરાબર તો થશે ને? ઇન્દુબહેન વિચારી રહ્યાં હતાં, ‘એ તો નીવડ્યા વખાણ... અને આસિત મોદી આનંદ અને ઉચાટ બન્ને એકસાથે અનુભવી રહ્યા હતા. આ તો માત્ર સગાઈ થઈ હતી. સગાઈ અને લગ્ન વચ્ચેનું લાંબું અંતર કાપવાનું હજુ બાકી હતું!
‘દુનિયાને ઊંધાં ચશ્માં’ લેખમાળાના સ્વરૂપાંતરણ વિશેની માનસિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન આસિત મોદીને ‘સોની’ ટેલિવિઝન તરફથી ફરી સિરિયલ બનાવવાની ઓફર મળી. આ સિરિયલ એટલે ‘મેરી બીવી વંડરફુલ’. આમ, નીલા ટેલિફિલ્મ્સની લાગલગાટ ત્રીજી વીકલી સિરિયલ ‘સોની’ પર ટેલિકાસ્ટ થઈ, જે ૨૦૦૩માં પૂરી થઈ. બસ, હવે ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ને ટીવી પર અવતારવાનો વારો આવી ગયો હતો, પણ તે પહેલાં નીલા ટેલિફિલ્મ્સની ઓર એક સિરિયલે ઓવરટેક કયુઁ. સ્ટાર પ્લસ પર સપ્ટેમ્બર ૨૦૦૪માં આફ્ટરનૂન સ્લોટમાં ‘સારથિ’નું ટેલિકાસ્ટ શરૂ થયું.
અલબત્ત, ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ માટે ચેનલોના સાહેબો સામે પ્રેઝન્ટેશન આપવાની કવાયત તો ક્યારની પૂરજોશમાં ચાલી રહી હતી. ‘સોની’, ‘સબ’, ‘ડિઝની’ , ‘નાઇન એક્સ’, ‘સહારા’, ‘સ્ટાર વન’ ચેનલ... વાત ક્યાંય જામતી નહોતી. ૨૦૦૧ના ઉત્તરાર્ધમાં તારક મહેતા સાથે પહેલી વાર મુલાકાત થઈ હતી અને ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના અધિકારો મેળવ્યા પછી સાતેક જેટલી ચેનલો વચ્ચે નોન-સ્ટોપ ચલકચલાણું રમાયું, કેટકેટલાં પ્રેઝન્ટેશન્સ થયાં, ગણી ગણાય નહીં એટલી મિટિંગ્સ યોજાઈ. હાસ્ય લેખમાળાના અધિકારોથી શરૂ થઈને ચેનલના અપ્રૂવલ સુધીની સફર સાત સાત વર્ષ સુધી લંબાઈ જશે એવી તો કલ્પનાય ક્યાંથી હોય? આખરે ૨૦૦૮માં સબ ટીવીએ ગ્રીન સિગ્નલ દેખાડ્યું.
ફિલ્મસિટીમાં ગોકુલધામ સોસાયટીનો ભવ્ય સેટ ઊભો થાય છે. ઇન્ટીરિયરનાં દ્રશ્યો માટે કાંદિવલીની એક સ્કૂલના આખા ફ્લોર પર સેટ તૈયાર કરવામાં આવે છે. શુટિંગ પૂરજોશમાં શરૂ થાય છે. છ એપિસોડ્સ એડિટ થઈને રેડી થાય છે ત્યાં સુધીમાં તો સિરિયલ ટેલિકાસ્ટ થવાનો દિવસ આવી જાય છે : ૨૮ જુલાઈ ૨૦૦૮, સોમવાર.
‘ઊંધાં ચશ્માં’ પર કલંક?
‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’નો પહેલો જ એપિસોડ એક ડ્રીમ સિક્વન્સથી શરૂ થાય છે. જેઠાલાલ કઠેડામાં ખડા છે અને વિરુદ્ધ છાવણીમાં આખી સોસાયટી છે. ટપૂડાની હાસ્યલેખમાળાથી પરિચિત મોટા ભાગના ગુજરાતી ઓડિયન્સને આંચકો લાગે છે. આ ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ છે? પાઉડર ગલીના માળાને બદલે આ બધા કોર્ટમાં શું કરે છે? તારક મહેતા તોફાની ટપુડા વિશે કેટલું બધું લખે છે, પણ સિરિયલમાં બાળકો તો દેખાતાં જ નથી. ગુજરાતી વર્ગ પહેલા એપિસોડ સાથે સંધાન કરી શકતો નથી. નોન-ગુજરાતી દર્શકો પાસે સરખામણી કરવા માટે લેખમાળાનો સંદર્ભ નથી તે ખરેખર તો સારું છે. તેમના માટે આ તમામ પાત્રો તદ્દન નવાં છે, પણ પહેલો એપિસોડ નિષ્પ્રાણ પુરવાર થાય છે.
પહેલા અઠવાડિયાના ચાર એપિસોડ પછી કહેવાતા મિત્રો અને હિતશત્રુઓ મૂછમાં મલકીને ચુકાદો આપી દે છે : સિરિયલમાં દમ નથી. જોઈએ, કેટલી ચાલે છે!
ઓડિયન્સ તરફથી મિશ્ર પ્રતિભાવ મળી રહ્યા છે. આ મિશ્રણમાં જોકે સારા પ્રતિભાવ કરતાં ખરાબ પ્રતિભાવનું પ્રમાણ વધારે છે. આસિત મોદી નેગેટિવ ફીડબેક પછી પણ શાંત છે. તેમણે આવી જ અપેક્ષા રાખી હતી. ‘તારક મહેતા...’ની ક્રિયેટિવ ટીમ વચ્ચે સતત ચર્ચા થયા કરે છે. જેઠાલાલનું કિરદાર નિભાવી રહેલા દિલીપ જોશી એક્ટર હોવા ઉપરાંત હાર્ડકોર વ્યૂઅર પણ છે. તેઓ સ્પષ્ટપણે કહે છે, ‘તારક મહેતાને વાંચવાની જે મજા આવે છે તે એપિસોડ્સ જોઈને નથી જ આવતી.’
જો દિલીપ જોશીને ખુદને આવી લાગણી થતી હોય તો વર્ષોથી વાંચતા અને તેનાં પાત્રોને ભરપૂર પ્રેમ કરનારાઓની મન:સ્થિતિ કેવી હશે? જે ચાહકોને પોતે દાયકાઓથી પોસ્યા છે અને જેમનો અપાર પ્રેમ સતત મળતો રહ્યો છે તેમની નારાજગી તારક મહેતાને અસ્વસ્થ કરી મૂકે છે. રોષે ભરાયેલો એક ચાહક તો હદ કરી નાખે છે. તે કાગળમાં લખે છે, ‘સબ ટીવીએ શરૂ કરેલી આ સિરિયલ તો ‘દુનિયાને ઊંધા ચશ્માં’ પર કલંક સમાન છે.’ તારક મહેતાને લાગે છે કે જાતી જિંદગીએ ટપુડો મને બદનામ ન કરી નાખે તો સારું.
ટર્નિંગ પોઇન્ટ કોઈ પણ પ્રોડ્યુસરને વિચલિત કરી દે તેવી આકરી આ ટિપ્પણી છે. આસિત મોદી અસ્થિર થતા નથી. તેમણે નિર્માતા તરીકે પોતાનો પોઝિટિવ એટિટ્યૂડ અને આત્મવિશ્વાસ અકબંધ રાખ્યાં છે. દસેય દિશાઓમાંથી મળી રહેલા એકેએક પ્રતિક્રિયામાંથી એ અને તેમની ટીમ કંઈક ને કંઈક શીખી રહ્યાં છે.
લોકોને કેમ આવું લાગે છે? એવી કઈ ભૂલો છે જે આપણા ધ્યાન બહાર રહી ગઈ હતી? આસિત મોદી અનુભવે સમજ્યા છે કે કોઈ પણ સિરિયલ લોન્ચ થતાંની સાથે રાતોરાત હિટ થઈ જતી નથી, તેને સ્વીકૃતિના સ્તર સુધી પહોંચવામાં થોડો સમય તો લાગે છે. તેમને લાગે છે કે તારકભાઈની મૂળ વસ્તુમાં ભરપૂર હ્યુમર છે, તેથી સિરિયલમાં હ્યુમર આવવું તો જોઈએ જ. સિરિયલમાં માહોલને મોડનૉઇઝ કરીએ કે ગમે તે કરીએ, ઓડિયન્સને હસવું આવે તે અગત્યનું છે. એક વાર હાસ્યનું આવરણ ‘ક્રેક’ થઈ જાય એટલે ગંગા નાહ્યા, પછી બીજું બધું તો મેનેજેબલ છે.
... અને હાસ્યનું કપરું આવરણ ‘ક્રેક’ થાય છે ચંપકલાલની એન્ટ્રીથી. ચંપકલાલના મુંબઈગમનનો વાર્તાપ્રવાહ સરસ રીતે ડિફાઇન થયેલો છે. આ સિક્વન્સમાં બે મહત્વનાં એલિમેન્ટ્સ પણ ઇન્ટ્રોડ્યુસ થયાં છે જે બહુ નજીકના ભવિષ્યમાં હિટ આઇટમ બની જવાનાં છે - દયાનું ‘હે મા... માતાજી!’ અને તેની ગરબા કરવાની અજબ શૈલી. ટૂંકમાં, ચંપકલાલની એન્ટ્રીવાળા એપિસોડ્સમાં હ્યુમરનો નિશ્વિત સૂર પકડાયો છે.
યેસ્સ... ધિસ ઇઝ ઇટ! તો આપણે આ રીતે વાર્તા કહેવાની છે! આસિત મોદી અને તેમની ક્રિયેટિવ ટીમની આંખ સામેનાં અસ્પષ્ટતાનાં વાદળ હટવાની શરૂઆત થઈ ચૂકી છે. ૨૩ ઓગસ્ટ, ૨૦૦૮. આ તારીખે જન્માષ્ટમી છે. જનમાષ્ટમીવાળો એપિસોડ ટીવી પર ટેલિકાસ્ટ થયા પછી આસિત મોદી તારકભાઈનો અભિપ્રાય માગે છે.‘એપિસોડ ખરેખર સારો હતો, આસિત.’ તારક મહેતા કહે છે, ‘લેડીઝ લોકો મટકી ફોડે છે અને એ બધું જોવાની મજા આવે એવું હતું, પણ બધો મસાલો એકમાં જ કેમ વાપરી નાખ્યો?’
‘એટલે? હું સમજ્યો નહીં તારકભાઈ.’
‘એટલે એમ કે તારી પાસે સારો વિષય હતો, સારું મટીરિયલ હતું તો તે બધું એક જ એપિસોડમાં કેમ વણી લીધું? પ્રસંગોને વધારે બહેલાવીને એકને બદલે બે એપિસોડ કર્યા હોત તો વધારે મજા આવત.’ તારકભાઈએ સાવ સીધાસાદા શબ્દોમાં સો ટચના સોના જેવી વાત કહી દીધી છે. વાર્તા ઉતાવળે કહી દેવાની ન હોય, તેને બહેલાવવાની હોય, વધારે એક્સાઇટિંગ બનાવવાની હોય.
રમૂજનો ખજાનો એક્સામટો ખુલ્લો નહીં મૂકી દેવાનો, બલકે તેને હળવે હળવે ખર્ચવાનો. વાર્તા ભલે ખેંચાય, પણ સ્ક્રીનપ્લે પર વધારે મહેનત કરવાની, તેને વધારે એક્સાઇટિંગ બનાવવાનો! ચંપકલાલની એન્ટ્રીવાળી સિક્વન્સથી વાર્તાને રમૂજી રીતે શી રીતે કહેવી તેની રીત સમજાઈ હતી. આજે તારકભાઈની વાત સાંભળીને વાર્તાને કેવી રીતે બહેલાવવી તે સમજાયું! એ જ વખતે ‘સોની’ ટેલિઝિનના વડા એન. પી. સિંહનો એસએમએસ આવે છે : સુપર્બ જન્માષ્ટમી એપિસોડ; વેલ ડન.
સિંહસાહેબ જેન્યુઇન માણસ છે, તેઓ ક્યારેય કશુંય અમસ્તા કે કહેવા ખાતર નહીં કહે. પહેલા તારકભાઈના સ્વીકૃતિભર્યા શબ્દો અને હવે એન. પી. સિંહનો આવો ઉત્સાહજનક મેસેજ. જાણે પોતે પરીક્ષામાં પાસ થઈ ગયા હોય તેવી નક્કર લાગણી આસિત મોદીના મસ્તિષ્કમાં જાગે છે. જી હાં, પપ્પુ શાયદ પાસ હો ગયા. સિરિયલ લોન્ચ થઈ તેના એક મહિના પછી, ફાયનલી!
શાનદાર શતક : સ્ટાર્સ આર બોર્ન!
૫ ફેબ્રુઆરી ૨૦૦૯. સ્થળ - ક્લબ મિલેનિયમ, જુહુ. અવસર છે, ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ના ૧૦૦ એપિસોડ્સનું ગ્રાન્ડ સેલબ્રિશન.
સિરિયલનો સૌથી પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો ત્યારે આ જ રીતે સેલિબ્રશન થયું હતું અને સૌએ સાથે મળીને અવસર ઊજવ્યો હતો. તે વખતે, ખેર, ઉમંગની સાથે ઉચાટ પણ હતો, પણ આજની ભાવસ્થિતિ જુદી છે. આજે ઉચાટનું સ્થાન આત્મવિશ્વાસે લઈ લીધું છે. આંખોની ચમક વધી છે. સ્મિત વધારે પહોળાં થયાં છે.
ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના કેટલાય જાણીતા ચહેરા આમતેમ ઘૂમી રહ્યા છે, હસીને વાતો કરી રહ્યા છે, ધ્રુજારીદાર સંગીતના તાલે ઝૂમી રહ્યા છે. મીડિયા તેના રસાલા સાથે ઉપસ્થિત છે. ચારે બાજુ ફ્લેશ લાઇટ્સની છાકમછોળ છે. ‘તારક મહેતા....’ના આર્ટિસ્ટો આજે જુદી રીતે કેમેરાનો સામનો કરી રહ્યા છે. સામે માઇક લઈને ઊભેલા ટીવી રિપોર્ટરો સાથે વાત કરવામાં તેમને મોજ પડી રહી છે.
તારક મહેતા પોતાના વરિષ્ઠ પત્રકાર મિત્ર કાન્તિ ભટ્ટ સાથે સોફા પર બિરાજીને સંતુષ્ટ નજરે માહોલને નિહાળી રહ્યા છે. મહેમાનો સાથે હળતીભળતી વખતે અને મીડિયા સાથે વાતો કરતી વખતે પણ આસિત મોદીનું ધ્યાન તારક મહેતા પરથી હટતું નથી. તેઓ જુએ છે કે તારક મહેતા ખુશ છે. આ જ તો સૌથી મોટી સફળતા છે.
એક ઉજવણી તો રંગેચંગે પાર પડી. હજુ બીજી ઉજવણી બાકી છે. આસિત મોદીને ઇન્દુબહેનનો ફોન આવે છે, ‘મહેતાનો ૮૦મો જન્મદિવસ આવી રહ્યો છે. આ નિમિત્તે મહેતાનાં ૮૦ પુસ્તકો એકસાથે બહાર પડવાનાં છે. અમેરિકાથી ઈશાની અને ચંદ્ર (દીકરી-જમાઈ) પણ આવી રહ્યાં છે. વિમોચન નરેન્દ્ર મોદીના હાથે થશે, જો બધું શેડ્યૂલ બરાબર ગોઠવાશે તો. આસિત, મને લાગે છે કે આ પ્રસંગ આપણે યાદગાર બનાવવો જોઈએ. તમે સિરિયલની ટીમ લઈને અમદાવાદ આવો તો કેવું?’
ઉત્તમ!
સુપર સક્સેસફુલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ સિરિયલ હવે તો ૭૦૦ એપિસોડ્સનો આંકડો વટાવી ચૂકી છે અને હજુય પહેલાં જેટલી જ હોટ-એન્ડ-હેપનિંગ છે. સફળતા તો ઘણી સિરિયલોને મળે છે, પણ ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ને મળ્યો છે એવો જનતાનો ચિક્કાર પ્રેમ બહુ ઓછી સિરિયલના નસીબમાં લખાયેલો હોય છે.
(ટૂંક સમયમાં પ્રકાશિત થનારા લેખકના ‘ઊંધાં ચશ્માંથી ઉલટા ચશ્મા’ પુસ્તકમાંથી)
શિશિર રામાવત