નવી દિલ્હીમાં તાજેતરમાં યોજાઈ ગયેલ ઓટો એક્સ્પો સંપન્ન થવાની સાથે જ નવી ટેક્નોલોજીવાળી કારો બજારમાં આવવાના એંધાણ વર્તાવા લાગ્યા છે. આમ પણ કાર ટેક્નોલોજીમાં જેટલાં ઝડપી પરિવર્તનો આવી રહ્યાં છે તેટલાં ભાગ્યે જ બીજી કોઈ ઈન્ડસ્ટ્રીમાં આવતાં હશે. નવી કારના રિસર્ચનું ફોકસ શું છે? તેની એક ઝલક...
હવે એ જમાનો ગયો, જ્યારે કાર ધુમાડો કાઢતી ભારે ભરખમ મશીન હતી. આજે નવી ટેક્નોલોજીએ કારોની સિકલ ફેરવી નાખી છે. પહેલાં લોંગ ડ્રાઈવ પર જવું એટલે માથાના દુખાવા સમાન હતું, જ્યારે આજે રિલેકસ થઈને લોંગ ડ્રાઈવ પર જવાનું પસંદ કરવા લાગ્યા છે. આવું શક્ય બન્યું, કારમાં આવેલી નવી ટેક્નોલોજીને લીધે. હજુ તો એક-બે દાયકા પહેલાં જ કારો ચાર ગિયરની હતી અને પાંચ ગિયરની રફતારવાળી કારને બહુ આગળની ટેક્નોલોજી માનવામાં આવતી હતી.
તેવી જ રીતે સામાન્ય સ્ટિયરિંગવાળી કારોમાં વળાંક લેતા ડ્રાઈવરને પરસેવો છુટી જતો હતો, જ્યારે આજે પાવર સ્ટિયરિંગે એ વાત ભૂતકાળ બનાવી દીધી છે. હેડલાઈટથી લઈને કારનું એન્જિન તથા ઈગ્નિશનથી લઈને કારના વજન બાબતે કારમાં મોટા પાયે પરિવર્તનો આવી રહ્યા છે. માત્ર આપણા દેશમાં જ નહીં, દુનિયાભરમાં છેલ્લા દશકામાં ભારે ઓટો ક્રાંતિ આવી છે.
હવે દુનિયાની તમામ કાર કંપનીઓ દર વર્ષે નવા-નવા મોડેલ બહાર પાડી રહી છે. તેના કારણે જ મોટા શહેરોમાં યોજાતા ઓટો એક્સ્પો આકર્ષણનું કેન્દ્ર બને છે. સારી બાબત એ છે કે ટેક્નોલોજીના જે ચમત્કાર પહેલાં લકઝરી કારોમાં જોવા મળતા હતા તે હવે મધ્યમ દરજજાની કારમાં પણ જોવા મળી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના એક-એક ટીપાનો યોગ્ય ઉપયોગ, ઓછામાં ઓછું પ્રદૂષણ તથા સેફ્ટી સિસ્ટમ સંદર્ભે અનેક પ્રયોગો થઈ રહ્યા છે. ડ્રાઈવિંગ વધુ સુગમ કરવા માટે પણ પ્રયોગો થઈ રહ્યા છે. ચાલો જોઈએ કે ભવિષ્યની કાર કેવી હશે?
સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ ટ્રાફિક સિગ્નલ ની રેડલાઈટ પાસે આપોઆપ બંધ થઈ જશે
ટ્રાફિક સિગ્નલ પર રેડલાઈટ હોય અને કાર ઊભી રાખો ત્યારે તમને એન્જિન સ્ટોપ કરવાની ભલામણ કરવામાં આવે છે, જેથી ઈંધણનો બચાવ થાય. ભવિષ્યમાં આ કામ કાર પોતે કરશે. સ્માર્ટ સ્ટોપ સિસ્ટમ તમારી કારને રેડલાઈટ પાસે આપોઆપ બંધ કરી દેશે. ગેસ અને બેટરીથી ચાલતી કારમાં પણ આ સિસ્ટમ ઉપયોગમાં લેવાશે. બીએમડબલ્યુ, ફોર્ડ કંપનીએ આ વર્ષથી જ આ સિસ્ટમનો અમલ કરવાની જાહેરાત કરવાની છે. આ સિસ્ટમથી ૧૦ ટકા ઈંધણ બચશે તેવો કંપની દાવો કરી રહી છે. આ સિસ્ટમ બહુ જલદી કારનું નિયમિત ફીચર બની શકે તેમ છે. એક અંદાજ મુજબ ૨૦૧૭ સુધીમાં દુનિયાભરમાં વેચાણ માટે મુકાનારી ૨.૫ કરોડ કારમાં આ સિસ્ટમ લાગેલી હશે.
લેસર કિરણોના ઉપયોગ મેડિકલ ક્ષેત્રે થતો હોવાની વાતો આપણે સાંભળતા આવ્યા છીએ અથવા તો સાયન્સ ફિકશનમાં વાંચીએ છીએ કે ફિલ્મોમાં જોઈએ છીએ, પરંતુ હવે કાર કંપનીઓ લેસર કિરણોનો ઉપયોગ કારની હેટલાઈટમાં કરવા જઈ રહી છે. આવી કાર કંપનીઓમાં બીએમડબલ્યુ અને મર્સિડિઝ અગ્રણી છે. આના લીધે ડ્રાઈવિંગ દરમિયાન અંધારામાં લાંબા અંતર સુધી જોવાનું શક્ય બનશે, જેથી સંભવિત અકસ્માતો ટાળી શકાશે. જોકે આ સિસ્ટમનો અમલ કરવામાં થોડાં વર્ષ જશે. જોકે થોડા વર્ષોથી લકઝરી કારોમાં એલઈડી લેમ્પ (લાઈટ ઈમિટિંગ ડાયોડ) અને બ્રેક લાઈટોનો પ્રયોગ શરૂ થયો છે. હવે આ પ્રયોગ બીજી ઘણી કારોમાં શરૂ થવાનો છે અને હેડલાઈટમાં પણ તેનો ઉપયોગ થશે.
સેફ્ટી સિસ્ટમ
કારને તેની લાઈનથી ભટકવા નહીં દે
સુરક્ષિત ડ્રાઈવિંગની સુવિધા માટે ડ્રાઉસી ડ્રાઈવર મોનિટિંરગ, લેન ડિપાર્ચર વોર્નિગ તથા લેન કીપિંગ આસિસ્ટ જેવી ટેક્નિક વિકસાવવામાં આવી છે, આ સિસ્ટમ જે કાર તેની લાઈનથી બહાર થશે તો વાઈબ્રેશન દ્વારા ડ્રાઈવરને એલર્ટ કરી દે છે. આ સિસ્ટમમાં વિન્ડશિલ્ડમાં એક કેમેરો લાગેલો હશે, જે ૪૦ કિમીથી વધુ ઝડપ કાર પકડે ત્યારે તેની લાઈન પર નજર રાખશે, જેવી કાર સિગ્નલ આપ્યા વગર લાઈન બદલશે કે તરત કારની સિસ્ટમ ડ્રાઈવરને એલર્ટ સિગ્નલ આપશે. આ સિસ્ટમનો ઉપયોગ સામાન્ય રીતે મર્સિડિઝ બેન્ઝ, લેકસસ તથા ઈનફિનિટી જેવી કાર ઉત્પાદક કંપનીઓ દ્વારા લકઝરી કારોમાં જ થાય છે. મધ્યમ કિંમતની ફેમિલી કારો હજુ સુધી આ સિસ્ટમથી વંચિત છે. સિસ્ટમની કિંમતને લીધે સામાન્ય કારોમાં આ સિસ્ટમ આવતા હજુ થોડો સમય લાગશે.
સિટી સેફ્ટી સિસ્ટમ
સંભવિત અકસ્માતથી આપોઆપ બચાવી લેશે આ સિસ્ટમ
સિટી સેફ્ટી સિસ્ટમ નામથી ઓળખાતી આ ટેક્નોલોજી અમેરિકામાં વોલ્વો કંપની દ્વારા તેમની કારનાં ઘણાં મોડેલમાં અમલમાં મૂકી છે. કારને ટક્કરથી બચાવીને અકસ્માત રોકવા માટે આ સિસ્ટમને જીવનદાયી કહેવામાં આવી રહી છે. કારમાં ફિટ કરવામાં આવેલા રડાર સેન્સર અને કેમેરાના માધ્યમથી માર્ગમાં આવનારા અવરોધોની જાણકારી થોડા સમય પહેલાં જ આપી દે છે. જો સામે કોઈ વાહન, વ્યક્તિ કે અન્ય પદાર્થ હોય તો રડાર તથા કેમેરા તેજ અવાજ અને લાઈટ દ્વારા ડ્રાઈવરને ચેતવી દે છે. આમાં પણ એડવાન્સ ટેક્નોલોજીમાં આવી સ્થિતિમાં ગાડીને બ્રેક આપોઆપ લાગી જાય છે અથવા તો કારની ગતિ ધીમી થઈ જાય છે, જેના લીધે દુર્ઘટના ટાળી શકાય છે. રડાર સેન્સરોની ઊંચી કિંમતને લીધે આ ટેક્નોલોજીને પણ સામાન્ય કારો સુધી પહોંચતા થોડો સમય લાગશે.
સુપર લાઈટ
વજનમાં એકદમ હળવી થઈ જશે, જેના લીધે કારની ક્ષમતા વધશે
તમારી કાર જો વજનમાં હળવી હોય તો એન્જિન પર ઓછું દબાણ આવે છે, જેના લીધે તેની કાર્યક્ષમતા વધી જાય છે. બીજા બધા સુધારાઓને લીધે હજુ સુધી કાર કંપનીઓનું કારનું વજન ઓછું કરવા તરફ બહુ ધ્યાન નહોતું ગયું, પરંતુ મર્સિડિઝની ઈ-સુપરલાઈટ કારને લીધે હવે અન્ય કાર ઉત્પાદક કંપનીઓ પણ આ બાબત તરફ ધ્યાન આપવા લાગી છે. મર્સિડિઝે તેની આગામી ઈકલાસ સેડોન કાર ઈ-સુપરલાઈટની ઘોષણા કરી છે, જેનું વજન ૩૩૮ કિલો જેટલું ઓછું કરવામાં સફળતા મળી છે. કાર્બન ફાઈબરના ઉપયોગથી આટલું વજન ઓછું કરી શકાયું છે. ૨૦૧૫થી ૨૦૧૭ સુધીના ગાળામાં આવી ૨૦,૦૦૦ કારો બજારમાં મૂકવાની મર્સિડિઝની યોજના છે, જેનાથી પ્રેરિત થઈને બીજી કંપનીઓ પણ સુપરલાઈટ કારો બજારમાં મૂકે તેવી શક્યતા છે.
ગિયરની વધતી સંખ્યા
ઓછા પાવરમાં વધારે ઝડપ પકડી લેશે
ઓટો ઉદ્યોગમાં ૧૯૮૦માં પાંચ ગિયર મેન્યુઅલ ટ્રાન્સમશિનનો વિકાસ થયો હતો. ૧૯૯૦નો દશકો આવતા-આવતા તો ચાર ગિયરવાળી કારો ચલણમાંથી બહાર નીકળી ગઈ. દસ વર્ષ પહેલાં લકઝરી કારોમાં છ ગિયરનો પ્રયોગ પણ શરૂ થયેલો ત્યારથી વધુ ગિયરના પ્રયોગો પુરજોશમાં થવા લાગ્યા છે. લેકસસે તેની એક કારમાં આઠ ગિયરનું બોક્સ લગાવ્યું છે તો હુંડાઈ કંપનીએ તો દસ ગિયરવાળી કારની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. તેમણે તો એવું પણ કહ્યું છે કે ૨૦૧૪માં દસ ગિયરવાળી કાર રસ્તા પર દોડતી થઈ જશે. ગિયર જેમ વધતા જાય તેમ ઈંધણનો યોગ્ય ઉપયોગ થઈ શકશે.
નાના એન્જિન
નાના છતાં શક્તિશાળી એન્જિનનો ઉપયોગ
નાના પરંતુ અધિક શક્તિશાળી એન્જિનવાળી કારો બનાવવાની પ્રક્રિયા આવનારાં વર્ષોમાં જોર પકડશે. જનરલ મોટર્સ અને ફોર્ડ દ્વારા અમેરિકામાં નાના એક લિટરના ત્રણ સિલિંડરવાળા એન્જિન માટેના પાવરપ્લાન્ટ લગાવ્યા છે, જ્યાંથી તેઓ દુનિયાભરમાં વેચાનારી તેમની કાર માટે આ એન્જિનની નિકાસ કરશે. બીએમડબલ્યુ તથા મર્સિડિઝ પણ તેમના વિશાળ એન્જિનની જગ્યાએ ટર્બોચાર્જ મોટરો લગાવવાની યોજના વિકસાવી રહ્યા છે. ‘