ઘણા લોકો મોટા થયા બાદ પોતાની માની લીધેલી ટેલેન્ટના ભ્રમમાંથી બહાર નથી નીકળતા.
‘તમારી ફેવરિટ ટીવી ચેનલ કઇ?’ આ પ્રશ્ન પૂછાય ત્યારે એજ્યુકેટેડ, ઇન્ટેલજિન્ટ દેખાવું હોય તો ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ પછી ડિસ્કવરી, નેશનલ જ્યોગ્રાફિક જેવાં નામ આપવા પડે. પરંતુ ‘લલ્લુ’ ગણાવાના જોખમ સાથે પણ આજે સાચું કહી દઉં કે મોંકાણભર્યા સમાચાર સાંભળીને ડિપ્રેશન આવી જાય એ કરતાં ખરેખર મનોરંજન મેળવવું હોય તો હું ચેનલસફિઁગ કરીને, ક્યાંય કોઇ રિયાલિટી શો કે ટેલેન્ટ હન્ટ માટે ઓડશિન ચાલતા હોય એની શોધ કરું છું. તમને પણ ક્યારેક સમય, ચાન્સ મળે તો આવો કાર્યક્રમ ખાસ કરીને સંગીત કોન્ટેસ્ટનું ઓડશિન શરૂઆતના રાઉન્ડ ચાલતા હોય એ જોજો. કોઇ લાફ્ટર શો કરતાં પણ વધુ મનોરંજન અહીં મળી જશે એની ગેરન્ટી!
આ મનોરંજન સૂરીલા નહીં પણ બેસૂરા લોકો પૂરું પાડશે. આવો એક જણ ગાતો હતો ત્યારે સામે બેઠેલા નિર્ણાયકોમાંથી બે જણે ટેબલ પર માથું ઢાળી દીધું. બાકીના હસવા લાગ્યા. છેવટે એમની ના સાંભળીને બહાર આવેલા યુવાને કહ્યું અમારું ગાવાનું ન ગમે તોયે આવું ઇન્સલ્ટ તો ન જ કરવું જોઇએ. ઘણા લોકો આ લાગણીનો પડઘો પાડે છે. આ પ્રકારે રિજેકશનનોભોગ બન્યા બાદ ડિપ્રેશનમાં આવી જતાં છોકરા-છોકરીઓના કિસ્સા તમે પણ અખબારોમાં વાંચ્યા હશે. પરંતુ સાચું કહો ખરેખર આ કથિત કલાકારો સહાનુભૂતિને લાયક હોય છે?
આ પ્રકારની કોન્ટેસ્ટમાં ભાગ લેવા જનારા બધાયને બરાબર ખબર હોય છે કે એમનું પરફોર્મન્સ ઠીક નહીં લાગે તો નિર્ણાયકો બેરહેમીથી ફજેતો કરી નાખશે. તોયે ટીવી પર એકવાર ચમકી જવાની લાલચે બેસૂરા લોકો પણ ગાવા માટે આબરૂના ધજાગરા કરાવવા આવે છે.
સાવ બેસૂરા લોકોને બાજુએ મૂકો તો મામલો ક્યારેક ટ્રેજિક પણ લાગે. જરા સારું ગળું હોય સ્કૂલ-કોલેજમાં એકાદ બે ઇનામ મળ્યા હોય કે પછી ટીચર પાસે હજી શીખવાની શરૂઆત કરી હોય એવા લોકો પણ આવી સ્પર્ધામાં કૂદી પડે છે. જજીસ એમનું અપમાન નથી કરતા પણ નમ્રતાભેર ના પાડે છે કહે છે કે વધુ સમય વધુ મહેનતની જરૂર છે. પરંતુ આ શિખામણ વાસ્તવિકતા સ્વીકારવાને બદલે ઘણા લોકો બહાર આવીને નિર્ણાયકોને ગાળો આપે છે. રડારોળ કરે છે અને આનાથી યે કરૂણ કે ખરાબ કહો તો ઘણીવાર એમના માતા-પિતા પણ આવા કકળાટ-ગાળાગાળીમાં સામેલ થાય છે. અંદર બેઠેલા નિર્ણાયકોને સાચી ટેલેન્ટની કદર નથી, એવી ફરિયાદ બહુ કોમન છે.
ગુજરાતના એક ભાઇને હમણાં ટીવી પર બહુ ગુસ્સામાં બોલતા સાંભળ્યા, જોયા, ‘હું પોતે પણ આર્ટિસ્ટ છું. જાહેર પ્રોગ્રામ્સ આપું છું. મારી દીકરી બહુ સારું ગાય છે પણ આ જજીસને સારું સંગીત શું કહેવાય એનું ભાન જ નથી. ગ્રેટ ટેલેન્ટને અહીં અન્યાય થાય છે...’ વગેરે. અંદર નિર્ણાયકોની ના સાંભળીને નિરાશ થયેલી ટીનએજ છોકરી બહાર પપ્પાના આ શબ્દો સાંભળીને પોકેપોકે રડવા લાગી. તમે જ કહો આ પિતાએ દીકરીનો પક્ષ લઇને એને મદદ કરી કે નુકસાન?
રિજેક્ટ થયા બાદ પણ વધુ રિયાઝ કરવાની જજીસની શિખામણ સ્વકારી લીધી હોત તો કદાચ એ છોકરીને હવેથી વધુ મહેનત કરવાની ભવિષ્યમાં વધુ સારું ગાવાની ચાનક ચઢી હોત. પરંતુ અહીં તો પપ્પાજીએ જ કહી દીધું કે બેટી તું તો સુપરસિંગર છે પણ આ દુનિયામાં મહાન કલાકારોને અન્યાય જ થાય છે. કાચી ઉંમરની છોકરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્લેબેક સિંગર બનવાના સપનાં છે અને પપ્પાજીને પણ આવી ઇચ્છા હતી કે હજીયે છે. પરંતુ આ છોકરી હવે ભવિષ્યમાં કદાચ પોતાની દરેક નિષ્ફળતાનો દોષ બીજાઓ પર જ ઢોળશે. થેંકસ ટુ પપ્પાજી!
બાળકોના પ્રેમમાં આંધળા થઇ જતાં મા-બાપો જ આવું નથી કરતા. પાંત્રીસેક વરસના લાગતા એક માણસને ઓડશિનમાંથી આઉટ કરી દેવાયા બાદ એની પત્નીએ પણ બહાર આ જ પ્રકારની રોકકળ આદરી. હવે આ ગાયક સાવ બેસૂરો નહોતો સ્થાનિક કાર્યક્રમોમાં ક્યારેક ગાઇ લેતો હશે. પરંતુ ‘દેશ કી અવાઝ’ બનવા જેવો એનો અવાજ નહોતો જ, એ હકીકત સંગીતની જરા સરખી સમજ ધરાવનારને પણ સમજાઇ જાય. પરંતુ એ નહોતો સમજતો અને પત્ની કદાચ સમજતી હોય તોયે ખબર નહીં, શા માટે સપોર્ટ આપવા આવી હતી? એને ભાન નહીં હોય કે જાહેરમાં પતિની બેઇજજતી થશે?
ટીવી પરના રિયાલિટી શો હોય કે ટીવીની બહાર રિયલ લાઇફ, સહુથી મોટી ટ્રેજેડી આ છે કે ઓછી આવડત કે પછી આવડતનો સાવ અભાવ હોય એવા લોકોને ખોટાખોટા વખાણ કરનારા મળી જાય છે. ઘરની ચાર દીવાલ વચ્ચે આવું થાય ત્યાં સુધી વાંધો નહીં અને એ પણ અમુક ઉંમર સુધી તો કરવું પણ જોઇએ. પાંચ-સાત વર્ષનો ટેણિયો સ્કૂલના એન્યુઅલ ડે ફંકશન વખતે નાટકમાં માત્ર ઝાડ બનીને સ્ટેજ પર ઊભો રહે, તોયે આપણે એની વાહવાહ કરીએ, ફોટા પાડીએ, એને ખુશ કરીને ખરેખર આપણે પણ ખુશ થઇએ. સહેજ મોટા થયા બાદ તો એ પણ સમજી જાય કે એક્ટિંગ એનો વિષય નથી. નાની ઉંમરે ફેન્સી ડ્રેસમાં ભાગ લીધો હોય પણ સ્ટેજ ઉપર જઇને રડવા માંડ્યા હોઇએ એ વખતે પાડેલા ફોટોગ્રાફ્સ ફેમિલી આલ્બમમાં જોઇને હવે કેટલું હસવું આવે છે!
કમનસીબે ઘણા લોકો મોટા થયા બાદ પોતાની માની લીધેલી ટેલેન્ટના ભ્રમમાંથી બહાર નથી નીકળતા અને એમનો ભ્રમ પોષનારા એમના પોતાના જ લોકો હોય છે. તેમને વાસ્તવિકતાનું ભાન કરાવનારા નિર્ણાયકોને ગાળો આપવી જોઇએ કે એમનો આભાર માનવો જોઇએ?