Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Kalash
 

ભૂખ્યું-તરસ્યું ‘ઇન્ક્રેડિબલ ઇન્ડિયા’!

 
Source: Tad Ne Fad, Nagindas Sanghavi   |   Last Updated 12:31 AM [IST](18/01/2012)
 
 
 
 
 
તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણમાં ભારતના અસંતુલિત વિકાસની પોલ ખુલ્લી પડી ગઇ છે. નવ રાજ્યોમાં પથરાયેલા ૧૧૨ જિલ્લાઓમાંનાં તેર હજાર કુટુંબોમાં અડધો અડધ બાળકો કુપોષણથી પીડાય છે.

પહેલું સુખ તે જાતે નર્યા. એ કહેવત દર્શાવે છે કે તંદુરસ્તી જીવનનું સૌથી મોટું સુખ છે અને બાકીનાં તમામ સુખોનો આધારસ્તંભ છે. બીમાર અને નિર્બળ માણસની જિંદગી અતિશય કષ્ટાળુ અને ત્રાસદાયી બની જાય છે. બાળપણમાં પેટ ભરીને સારું ખાવાનું ન મળે તો માણસની આખી જિંદગી ખરાબ થાય છે અને તેથી દુનિયાના દરેક સંસ્કારી અને સુખી સમાજમાં બાળકો માટે પોષણક્ષમ આહારની પૂરતી જોગવાઇ કરવામાં આવે છે કારણ કે નબળો સમાજ દુનિયામાં કશું કરી શકતો નથી.

છેલ્લાં વીસ-બાવીસ વરસમાં ભારત વધારે ને વધારે સમૃદ્ધ દેશ બનતો જાય છે. દેશમાં વાપરી શકાય તેનાથી વધારે અનાજ પાકે છે અને છતાં દેશમાં સંખ્યાબંધ કુટુંબોને ભૂખમરો વેઠવો પડે છે. આની સૌથી વધારે અસર બાળકોમાં દેખાય છે. બાળકો માયકાંગલાં બને છે. તેમનું વજન અતિશય ઓછું હોય અને તેમનો શારીરિક અને માનસિક વિકાસ કાયમ માટે રૂંધાઇ જાય છે. તાજેતરમાં ‘નાંદી’ સંસ્થાએ નવ રાજ્યોમાં પથરાયેલા ૧૧૨ જિલ્લાઓમાંનાં ૭૩,૦૦૦ કુટુંબોનો સર્વે કર્યો છે અને ‘હંગામા’ (હંગર એન્ડ માલન્યૂટ્રિશન)ના મથાળા તળે પ્રસિદ્ધ કર્યો છે.

આ જિલ્લાઓની કુલ વસતી ૧૬ કરોડ છે અને સમગ્ર ભારતમાં ૨૦ ટકા જેટલાં બાળકોને તેમાં આવરી લેવામાં આવ્યાં છે. ૨૦૦૯માં યુનિસેફે બાળવિકાસના ધોરણે ભારતના સૌથી નિમ્ન સ્તરનાં રાજ્યો બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ જણાવ્યાં છે અને તેમાંથી આ જિલ્લાઓની વરણી કરવામાં આવી છે. ત્રણ વરસથી નાનાં બાળકોનાં વજન નોંધવામાં આવ્યાં છે. તેમાંથી ૪૭ ટકાનું વજન અતિશય ઓછું છે. પાંચ વરસથી નીચેનાં બાળકોનો વિકાસ માપીએ તો ૫૮ ટકાનો વિકાસ અતિશય કુંઠિત થયો છે.

આ સર્વેમાં સ્પષ્ટ રીતે જણાઇ આવ્યું છે કે ભારતમાં કુપોષણનું પ્રમાણ આફ્રિકાનાં અતિશય ગરીબ અને પછાત રાજ્યો કરતાં પણ બમણું વધારે છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે ભારતમાં સમૃદ્ધિ વધતી જાય છે, પણ માણસ ઘસાતો જાય છે કારણ કે આ સમૃદ્ધિની વહેંચણી વધારે અસમતોલ છે. મુઠ્ઠીભર લોકો, શહેરી લોકો, ભણેલા લોકો સમૃદ્ધિનો મોટો ભાગ પડાવી જાય છે. ધીંગા લોકો વધારે ખાઇ જતા હોવાથી રાંક માણસોનો રોટલો ઝૂંટવાઇ રહ્યો છે. દેશની સંપત્તિ અને સમૃદ્ધિની વહેંચણી સમતોલ રીતે થાય તેવી ગોઠવણી કરવાનાં અનેક સાધનો સરકાર પાસે હોવા છતાં તે વાપરવામાં આવતાં નથી.

શ્રીમંતો અને સંપન્ન માણસો પાસેથી જરૂરી કરવેરા ઉઘરાવવામાં આવતા નથી અને સરકારી તિજોરીનાં નાણાં ગરીબ લોકોનાં પોષણ અને આરોગ્ય માટે વાપરવાં જોઇએ તેના બદલે ભારત સરકાર શહેરી ઝાકઝમાળ વધારવા પર ધ્યાન આપે છે. મોટરગાડીઓ વધારે વેચાય છે, રસ્તાઓ અને મકાનો શહેરી વિસ્તારોમાં પહેલાં બંધાય છે, પણ દવાખાનાં અને શાળાઓ કે સસ્તા અનાજની દુકાનો વધારે સક્ષમ અને સક્રિય બનાવવા તરફ સરકાર ધ્યાન આપતી નથી. મરવાના વાંકે જીવતા ગ્રામવાસીઓ અને જંગલવાસીઓ માટે જરૂરી સગવડ સૌથી છેલ્લે કરાય છે.

આ પરિસ્થિતિ આપણા દેશ માટે શરમજનક છે તેવું વડા પ્રધાને કહ્યું છે તે નરી ઢોંગબાજી છે કારણ કે તેમના શાસનકાળ દરમિયાન મનમોહન સિંઘની સરકારે આ પરિસ્થિતિ સુધારવા માટે આંગળી પણ ઊંચી કરી નથી. શરમજનક પરિસ્થિતિ માટે કશું કરવામાં આવ્યું નથી, ઊલટું સરકારી નીતિ શ્રીમંતોને વધારે શ્રીમંત બનાવવા તરફ ઝૂકી રહી છે. બિનસરકારીકરણ (પ્રાઇવેટાઇઝેશન)ના પરિણામે ગરીબોને તેમનાં નસીબ પર છોડી દેવામાં આવ્યા છે અને સરકારી તંત્ર સમૃદ્ધ અને સશકત વર્ગની સરભરા માટે જ વપરાવા લાગ્યું છે.

ભારતનો સમાજ અસમાન અને અસમતોલ છે. તેમાં ફેરફાર કરવાના પ્રયાસો છેક શરૂઆતથી થઇ રહ્યા હતા. તે બધા પ્રયાસો પડતા મુકાયા છે. નબળો સમાજ માત્ર શરમજનક નથી, જોખમી પણ છે કારણ કે આવો સમાજ આફત વખતે યુદ્ધના મેદાનમાં કે જીવનના સંઘર્ષમાં ટકી શકતો નથી. માનવી સમાજની શક્તિ છે અને નબળા માનવ સમાજની સ્થિરતા અને સધ્ધરતા માટે જોખમી બની જાય છે. ‘ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે’ તેવું લખનાર કવિને ખ્યાલ નથી કે નબળા માણસોમાં તાબેદારી અને મરણ સિવાય બીજું કશું કરવાની શક્તિ જ હોતી નથી.

આવા અહેવાલો પ્રગટ થાય ત્યારે થોડી ‘હોહા’ કરીને આપણે બેસી રહીએ છીએ. કશાં નક્કર પગલાં ભરાતાં નથી કારણ કે આપણી રાજ્યશક્તિ પણ ગરીબ વર્ગના હાથમાં નથી. લોકશાહી લોકોનું રાજ્ય છે તે માન્યતા ભારતમાં ખોટી સાબિત થઇ છે. ભારતમાં લોકો રાજ કરી શકતા નથી અને તેમને મળેલો મતાધિકાર પોતાના લાભ માટે વાપરવાની ક્ષમતા ગુમાવી બેઠા છે. ‘ભારતના મતદારો તો મત આપવાનો અધિકાર ભોગવતા પશુઓ છે’ તેવો એક જર્મન લેખકનો અભિપ્રાય આપણને ખૂંચે તેવો છે, પણ વાસ્તવિક પરિસ્થિતિમાં આ અભિપ્રાય સાચો હોવાનું સ્વીકાર્યા સિવાય આપની પાસે બીજો વિકલ્પ નથી.

naginbombay@yahoo.com

તડ ને ફડ, નગીનદાસ સંઘવી
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.