સચિન તેંડુલકરની સદીની રાહ જોવાઈ રહી છે ત્યારે ઘણી બધી બાબત યાદ આવી જાય છે. તાજેતરમાં મુંબઈમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટમાં સચિન છ રન માટે સદી ચૂકી ગયો ત્યારે તેને વારંવાર ૧૩નો આંક નડી ગયો હોવાના તુક્કાથી માંડીને એવી ઘણી મેચો જેમાં સચિન સદીની નજીક હતો પરંતુ તે ખરાબ અમ્પાયરિંગનો ભોગ બન્યો હોય અથવા તો ઇનિંગ્સ પૂર્ણ થઈ ગઈ હોય. જોકે સચિન પાસે હજી સમય પડ્યો છે અને તે ગમે ત્યારે સદી નોંધાવીને રહેશે.
ટૂંકમાં તે કારકિર્દીને અંતે ૯૯ ઇન્ટરનેશનલ સદીના આંક સાથે નિવૃત્ત થશે નહીં પરંતુ ક્રિકેટમાં અને ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટ(?)માં એવા કિસ્સા છે જેને કારણે ખેલાડી કાયમ માટે અફસોસ કરતો રહી જાય. એક જમાનામાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સદીનો રેકોર્ડ સર ડોન બ્રેડમેનના નામે હતો. ૧૯૪૮માં નિવૃત્ત થતાં અગાઉ ડોન બ્રેડમેને ૨૯ સદી નોંધાવી હતી. એ યુગમાં ટેસ્ટ મેચોની સંખ્યા ઘણી ઓછી રહેતી હતી અને તેમાંય બ્રેડમેને જે રીતે બેટિંગ કરી હતી તે જોતાં એમ કહેવાતું હતું કે ૨૯ ટેસ્ટ સદીનો રેકોર્ડ તૂટવો મુશ્કેલ છે. ૧૯૪૮થી ૧૯૮૩ સુધી આ રેકોર્ડ અકબંધ રહ્યો તેમ કહી શકાય.
ક્રિકેટ ઈતિહાસમાં આ રેકોર્ડ સુનિલ ગાવસ્કરે ૧૯૮૩માં વેસ્ટ ઇન્ડીઝની પ્રવાસી ટીમ સામે ચેપોક ખાતે ૩૦મી સદી નોંધાવીને તોડ્યો હોવાનો ઉલ્લેખ છે. ઉલ્લેખ શા માટે? આ હકીકત છે પરંતુ અહીં આ રીતે લખવું પડે છે તેનું કારણ એટલું જ કે ૧૯૭૦માં સર ગાફિલ્ડ સોબર્સે આ રેકોર્ડ પોતાના નામે કરી દીધો હતો અને બે વર્ષ સુધી સોબર્સના નામે ૨૯ સદી બોલતી હતી.
આજે આપણે અહીં આવી જ કેટલીક વાત કરવાની છે જ્યાં બધું ઊલટસૂલટ થઈ ગયું હોય અને અમ્પાયરના નિર્ણયનો ભોગ બનીને ભોગવનારા બેટ્સમેનની માફક સત્તાવાળાઓના નિર્ણયનો ભોગ બનીને ભોગવનારા ક્રિકેટરની પણ વાત કરવી છે.૧૯૭૦માં ઇંગ્લેન્ડ અને રેસ્ટ ઓફ વર્લ્ડ ઇલેવન વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. એ જમાનામાં આ રીતે વર્લ્ડ ઇલેવન અને જે તે દેશ (ખાસ કરીને ઇંગ્લેન્ડ અથવા ઓસ્ટ્રેલિયા) વચ્ચે શ્રેણી રમાતી હતી જેને ટેસ્ટ શ્રેણી કહેવાતી હતી.
ગેરી સોબર્સે આ શ્રેણીમાં બે સદી ફટકારી હતી. આમ ગેરી સોબર્સની સદીના આંકમાં બે સદીનો ઉમેરો થઈ ગયો હતો. એ સમયે ડોન બ્રેડમેનનો રેકોર્ડ હતો અને સોબર્સ તેની નજીક હતા. સોબર્સે એ પછીના ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ઇલેવન તરફથી રમતાં મેલબોર્ન ખાતે આક્રમક ૨૫૪ રન પણ ફટકાર્યા હતા. આમ વર્લ્ડ ઇલેવન માટે તેઓ ત્રણ સદી નોંધાવી ચૂક્યા હતા. આ સાથે તેમની સદીનો આંક ૨૮ થઈ ગયો હતો.
૧૯૭૨માં પોતાના હોમગ્રાઉન્ડ (કેનસિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાબૉડોઝ) ખાતે રમતાં સોબર્સે પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામે ૧૪૨ રન ફટકાર્યા જે તેમની ૨૯મી ‘ટેસ્ટ’ સદી હતી. આમ બ્રેડમેનનો રેકોર્ડ તો ૧૯૭૨માં જ સરભર થઈ ગયો હતો. ગાવસ્કરની ૨૯મી સદીના ૧૧ વર્ષ અગાઉ જ સોબર્સે બ્રેડમેનના રેકોર્ડની બરાબરી કરી દીધી હતી.
આમ છતાં આજે ગેરી સોબર્સના નામે ૨૬ સદી બોલે છે. જોકે સોબર્સ પછી તો ઘણા બેટ્સમેને ૨૬ કે ૨૯થી વધારે સદી ફટકારી છે એટલે તેમના નામે વર્લ્ડ રેકોર્ડ ન હોય તે સ્વાભાવિક છે પરંતુ બ્રેડમેનનો રેકોર્ડ તોડનારા ખેલાડીઓમાં તેમનું નામ નથી તેનું કારણ એટલું જ કે આઈસીસીએ અને ઇંગ્લેન્ડના ક્રિકેટ સત્તાવાળાઓએ રેસ્ટ ઓફ વર્લ્ડ ઇલેવનની એ તમામ મેચ સત્તાવાર ટેસ્ટની યાદીમાંથી બે વર્ષ પછી કાઢી નાખી હતી.
આમ સોબર્સ (અથવા તો વર્લ્ડ ઇલેવનના તમામ સદસ્ય) રમતા હતા ત્યારે તેમને એમ જ હતું કે આ ટેસ્ટ છે પરંતુ પાછળથી આ મેચોને માત્ર ફર્સ્ટ કલાસનો દરજજો જ મળ્યો અને ટેસ્ટ દરજજો પાછો ખેંચી લેવાયો. આમ એ વખતે ડોન બ્રેડમેનના રેકોર્ડની બરાબરી કર્યા પછી પણ ગેરી સોબર્સ અત્યારે તેમના કરતાં ત્રણ સદી પાછળ છે.તાજેતરમાં જેકસ કાલિસે શ્રીલંકા સામેની કેપટાઉન ટેસ્ટમાં ૨૨૪ રન ફટકાર્યા તે તેની કારકિર્દીની ૪૧મી સદી હતી પરંતુ ખરેખર તે ૪૨મી સદી હતી તેમ કોઈ કહે તો તેમાં ખોટું નથી.
૨૦૦૧-૦૨માં ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે હતી ત્યારે મેચ રેફરી માઇક ડેનેસે(ઇંગ્લેન્ડ) સચિન સહિત કેટલાક ભારતીય ક્રિકેટરને ખોટી રીતે સજા કરી હતી. તેમાં પ્રથમ ટેસ્ટ રમી રહેલો વીરેન્દ્ર સેહવાગ પણ હતો. બીસીસીઆઈએ આ બાબતનો વિરોધ કર્યો અને ડેનેસને હાંકી કાઢવાની માગણી કરી. આઈસીસીએ આ માગણી સંપૂર્ણપણે મંજુર રાખી નહીં. તેમણે ડેનેસને તો હાંકી કાઢયા પરંતુ એ શ્રેણીની બાકી રહેલી ત્રીજી ટેસ્ટને સત્તાવાર માન્યતા આપી નહીં.
અંતે બંને ટીમ ટેસ્ટ રમી પરંતુ તે સત્તાવાર રહી ન હતી. આ ટેસ્ટમાં જેકસ કાલિસે (તથા હેન્સી ક્રોનિયેએ પણ ) સદી ફટકારી હતી. કાલિસની આ સદીને ટેસ્ટ સદી ગણવામાં આવતી નથી.સેન્ચુરિયન પાર્ક ખાતેની આ ટેસ્ટમાં ભારત માટે વડોદરાનો કોનોર વિલિયમ્સ પણ રમ્યો હતો. વિલિયમ્સની કારકિર્દીની આ એકમાત્ર ટેસ્ટ હતી પરંતુ આઈસીસીએ તેને માન્યતા નહીં આપતાં વિલિયમ્સ માટે આ બિનસત્તાવાર ટેસ્ટ બની રહી. એ પછી કમનસીબે વિલિયમ્સને ક્યારેય ટેસ્ટ રમવાની તક મળી નથી.
વિલિયમ્સની માઉક ઇંગ્લેન્ડનો એલન જોન્સ પણ કમનસીબ ગણાશે. ગેરી સોબર્સ રમ્યા હતા તે શ્રેણીમાં ઇંગ્લેન્ડે ઓપનર એલન જોન્સને તક આપી હતી. જોન્સને તો ટેસ્ટ કેપ પણ આપી દેવામાં આવી હતી. બે વર્ષ પછી આઈસીસીએ માન્યતા પાછી ખેંચી લેતાં જોન્સની ટેસ્ટ કેપ પણ છીનવાઈ ગઈ. ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં ૬૪૫ મેચ રમવા છતાં જોન્સના નામે આજે એકેય ટેસ્ટ બોલતી નથી.
ફ્લેશબેક : ટેસ્ટ ક્રિકેટમાં એવા ઘણા ક્રિકેટર છે જેઓ ટેસ્ટ રમ્યા છે પરંતુ તેમના મૃત્યુ સુધી તેમને ખબર ન હતી કે તેઓ ટેસ્ટ ક્રિકેટર છે. હકીકતમાં ૧૮૭૭માં પ્રથમ ટેસ્ટ રમાઈ તેનાં ઘણાં વર્ષો બાદ આઈસીસીએ સત્તાવાર ટેસ્ટ મેચની યાદી તૈયાર કરી અને તેમાં બે દેશ વચ્ચે રમાયેલી કેટલીક ‘મેચો’ને પાછલી અસરથી ‘ટેસ્ટ મેચ’ ગણવામાં આવી. આ યાદી તૈયાર થઈ ત્યારે કેટલાક ક્રિકેટરનું નિધન થઈ ગયું હતું!