ભાવનગર જિલ્લાનાં જાહેર જીવનનાં પ્રણેતા અને ૨૫ વર્ષ સુધી ભાવનગર જિલ્લામાં ધારાસભ્ય તથા ગુજરાતનાં રાજ્ય નાણામંત્રીપદે નોંધપાત્ર સેવા આપનારા પ્રતાપભાઇ શાહ એ જાહેર જીવનની એક જીવતી જાગતી પાઠશાળા છે.
કર્મયોગને જીવનમંત્ર બનાવી સમાજ સેવામાં અગ્રેસર :
૮૫ વર્ષની વયે પણ સવારે ૭ થી રાત્રે ૮ થી ૯ વાગ્યા સુધી સતત કામને પોતાનો જીવન મંત્ર બનાવનાર પ્રતાપભાઇ શાહ ભાવનગર સહકારી હાટનાં સ્થાપક સભ્ય અને રેડક્રોસના પ્રમુખ છે. આ ઉપરાંત વૃદ્ધાશ્રમ, આનંદવાટીકા ભગિની મંડળ જેવી એક ડઝનથી વધુ સંસ્થાઓમાં તેઓ સક્રિય રીતે જોડાયેલા છે. ભાવનગરની સર તખ્તસિંહજી સરકારી હોસ્પિટલમાં તેમનાં વડપણ હેઠળ રચાયેલી રોગી કલ્યાણ સમિતિનો વિકાસ થઇ રહ્યો છે.
તેમનાં પરિવાર દ્વારા ‘દીપક હોલ’ની મહામૂલી ભેટ નગરને અપાયા બાદ પ્રતાપભાઇ અને મિત્રોનાં પ્રયત્નોથી હાલ શહેરનું બેનમૂન જોગસ પાર્ક પણ અસ્તિત્વમાં છે. ભાવનગરની નાની-મોટી તમામ સંસ્થાઓમાં તેમનું યોગદાન તો છે જ સાથોસાથ સમાજ સેવા માટે અન્ય લોકોને પણ તેઓ પ્રેરણાબળ પુરૂ પાડે છે. એ અખબારનાં વડા હોવા ઉપરાંત પ્રતિષ્ઠિત ‘પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’નાં ડ્યુટી મેમ્બર તરીકે તેઓ સેવા આપે છે. ઉપરાંત પત્રકારોનું વેતન નક્કી કરવા માટે કેન્દ્ર સરકારે નીમેલા વેતન પંચનાં પણ તેઓ સક્રિય સભ્ય હતા.
આપત્તિ વેળાએ મદદરૂપ થવામાં રાહબર :
માત્ર ભાવનગરની જ વાત કરીએ તો નિવૉણ ટ્રસ્ટ દ્વારા વિધ્યુત સ્મશાન, ગંગાજળીયા તળાવ ઉંડુ ઉતારવાનું અભિયાન આ દરેક ઝુંબેશમાં મુ.પ્રતાપકાકાની આગેવાની રહી છે. શહેરનાં સીમાડાઓ વટાવીને પણ ભુકંપ, દુષ્કાળ કે કારગિલ યુદ્ધ જેવા બનાવોમાં બધાને ભેગા કરી જરૂરિયાતવાળા લોકોને જરૂર જેટલું પહોંચે જ તેની તકેદારી પ્રતાપભાઇએ હંમેશા લીધી છે.
સાદાઇ અને સૌમ્યતાનું પ્રતિક :
ભાવનગરનાં સેવાભાવી કર્મળ્યોગીઓને એક મંચ પર એકત્ર કરી બિરદાવવાનો મૂળભૂત વિચાર પણ તેમનો જ છે. ભાવનગરનાં માત્ર આવા ૧૦૦ લોકો જ નહીં પણ અનેક લોકોને મુ.પ્રતાપભાઇનાં જીવનમાંથી કાંઇકને કાંઇક શીખવા મળે તેમ છે. સાદાઇ, સૌમ્યતા, મિલાનસાર, કામની ધગશ, કોઇને પાડી દેવાની વાત નહીં પણ પડેલાને બેઠો કરવાનું ભગીરથ કાર્ય સહિતનાં અનેક ગુણો તેમનામાં રહેલા છે. પૂ.મોરારિબાપુ હોય કે પૂ.પ્રમુખસ્વામી કે કોઇ જૈનાચાર્ય હોય..... દરેકે નમ્રતાના આ શિરોમણીને બિરદાવ્યા છે અને સરાહના કરી છે. પ્રતાપભાઇનો એક જ જીવનમંત્ર છે. ‘કોઇ વિવાદમાં ઉતર્યા સિવાય શક્ય હોય ત્યાં સુધી લોકોનું ભલુ કરો.’