વ્રજસંસ્કૃતિ એટલે પ્રેમસંસ્કૃતિ. જ્યાં સ્ત્રીના સ્મિતનું અભિવાદન છે, ત્યાં કૃષ્ણ હોવાના! કૃષ્ણનો જાદુ કણકણમાં અને ક્ષણક્ષણમાં પ્રસરી જાય ત્યારે જાણવું કે ગોકુળ અષ્ટમી આવી પહોંચી છે. શ્રાવણનાં ઝરમરિયાં રાધાની વિરહભક્તિનાં અશ્રુજળ જેવાં જણાય છે. રાધા સ્મરણમધુરા છે. મીરાં શ્રવણમધુરા છે.વાંસળીના સૂરથી શરૂ થયેલી કોસ્મિક સિમ્ફની કૃષ્ણનું જીવનસંગીત બનીને ગીતાની સિમ્ફની બની ગઇ!
ચાંદની રાત હતી. સોહામણી ઋતુ હતી. ચૈતન્ય મહાપ્રભુ (ગૌરાંગ) નિલોત્પલા નદી પાર કરીને જગન્નાથપુરી ગયા. ગદાધર પંડિત ત્યારે નીલાચલ ટેકરી પર આવેલા ગોપીનાથજીના મંદિરમાં વસતા હતા. ગદાધર પંડિતનો સંકલ્પ હતો કે શેષજીવનમાં નીલાચલની ટેકરી છોડીને ક્યાંય જવું નહીં. ગૌરાંગ મહાપ્રભુ અને ગદાધરજીનો મેળાપ એ ટેકરી પર થયો. જગન્નાથપુરીમાં ચાતુર્માસ ગાળીને ગૌરાંગ મહાપ્રભુ નવદ્વીપ જવા માટે તૈયાર થયા ત્યારે ગદાધર પંડિત તેમની સાથે થયા. ગૌરાંગ મહાપ્રભુએ એમને પૂછ્યું: ‘નીલાચલ ન છોડવાની તમારી પ્રતિજ્ઞા ભૂલી ગયા?’ ગદાધરજીએ સ્નેહનાં આંસુ સાથે એક સુભાષિત સંભળાવ્યું. એનો અનુવાદ સાંભળો:
પહેલાં તો કોઇનો સંગ જ ન થજો.
કદાચ સંગ થાય, તો સ્નેહ ન થજો.
અને સ્નેહ થઇ જ જાય,
તો કદી પણ વિરહ ન થજો
અને વિરહ થાય તો પછી
જીવતરની આશા ન રહે તેવું થજો.
ગદાધર પંડિતના આવા ભીના શબ્દો સાંભળીને મહાપ્રભુજી ગદાધરજીને ભેટી પડ્યા અને બોલ્યા : ‘પંડિતજી, જ્યાં વિરહ નથી, વિદાય નથી અને વિયોગ નથી એવો કૃષ્ણપ્રેમ હું તમને આપું છું.’
વ્રજમાં વાંસળીના મધુર સૂર રેલાવતા યશોદાનંદન અને ગોપીવલ્લભ એવા કૃષ્ણની રાસલીલાનું સઘળું માધુર્ય ચૈતન્ય મહાપ્રભુમાં સંક્રાંત થયું હતું. કૃષ્ણનું નામ પડે ત્યાં તો એમની આંખમાંથી હરખનાં આંસુ વહેવા માંડતાં. એમના પ્રિય શિષ્યનું નામ રૂપ ગોસ્વામી હતું. રૂપ ગોસ્વામીએ વ્રજમાં વ્યાપેલી મધુરતાના ચાર પ્રકાર ગણાવ્યા હતા. લીલામાધુર્ય, પ્રેમમાધુર્ય, વેણુમાધુર્ય અને રૂપમાધુર્ય. લગભગ પાંચ હજાર વર્ષ વીતી ગયાં પછી પણ કૃષ્ણને આજે પણ ‘જગદ્ગુરુ’ કહેવા પડે તેનું રહસ્ય શું? તેઓ માનવજાતને એવો તે કયો ઉપદેશ આપતા ગયા જે આજે પણ પ્રસ્તુત હોય? કૃષ્ણના અવતારકૃત્યનો મુખ્ય એજન્ડા શું હતો? ધર્મની સંસ્થાપના એ એમનો મુખ્ય એજન્ડા હતો. જે ધર્મની તેઓ વાત કરી રહ્યા હતા તે આજના છીછરા અર્થમાં કોઇ ‘રિલિજિયન’ ન હતો.
ધર્મનો ખરો સંબંધ શાશ્વતી સાથે છે. ધર્મ કદી વાસી કે અપ્રસ્તુત ન થઇ શકે. જે વાસી થાય તે તો બાહ્યાચાર છે. લાડુ સાથે ખસખસ વળગે તેમ ધર્મ સાથે બાહ્યાચાર વળગે છે. મૂર્ખ લોકો ખસખસને લાડુ ગણીને ચાલતા રહ્યા છે. આવા જ લોકો ધર્મને નામે લડે છે. એમને આપણે ખસખસવાદી કહી શકીએ. જેઓ લાડુવાદી હોય તે કદી લડી ન શકે. સદીઓ વીતી તોય નાદાન માનવજાત ખસખસ કક્ષાએ જ અંદર અંદર બાખડતી રહી છે. ભગવદ્ગીતા વાંચનારને ખ્યાલ આવે છે કે એમાં જે કહ્યું છે તે સમગ્ર માનવજાત માટે છે.
ગીતાના ઉપદેશથી પ્રભાવિત થનારા વિદ્વાનોમાં આલ્ડસ હકસ્લી, થોરો, ઇમર્સન, વોરન હેસ્ટિંગ્સ, ટી.એસ. એલિયટ અને આઇન્સ્ટાઇનનાં નામો જાણીતાં છે. માનશો? અમેરિકાની સેટન હોલ યુનિવર્સિટીમાં બધા જ વિદ્યાર્થીઓ માટે ગીતાનો અભ્યાસ ફરજિયાત ગણવામાં આવ્યો છે. એ યુનિવર્સિટીના સંચાલકો એવું માને છે કે વિદ્યાર્થીઓને સામાજિક વ્યવહારો કેવા હોય તેનો પરિચય કરાવવા માટે ગીતાથી ચડિયાતું માધ્યમ બીજું ન હોઇ શકે.
સન ૧૮૫૬માં સ્થપાયેલી આ કેથલિક યુનિવર્સિટીમાં ૧૦,૮૦૦ વિદ્યાર્થીઓ ભણે છે, જેમાં ત્રીજા ભાગના બિનખ્રિસ્તીઓ છે. આ યુનિવર્સિટી ન્યૂ જર્સીમાં આવેલી છે. (‘ભારતીય વાંગ્મય’, વારાણસી, મે, ૨૦૦૯, પાન-૭). કૃષ્ણ જગદ્ગુરુ ગણાયા તેનું રહસ્ય એ જ કે એમણે જે ઉપદેશ આપ્યો તેમાં દેશ અને કાળના કોઇ સીમાડા નડે તેવી શક્યતા જ નથી. પુરાતનતા અને સનાતનતાનો આવો સમન્વય ગીતામાં સિદ્ધ થયો. એમાં એક જ કોમ કેન્દ્રમાં છે અને તે કોમ એટલે પૃથ્વી પર પાંગરતી માનવજાત.
હિંદી સાહિત્યમાં સર્જકોનું સૌથી લાડકું પાત્ર કૃષ્ણનું છે. હિંદીમાં રાષ્ટ્રીય અને પ્રગતિવાદી પ્રતિષ્ઠા પામેલા કવિ દિનકર એમના ખંડકાવ્ય ‘કુરુક્ષેત્ર’માં એક પ્રશ્ન ઉઠાવે છે. શું મહાભારતનું યુદ્ધ ટાળી શકાય તેમ ન હતું? આવો પ્રશ્ન બીજા વિશ્વયુદ્ધના પરિપ્રેક્ષ્યમાં કવિએ ઉઠાવ્યો છે. કવિ દિનકરે બીજા વિશ્વયુદ્ધ વખતે યુદ્ધવિભાગમાં કામગીરી બજાવી હતી. યુદ્ધની દારુણ ભયાનકતા એમણે નિહાળી પછી કાવ્યની રચના કરી હતી. કવિ મહાત્મા ગાંધીથી પ્રભાવિત હતા. મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી યુધિષ્ઠિર રાજસત્તા સ્વીકારવાને બદલે વનગમનની વાતો કરે છે. યુધિષ્ઠિરના મનમાં ઘેરાયેલી ગ્લાનિ ભીષ્મ દૂર કરે છે. માત્ર થોડીક જ પંક્તિઓ પ્રસ્તુત છે :
યુદ્ધ કો તુમ નિંધ્ય કહતે હો મગર,
જબ તલક હૈં ઉઠ રહી ચિનગારિયાં
ભિન્ન સ્વાથોઁ કે કુલશિ સંઘર્ષ કી
યુદ્ધ તબ તક અનિવાર્ય હૈ!
ધર્મ કા દીપક દયા કા દીપ
કબ જલેગા, કબ જલેગા
વિશ્વ મેં ભગવાન!
આખું જગત આજે વાણિયાવૃત્તિથી પીડાય છે. વાણિયાવૃત્તિને વૈષ્ણવવૃત્તિમાં અને વૈષ્ણવવૃત્તિને વૈષ્ણવજનવૃત્તિમાં ફેરવવી એ જ જીવનનું ખરું પરાક્રમ છે. મથુરા જીતી રહ્યું છે, ગોકુળ હારી રહ્યું છે. દુર્યોધન જીતી રહેલો જણાય છે અને અર્જુન હારી જતો જણાય છે. આંખની કીકીને બંગાળી ભાષામાં ‘ચોખેમણિ’ કહે છે, અસમિયા ભાષામાં ‘ચકુરમણિ’ કહે છે, તામિલ ભાષામાં ‘કણ્મણિ’ કહે છે અને મલયાલમ ભાષામાં ‘કૃષ્ણમણિ’ કહે છે. આ શબ્દ ગુજરાતી ભાષામાં પ્રચલિત કરવા જેવો છે. કૃષ્ણ સદાય આપણી કીકીમાં અને વળી આપણા હૃદિયામાં!
ગોકુળ અષ્ટમીની રાત જીવંત રાત્રિ બની રહે છે. વાલ્મીકિ રામાયણમાં રાત્રિને ‘ભગવતી નિશા’ કહી છે. વાંસળીના સૂરથી શરૂ થયેલી કોસ્મિક સિમ્ફની કૃષ્ણનું જીવનસંગીત બનીને ગીતાની સિમ્ફની બની ગઇ! જુઆન મસ્કારોના વિખ્યાત પુસ્તકનું નામ છે : ‘સિમ્ફની ઓફ ગીતા.’ (પ્રકાશન: ભારતીય વિદ્યાભવન, મુંબઇ). ધોધમાર વરસાદ ગગનમંડળમાંથી થોડાક દિવ્ય શબ્દો હૃદયાકાશમાં રોપતો ગયો : ‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ: ભવતિ ભારત.’ આપણી ભીતર વસેલી ચેતના સાથેનો છેડો ફાટી જાય ત્યારે જ જીવનમાં અધર્મની શરૂઆત થાય છે.
આપણને થોડાક SMS કૃષ્ણને મોકલવાની પૂરી છુટ છે. SMS એટલે શું? એ જ કે ‘શ્યામ મોરી સુનો’. બાંગ્લાદેશના કવિ કાઝી નજરુલ ઇસ્લામના દીકરાનું નામ સવ્યસાચી હતું. અર્જુન ડાબે હાથે પણ તીર ચલાવી શકતો હતો તેથી સવ્યસાચી કહેવાયો. નજરુલ ઇસ્લામની પંક્તિઓ SMS જેવી છે :
વ્રજસંસ્કૃતિ એટલે પ્રેમસંસ્કૃતિ. જ્યાં સ્ત્રીના સ્મિતનું અભિવાદન છે, ત્યાં કૃષ્ણ હોવાના! કૃષ્ણનો જાદુ કણકણમાં અને ક્ષણક્ષણમાં પ્રસરી જાય ત્યારે જાણવું કે ગોકુળ અષ્ટમી આવી પહોંચી છે. શ્રાવણનાં ઝરમરિયાં રાધાની વિરહભક્તિનાં અશ્રુજળ જેવાં જણાય છે. રાધા સ્મરણમધુરા છે. મીરાં શ્રવણમધુરા છે.
પાઘડીનો વળ છેડે
શ્રદ્ધા એવું પંખી છે, જે પરોઢનું અંધારું હોય
ત્યારે ગીત ગાવાનું શરૂ કરે છે-રવીન્દ્રનાથ ટાગોર