Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Kalash
 

અસફળ રહેવું, નિષ્ફળ જવું

 
Source: Small Satya, Mukesh Modi   |   Last Updated 2:50 AM [IST](01/02/2012)
 
 
 
 
 
સફળ ન થાય તે લોકો નિષ્ફળ તો નથી જ ગયા. ત્યારે જાતને કહેવાની તાકાત જોઈએ કે હું અસફળ રહ્યો હોઈશ, નિષ્ફળ નથી ગયો!

કોઈ પણ ફિલ્ડ પકડો. એમાં સામાન્યજનને બે વર્ગ જણાઈ આવશે : સફળ અને નિષ્ફળ. સચિન સફળ, કાંબલિ નિષ્ફળ, સંજય દત્ત સફળ, કુમાર ગૌરવ નિષ્ફળ. આપણી વિચારવાની તરેહ જ કંઈક એવી છે કે આપણે બે અંતિમો અથવા તો ઓપોઝિશનમાં વિચારીએ છીએ.આ વાત સફળતા-નિષ્ફળતા માટે જેટલી લાગુ પડે છે એટલી કદાચ અન્ય કોઈ તત્વ માટે લાગુ પડતી નથી.

નંબર વનની જ પૂજા થાય એ નેચરલ લાગે તો પણ, નંબર દસ કે પંદરનું અસ્તિત્વ નકારી શકાય નહીં. શું તમે એવું માનો છો કે કબીર, નરસિંહ, મીરાં, ઓશો કે અન્ય એવા કોઈ નામી સુંદર આત્માઓ જ આ પૃથ્વી ઉપર દિવ્ય-ચેતના સ્વરૂપે અવતર્યા હશે? એવું શક્ય નથી કે આ વિશાળ પૃથ્વી પર ઉપર એમના જેવા ઘણાય દિવ્ય જીવન જીવી ગયા હોય?

તો શું એવું માનવું કે, અધ્યાત્મના અર્થમાં, ઉપર જણાવેલ અને ન જણાવેલ પણ લોકમાનસમાં સંત તરીકે અંકિત થયેલ મહાપુરુષો સિવાય, બીજા કોઈ મહાપુરુષો થયા જ નહીં હોય? થયા જ હશે. થયા જ છે. શું સચિન જેવું ક્રિકેટ રમનાર અત્યારે વિશ્વમાં બીજું કોઈ નહીં હોય? હું તો માનવા તૈયાર નથી. ઇરફાન પઠાણના સિતારા જ્યારે ક્રિકેટમાં બુલંદ હતા ત્યારે એના ભાઈ યુસુફ પઠાણને કોઈ ઓળખતું પણ નહોતું! સક્સેસ ગુરુઓ જે રીતે ચિલ્લાઈ ચિલ્લાઈને કહે છે, સફળતા એટલી સરળ નથી.

લાખ મહેનત કરી હોય, છતાં શક્ય છે ‘સફળતા’ હાથ ન આવે. આજના સક્સેસના દોરમાં એવો માહોલ બની ગયો છે કે જેને સફળતા મળે છે એને જ જીવવાનો અધિકાર છે. કારણો અને પરિબળો ઘણાં હોઈ શકે. તક, મળેલી તકનો ઉપયોગ, ડેડિકેશન, નસીબ જેવાં અગણિત પરિબળો સક્સેસ માટે ભાગ ભજવે છે. કહેવાનો અર્થ એ છે કે એ સભાનતા કેળવવી જ રહી કે દરેકે દરેક એના ફિલ્ડમાં ટોચ ઉપર પહોંચે એ શક્ય જ નથી. અને કદાચ, હીરોવિર્શપમાં આપણે ભારતીયો જેટલા શૂરા છીએ એટલી બીજી પ્રજા નહીં હોય. સલીમ અલી સફળ પક્ષિવિદ્ અને એ આપણા સૌની સલામના અધિકારી છે. પરંતુ ગામડાગામમાં દરરોજ સવારે પક્ષીઓને ચણ નાખનાર પણ મારી દ્રષ્ટિએ સલીમ અલી જેટલો જ કાબેલ પક્ષીપ્રેમી છે.

કદાચ વિષયાંતર થશે, પણ આ સંદર્ભમાં પ્રકૃતિપ્રેમી રેવતુબાએ કહેલો એક બનાવ શેર કરવા જેવો જણાય છે. કેટલાક પક્ષિવિદો સવાર-સવારમાં પક્ષીઓ જોવા નીકળ્યા. એક ઘરડી વ્યક્તિએ એમને પૂછ્યું કે ક્યાં જાવ છો? જવાબ મળ્યો કે પક્ષીઓ જોવા. બીજો પ્રશ્ન: પક્ષીઓ જોઈને શું કરશો? જવાબ: એમને ઓળખીશું. એમને એમના અવાજ થકી આઈડેન્ટીફાઈ કરીશું. ત્રીજો પ્રશ્ન: તમને ખભર છે કર્યું પક્ષી સવારે સૌથી પહેલાં ‘બાંગ’ પોકારે? જવાબ: ના. છેલ્લો પ્રશ્ન : એ બધી વાત છોડો. જે પક્ષી સૌથી પહેલાં ગાય છે એ જો કોઈ દિવસ ન ગાય તો તમને કંઈ થાય? તમને ધ્રાસ્કો કે ફાળ પડે? જવાબ: ના દાદાની છેલી વાત: જો તમને ફાળ ન પડતી હોય તો શું કામ આમ પક્ષીઓ જોવા નીકળ્યા છો ? જાવ, છાનામાના સૂઈ જાવ!

કોઈ બાબત દુનિયા બદલી નાખે તો જ મહત્વની? ટેક્નોલોજી થકી દુનિયા બદલી નાખનાર સ્ટીવ જોબ્સે એક વિધાન કર્યું હતું કે, ‘ટેક્નોલોજીને એનાથી દુનિયા બદલાઈ જશે એવા સ્વરૂપે રજુ કરવી એ કુસેવા છે. કોઈ બાબત દુનિયા બદલી નાખે તો જ મહત્વની ગણાય એ જરૂરી નથી.’ અગત્યનું એ છે કે કેવી રીતે આપણે આપણા કામને મહત્વાકાંક્ષાથી પર રાખી શકીએ. દરેક પુસ્તક નોબેલ ન લાવી શકે.

દરેક કલાકાર મહાન ન જ બની શકે. જે કરીએ છીએ એનાથી ફરક પડી જ જશે એવું માનવાની જરૂર પણ નથી. કામનો આનંદ લઈ શકીએ એ એટલું જ મહત્વનું છે. ગુરુ નંદલાલ વસુએ અમૃતલાલ વેગડને શાંતિનિકેતન છોડતી વેળા આપેલી શીખ કાને ધરવા જેવી છે : ‘બેટા, જીવનમાં સફળ ન થજે. સફળ થનારાઓની કંઈ કમી નથી. વર્તમાનપત્રોમાં આપણે એમનાં નામ જોઈએ છીએ. તું તારું જીવન સાર્થક કરજે.’

માનીએ કે ન માનીએ, સ્વીકારીએ કે ન સ્વીકારીએ,‘સફળતા’ માટે નસીબ એટલું જ મહત્વનું પરિબળ છે જ. નેપોલિયન નવા આર્મી ચીફની તલાશમાં હતો. એની પાસે એક વ્યક્તિને લાવવામાં આવ્યો. એ સૈનિક હતો અને નેપોલિયન સામે એના સૈનિકપણાના ખૂબ વખાણ કરવામાં આવ્યા. એ સૈનિક અંગેના ગુણગાન સાંભળ્યા પછી, નેપોલિયને પૂછ્યું, ઈઝ હી લકી ઓલ્સો? બધું બરાબર, પણ એ નસીબદાર તો છે ને? નરેન્દ્ર મોદી અને મહેન્દ્રસિંહ ધોનીની ક્ષમતા અંગે શક નથી, પણ તેઓ નસીબદાર છે એમાંય શક નથી. નરેન્દ્ર મોદી ગુજરાતમાં બેઠા પછી, કુદરત એમની સાથે જ છે. નો દુષ્કાળ, નો ધરતીકંપ, નો અતિવૃષ્ટિ. સચિન કપ્તાન બન્યો ત્યારે એની ટીમમાં ખેલાડીઓ ઓછા અને સટોડિયાઓ ઝાઝા હતા. ધોની પાસે ખેલાડીઓ છે. આ નસીબ છે, જેમાં તમે કશું કરી શકતા નથી.

સફળ ન પણ થવાય. સફળ ન થવાય એટલે નસીબને દોષ આપીને બેસી રહેવાનું પણ નથી. પણ સફળતા માત્ર આપણા હાથની જ વસ્તુ નથી. સફળ ન થવાય તે નિષ્ફળ તો નથી જ ગયા. જાતને કહેવાની તાકાત જોઈએ કે આઇ વોઝ એનસક્સેસફુલ, આઈ એમ નોટ અ ફેઈલ્યોર. હું અસફળ રહ્યો હોઈશ, નિષ્ફળ નથી ગયો! અને જે અસફળ રહે છે એના ચાન્સિસ છે સફળ થવાના. જે એવું માની લે છે કે એ નિષ્ફળ ગયો છે એના માટે તો વાત પૂરી જ થઈ જાય છે.‘

ચલતે ચલતે : છું ‘શૂન્ય’ એ ન ભૂલ ઓ અસ્તિત્વના પ્રભુ!તું તો હશે કે કેમ પણ હું તો જરૂર છું. - ‘શૂન્ય’ પાલનપુરી

mukesh2771@gmail.com

Small સત્ય, મુકેશ મોદી
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.